જૂનાગઢ મનપામાં કરોડોની ગેરરીતિના વિપક્ષના ગંભીર આક્ષેપ:3377 ઓડિટ પારા પેન્ડિંગ, નાણા વિભાગે કમિશનરને તપાસ સોંપી; મનપા અધિકારીઓમાં ફફડાટ
જૂનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકા સમયના ઓડિટ દરમિયાન સામે આવેલા અસંખ્ય વાંધાઓના જવાબો હજુ સુધી રજૂ કરવામાં આવ્યા નથી, જેને પગલે નાણા વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કડક આદેશ સાથે તપાસ સોંપવામાં આવી છે. સામાન્ય રીતે લોકલ ફંડ અને નાણા વિભાગ દ્વારા સમયાંતરે સરકારી કચેરીઓનું ઓડિટ કરવામાં આવતું હોય છે. જૂનાગઢમાં લાંબા સમયથી ઓડિટ પારાઓ પેન્ડિંગ રાખવામાં આવ્યા હોવાથી તેમાં અત્યંત ગંભીર પ્રકારની નાણાકીય ગેરરીતિઓ થઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. વિપક્ષ દ્વારા જુદી જુદી શાખાના અધિકારીઓ સામે નાણાકીય ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમના દ્વારા ઓડિટના પ્રાથમિક જવાબો આપવાની પણ તસ્દી લેવામાં આવી નહોતી. ઓડિટમાં 3324 પારાઓના ગંભીર વાંધાઓ સામે આવ્યા
જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પણસારાએ આ સમગ્ર મામલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાનું છેલ્લે વર્ષ 2020-2021 નું જ્યારે ઓડિટ કરવામાં આવ્યું, ત્યારે તેનો અહેવાલ સામે આવતા જ મોટો નાણાકીય ગેરવહીવટ અને મોટા પાયે ગેર-છબરડા હોવાનું સ્પષ્ટ બહાર આવ્યું હતું. ઓડિટ દરમિયાન અંદાજે 3324 જેટલા પારાઓના ગંભીર વાંધાઓ સામે આવ્યા હતા, જે મહાનગરપાલિકાના આખેઆખા વહીવટને સ્પર્શે છે. આ ઓડિટમાં કોન્ટ્રાક્ટથી માંડીને ટેક્સ કલેક્શન સુધીની તમામ કામગીરીઓ અને આખેઆખી પ્રક્રિયામાં કઈ ક્ષતિઓ રહી ગઈ છે, કેવા મોટા છબરડા થયા છે અને કઈ જગ્યાએ નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી છે તે બધી જ વિગતો સરકારી લોકલ ઓડિટ ફંડ દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં બહાર લાવવામાં આવી છે. કમિશનરની કડક સૂચના છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાઈ નહીં
ઓડિટમાં સામે આવેલી આવી મોટી ગેરરીતિઓ અંગે અમે અગાઉ નાણા વિભાગને પત્ર લખીને લેખિત જાણ કરી હતી, જેને પગલે નાણા વિભાગે કમિશનરને ખૂબ જ સ્પષ્ટ અને કડક સૂચના આપી હતી કે આ સમગ્ર બાબતે ગંભીરતા દાખવવામાં આવે અને જેટલા પણ પેન્ડિંગ પારાઓ છે તે તમામની ઊંડાણપૂર્વક તપાસ કરીને નિયમાનુસાર સત્વરે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ આટલી કડક તાકીદ છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નહોતી. હાલમાં લોકલ ફંડે નાણા વિભાગને પત્ર લખીને વર્ષ 2020-21 અને 2021-22 સુધીનું તમામ ઓડિટ કાર્ય પૂર્ણ કરી નાખ્યું છે, અને સરકારી પત્રો મુજબ આ તમામ વાંધાઓના જવાબ આપવાની તેમજ જવાબદારો સામે કલમ 10 મુજબ દંડાત્મક પગલાં લેવાની મુખ્ય જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની બને છે. ન.પા.નો વહીવટી બેન્ચમાર્ક ઘટાડીને થર્ડ ક્લાસ કરાયો
