​જૂનાગઢ મનપામાં ફાયર વિભાગની ભરતી ખાનગી એજન્સી કરે છે:સરકારી અધિકારી વગર જ ડ્રાઇવર કમ ઓપરેટરની ભરતી પ્રક્રિયાનો આક્ષેપ, હેવી વ્હિકલની ટેસ્ટ સ્વિફ્ટથી આપી રહ્યા છે ઉમેદવારો

Gujarat5/16/2026, 7:01:47 AM
​જૂનાગઢ મનપામાં ફાયર વિભાગની ભરતી ખાનગી એજન્સી કરે છે:સરકારી અધિકારી વગર જ ડ્રાઇવર કમ ઓપરેટરની ભરતી પ્રક્રિયાનો આક્ષેપ, હેવી વ્હિકલની ટેસ્ટ સ્વિફ્ટથી આપી રહ્યા છે ઉમેદવારો
જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ડ્રાઇવર કમ ઓપરેટરની સરકારી ભરતી પ્રક્રિયામાં એક અત્યંત ચોંકાવનારો અને નિયમોના ધજાગરા ઉડાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફાયર વિભાગના ડ્રાઇવર કમ ઓપરેટરની આ ભરતીમાં એક પણ સરકારી અધિકારીની હાજરી વગર ગાંધીનગરથી આવેલી ખાનગી એજન્સી દ્વારા લોલમ લોલ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો કરાયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે ફાયર વિભાગના હેવી વાહનો ચલાવવા માટેની આ પરીક્ષામાં નિયમ વિરુદ્ધ ફાયર વિભાગના વાહનોના બદલે સ્વિફ્ટ કાર ચલાવીને ઉમેદવારોનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવી રહ્યો હતો. એટલું જ નહીં, આ ભરતી પ્રક્રિયા સરકારી હોવા છતાં પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને તેઓ પાસ થયા છે કે નાપાસ, તેનો કોઈ જ લેખિત પુરાવો ખાનગી એજન્સી દ્વારા ઉમેદવારોને આપવામાં આવતો ન હોવાના ગંભીર આક્ષેપો સાથે ભારે હોબાળો મચી ગયો છે. આ સમગ્ર મામલે સરકારી ભરતી પ્રક્રિયા કરી રહેલી ખાનગી એજન્સીના વ્યક્તિએ પણ કેમેરા સામે સ્વીકાર્યું છે કે અહીં જૂનાગઢ મહાનગરપાલિકાના એક પણ સરકારી અધિકારી કે કર્મચારી હાજર નથી. જ્યારે સરકારી ભરતી ખાનગી એજન્સીના હવાલે ​સામાન્ય રીતે સરકારી ભરતી માટે નિયત કરવામાં આવેલી શારીરિક માપ કસોટી અને પ્રેક્ટિકલ ટેસ્ટ રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવો તેના માટે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ આ ભરતી પ્રક્રિયામાં તમામ નિયમોની ઐસીતૈસી કરીને ખાનગી કંપની દ્વારા આખી પ્રક્રિયા આટોપી લેવામાં આવી રહી છે, જેને કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. હેવી વ્હિકલની બદલે સ્વિફ્ટ કારમાં ડ્રાઇવિંગ ટેસ્ટ નિયમ અનુસાર ફાયર વિભાગની ભરતીમાં ડ્રાઇવિંગના જે અલગ-અલગ પ્રકારના કઠિન ટેસ્ટ લેવાના હોય છે તે ફરજિયાત ફાયર વિભાગની મોટી ગાડીઓ દ્વારા જ લેવાના હોય છે. જોકે, સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે જ્યારે મીડિયાની ટીમ આ લોલમ લોલની હકીકત કવર કરવા પહોંચી ત્યારે ત્યાં હાજર ખાનગી કંપનીના માણસો કેમેરો જોઈને દૂર ભાગવા લાગ્યા