મનપામાં ટેક્સ સોફ્ટવેર વિવાદ મામલે મ્યુ. કમિશનરને રજૂઆત:મનપાના ડિજિટલ વહીવટ સામે શાસક પક્ષના જ નગરસેવકનો બળવો, GIPL કંપનીને બ્લેકલિસ્ટ કરી કોન્ટ્રાક્ટ રદ કરવા માંગ
જૂનાગઢ મહાનગરપાલિકામાં એક નવો જ વિવાદ સામે આવ્યો છે. સામાન્ય રીતે વિપક્ષ દ્વારા શાસકો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના બદલે ખુદ શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટર દ્વારા ડિજિટલ વહીવટ સામે રોષ વ્યક્ત કરી મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે. ભાજપ કોર્પોરેટરનો મ્યુ. કમિશનરને પત્ર
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને વોર્ડ નંબર-6ના ભાજપના કોર્પોરેટર પ્રવિણ વાઘેલાએ મ્યુનિસિપલ કમિશનરને એક સત્તાવાર પત્ર લખીને ઓનલાઈન કામગીરી કરતી એજન્સી ગુજરાત ઈન્ફોપેટ્રો લિમિટેડ એટલે કે જી.આઈ.પી.એલ.નું પોર્ટલ તાત્કાલિક અસરથી બંધ કરવા રજૂઆત કરી છે. તેમણે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની અને તેનું પેમેન્ટ રોકી દેવાની ઉગ્ર માંગણી કરતાં મનપાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે, કારણ કે મનપામાં વિપક્ષ પણ છેલ્લા બે વર્ષથી આ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરી રહ્યો છે. 'પોર્ટલની નબળી કામગીરી અને ટેકનિકલ ક્ષતિ'
કમિશનરને લેટર લખી આક્ષેપો કરતા જણાવવામાં આવ્યું છે કે મનપાને આર્થિક રીતે સધ્ધર કરતી મુખ્ય શાખાઓ જેવી કે ઘરવેરા, રેવન્યુ ટેક્સ અને વ્યવસાય વેરાના સોફ્ટવેરમાં પોર્ટલની નબળી કામગીરી અને ટેકનિકલ ક્ષતિઓ જોવા મળી રહી છે. આ છબરડાના કારણે મનપાની તિજોરીને મસમોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને સોફ્ટવેરના ધાંધિયાથી સ્થાનિક જનતા ભારે પરેશાન થઈ રહી છે. માર્ચ મહિનાના અંતમાં વેરા ભરવાના દિવસો દરમિયાન સોફ્ટવેર સરખું ન ચાલતા અનેક લોકો વેરો ભર્યા વગર જ પરત ફર્યા હતા. 'જી.આઈ.એસ. મેપિંગ પ્રોજેક્ટની કામગીરી ઠપ'
આ ઉપરાંત વ્યવસાય વેરામાં ઓનલાઈન એન્ટ્રી કરવા છતાં સોફ્ટવેર ઝીરો લેણું દર્શાવે છે, જ્યારે નવા લાયસન્સ મેળવવા માટે વેપારીઓના આર.સી. નંબર જ જનરેટ થતા નથી. જૂનો રેકોર્ડ સમયસર અપલોડ ન થવાના કારણે ટેક્સની રકમોમાં મોટી વિસંગતતાઓ સામે આવી રહી છે, જેનાથી કોર્પોરેશનની છબી ખરડાઈ રહી છે. સાથે જ રહેણાંકના ઘરોનું ઓનલાઈન મેપિંગ કરવાના કરોડો રૂપિયાના જી.આઈ.એસ. મેપિંગ પ્રોજેક્ટની કામગીરી પણ હાલ ઠપ થઈ ગઈ છે અને આ સર્વેની પ્રક્રિયામાં સ્થાનિક કોર્પોરેટરોને પણ અંધારામાં રાખીને વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. કંપની સંતોષકારક કામગીરી ન કરે તો બ્લેકલિસ્ટ થશે
આ સમગ્ર મામલે ભાજપના કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, પેપરલેસ અંતર્ગત ઓનલાઈન કામગીરી કરતી જી.આઈ.પી.એલ. કંપનીના કામમાં અનેક ક્ષતિઓ છે અને કામ ખૂબ જ ધીમું ચાલી રહ્યું છે. આ સંદર્ભે કમિશનર અને પાંચેય પદાધિકારીઓને લેખિત રજૂઆત કર્યા બાદ અધિકારીઓએ તેમને રૂબરૂ બોલાવ્યા હતા. કમિશનર અને પદાધિકારીઓએ ખાતરી આપી છે કે જો આગામી દિવસોમાં આ કંપનીની ઓનલાઈન કામગીરી સંતોષકારક નહીં જણાય અથવા કામમાં વિલંબ થશે તો જનહિતમાં તેમની માંગણી સ્વીકારીને આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ મામલે મનપા કમિશનર પ્રભવ જોશીએ પણ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
Read Original Article →