કમિશનર કક્ષાએથી જ આ ગંભીર બાબતની કાયદેસરની કાર્યવાહી કરવાની હોવાથી વિપક્ષના નેતા દ્વારા આજે જરૂરી પુરાવાઓ સાથેનો પત્ર સુપ્રત કરીને કમિશનરનું સત્તાવાર ધ્યાન દોરવામાં આવ્યું છે, કારણ કે કરોડો રૂપિયાના કામો અને મોટા પ્રોજેક્ટોમાં કોન્ટ્રાક્ટરો સાથે મળીને મોટી ગેરરીતિઓ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના બિલો, વાઉચરો અને કોન્ટ્રાક્ટરો પાસેથી નિયમાનુસાર લેવાની થતી સિક્યુરિટી ડિપોઝિટ પણ લેવામાં આવી નથી, જેના કારણે એ જ કાર્યાલય દ્વારા જૂનાગઢ નગરપાલિકાનો વહીવટી બેન્ચમાર્ક ઘટાડીને સાવ થર્ડ ક્લાસ આપી દેવામાં આવ્યો છે. પ્રજાના પૈસાનો થતો આડેધડ વેડફાટ અટકે
વિપક્ષે કમિશનરને પત્રો અન્ય કચેરીઓમાં ફોરવર્ડ કરીને સમય વેડફવાને બદલે તાત્કાલિક તપાસના આદેશ આપી બેદરકાર શાખા અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવા અને સરચાર્જ વસૂલવા માંગ કરી છે, જેથી પ્રજાના પૈસાનો થતો આડેધડ વેડફાટ અટકે. જોકે આ સમગ્ર બાબતે કમિશનરનો પક્ષ જાણવા માટે તેમને કોલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કોલ રિસીવ કર્યો ન હતો. ફાઈલ તપાસ માટે જે તે વિભાગને મોકલી આપી હતી
આ વિવાદની શરૂઆત 29 ડિસેમ્બર 2025ના રોજ થઈ હતી, જ્યારે વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પણસારાએ નાણામંત્રી, નાણા સચિવ અને લોકલ ફંડ ઓડિટના ડાયરેક્ટરને પત્ર લખીને જૂનાગઢ તંત્રના 3259 જેટલા પેન્ડિંગ ઓડિટ વાંધાઓ અંગે ફરિયાદ કરી દંડાત્મક પગલાં ભરવા અથવા કોર્ટમાં જવાની ચીમકી આપી હતી. આ રજૂઆતને પગલે 3 જાન્યુઆરી 2026ના રોજ નાણા અને શહેરી વિકાસ મંત્રીના કાર્યાલયે આગળની તપાસ માટે ફાઈલ જે-તે વિભાગને મોકલી આપી હતી. ત્યારબાદ 27 જાન્યુઆરી 2026ના રોજ શહેરી વિકાસ વિભાગના સેકશન અધિકારી જીગર પટેલે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને સત્વરે નિયમાનુસાર કાર્યવાહી કરવા અને વિપક્ષને યોગ્ય પ્રત્યુત્તર પાઠવવા માટે આજ્ઞાનુસાર લેખિત આદેશ કર્યો હતો. વિપક્ષની કમિશનને લેખિત રજૂઆત કરી કડક પગલાં લેવા માંગ
ત્યારબાદ વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનતા 30 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગરની સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના સંયુક્ત નિરીક્ષકે ભાવનગર કચેરીને તપાસ સોંપી હતી, જેના જવાબમાં 3 ફેબ્રુઆરી 2026ના રોજ ભાવનગર ઝોનના વિભાગીય નાયબ નિરીક્ષકે ગાંધીનગર અહેવાલ મોકલીને સ્પષ્ટ કર્યું હતું કે જૂનાગઢમાં વર્ષ 2010-11 થી 2022-23 સુધીનું ઓડિટ પૂર્ણ થઈ ગયું છે, જેમાં નગરપાલિકા સમયના 2432 અને મહાનગરપાલિકા સમયના 945 મળીને કુલ 3377 ઓડિટ પારા પેન્ડિંગ બોલે છે અને આ તમામ બાબતે ગુજરાત સ્થાનિક ભંડોળ અધિનિયમ 1963ની કલમ 10 અન્વયેની આગામી શિક્ષાત્મક કાર્યવાહી જૂનાગઢ મહાનગરપાલિકાએ પોતાની કક્ષાએથી જ કરવાની રહે છે. આ અહેવાલના આધારે છેલ્લે 4 જૂન 2026ના રોજ ગાંધીનગરના સંયુક્ત નિરીક્ષકે નાણા વિભાગના નાયબ સચિવને પત્ર પાઠવીને કમિશનર જૂનાગઢ દ્વારા જ દંડાત્મક પગલાં લેવાના હોવાની બાબત રેકોર્ડ પર લીધી હતી, જેના અનુસંધાને આજે 8 જૂન 2026ના રોજ વિપક્ષે કમિશનને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની ઉગ્ર માંગણી દોહરાવી છે.
Read Original Article →