હતા. ઉમેદવારોએ આ આખી ભરતી પ્રક્રિયામાં મોટું કોભાંડ ચાલતું હોવાના આક્ષેપ સાથે તેને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. નાની કાર ચલાવીને પાસ થયેલા ઉમેદવારો મોટું વાહન કેવી રીતે ઓપરેટ કરી શકશે! સવાલ એ પણ ઊભો થાય છે કે ભવિષ્યમાં જૂનાગઢ શહેરમાં કોઈ જગ્યાએ આગ લાગશે ત્યારે ત્યાં સ્વિફ્ટ કાર નહીં પરંતુ ફાયરનું હેવી વાહન જ લઈ જવું પડશે, તો નાની કાર ચલાવીને પાસ થયેલા ઉમેદવારો આ મોટું વાહન કેવી રીતે ઓપરેટ કરી શકશે. એક અનુભવી ઉમેદવારે તો ત્યાં સુધી કહ્યું કે હું સોળ વર્ષથી ફાયર વિભાગમાં ફરજ બજાવું છું અને મને આ વાહનોનો પૂરતો અનુભવ છે, પરંતુ જો અહીં સ્વિફ્ટ ગાડી ચલાવીને જ લોકો પાસ થઈ જતા હોય તો મારા આટલા વર્ષના અનુભવની કોઈ કિંમત જ નથી રહેતી. ​'ફાયરના વાહનમાં ફક્ત બેસાડીને ગેર વિશે કહેવામાં આવ્યું' ઉમેદવાર સંજય નાઘેરાએ જણાવ્યું હતું કે, જુનાગઢ મહાનગરપાલિકામાં ફાયર વિભાગના ડ્રાઇવર કમ ઓપરેટરની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે 2024માં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે બે દિવસ પહેલા આ ભરતીના કોલલેટર ડાઉનલોડ કરવા માટે જાહેરાત કરાઈ હતી. અને આજે અહીં અમે જ્યારે ફાયર વિભાગમાં ડ્રાઇવરની ભરતી માટે આવ્યા, ત્યારે અહીં ફાયર વિભાગની ગાડીથી નહીં પરંતુ ખાનગી કારથી ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે. જેમાં 20 સેકન્ડમાં સીધી ગાડી ચલાવવાની અને રિવર્સ 30 સેકન્ડમાં ગાડી ચલાવવી તેમજ 8 બનાવી ગાડી કાઢવાની પરંતુ જે પ્રમાણે નિયમ મુજબ આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી નથી. અહીં જે ફાયરનું વાહન રાખવામાં આવ્યું છે, તેમાં માત્ર ઉમેદવારને બેસાડીને માત્ર ગેર વિશે કહેવામાં આવ્યું. પરંતુ ગાડી ચાલુ પણ કરવામાં આવી નથી, હું છેલ્લા 18 વર્ષથી ફાયર વિભાગમાં નોકરી કરું છું. ત્યારે હાલ જુનાગઢ માં જે ભરતી પ્રક્રિયા થઈ રહી છે. 'ફાયર વિભાગના વાહનોના બદલે અહીં ખાનગી કંપનીની કારમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવી' ​ભાવનગરથી ભરતી પ્રક્રિયામાં આવેલા પાર્થરાજસિંહ બારડે જણાવ્યું હતું કે, અમે પરીક્ષા આપી હોય તેવું એક પણ પુરાવો અમને અહીંથી આપવામાં આવતો નથી. અહીંથી કહી દેવામાં આવે છે કે મેરીટ લીસ્ટ જોઈ લેજો તમારું નામ આવી જશે. ત્યારે જો મેરીટમાં નામ ના આવ્યું તો પુરાવા વગર રજૂઆત કોને કરવી?. 'કોઈ સરકારી અધિકારી હાજર નથી, ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કોઈપણ નિરીક્ષક પણ નથી' ​ભાવનગરથી ભરતી પ્રક્રિયા માટે આવેલા મનીષ ચૌહાણે જણાવ્યું હતું કે, આજે હું જુનાગઢ મહાનગર પાલિકાના ફાયર વિભાગના ડ્રાઇવર માટે અહીં પરીક્ષા આપવા માટે આવ્યો હતો. અહીં કોઈ સરકારી અધિકારી હાજર નથી અને નિયમો અનુસાર ફાયર વિભાગની મોટી ગાડીમાં ડ્રાઇવિંગની પરીક્ષા લેવાની હોય છે જે અહીં ખાનગી નાની ગાડીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઈ રહ્યો છે. અને આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કોઈપણ નિરીક્ષક પણ અહીં નથી. જે પ્રમાણે પરીક્ષાનો સિલેબસ અને નિયમો છે લખવામાં આવ્યા છે તેવું અહીં કંઈ જ નથી. સરકારી ભરતીમાં દરેક ઉમેદવાર પર કેમેરો હોવા ફરજિયાત છે પરંતુ અહીં આવી કોઈ જ કામગીરી નથી. 2024માં આ પરીક્ષા માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જે હાલ જુનાગઢ લેવાય રહી છે અને ફાયર વિભાગના ડ્રાઇવર કમ ઓપરેટર માટે હેવી લાઇસન્સ હોવું જરૂરી છે પરંતુ અહીં સ્વિફ્ટ ગાડીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઈ રહ્યો છે. ખાનગી એજન્સીના પ્રતિનિધિનો ગોળ ગોળ જવાબ ​જ્યારે આ સમગ્ર મામલે ખાનગી કંપની જે ભરતી પ્રક્રિયા કરતા પરેશ વાઘલિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકારી ભરતી પ્રક્રિયાનું ખાનગી એજન્સીને કામ શા માટે સોંપવામાં આવ્યું જેને લઇ ખાનગી કંપનીના વ્યક્તિએ કહ્યું કે આ સમગ્ર મામલે જુનાગઢ મહાનગરપાલિકાને પૂછો. જ્યારે ફાયર વિભાગના વાહનોના બદલે તેમને શિફ્ટ ગાડીની ડ્રાઇવિંગના પરીક્ષા વિશે પૂછતા તેમને કહ્યું કે આરટીઓ દ્વારા જે ઉમેદવારોને હેવી લાઇસન્સ આપવામાં આવ્યું હશે. અને આરટીઓમાં પાસ કરી હશે ત્યારે આરટીઓ દ્વારા આપવામાં આવેલ લાઇસન્સ ચકાસીને જ આ પરીક્ષા અપાઈ રહી છે. જ્યારે ઉમેદવારો હેવી વાહનોનો ડ્રાઇવિંગ ટેસ્ટ શા માટે નથી લેવામાં આવતો તેને લઈ ખાનગી એજન્સીના કર્મચારીએ કહ્યું કે, તે ટેસ્ટ આરટીઓ દ્વારા લેવાઈ ગયો હોય અને ત્યારબાદ જ તમને લાયસન્સ આપવામાં આવ્યું હોય. ત્યારે ફાયર વિભાગના વાહનમાં કેટલા લીટરની ડીઝલની ટાંકી આવે તેનો પ્રશ્ન પૂછતા ખાનગી એજન્સીના વ્યક્તિએ કહ્યું હું પરીક્ષા આપવા આવ્યો નથી તમે મને પ્રશ્ન ન પૂછો, મારે તો પરીક્ષા લેવાની છે. 'એજન્સીને ટેન્ડર દ્વારા કામ સોંપાયુ છે, ભરતી નીતિ નિયમો મુજબ જ થઈ રહી છે' જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર સાથે ભાસ્કરે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, ઉમેદવારોની કોઈપણ લેખિતમાં રજૂઆત આવશે તો તે રજૂઆત પર પૂરતું ધ્યાન દેવામાં આવશે. અને હાલ જે એજન્સી ભરતી પ્રક્રિયા કરી રહી છે તેને ટેન્ડર દ્વારા કામ સોંપવામાં આવ્યું છે અને માત્ર જુનાગઢ જ નહીં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેના દ્વારા અલગ અલગ ભરતીઓ કરાવવામાં આવી છે અને ભરતી નીતિ નિયમો મુજબ જ થઈ રહી છે.
Read Original Article →