જૂનાગઢ મનપાના વહીવટમાં ગાબડું:નવો રોડ બનતા જ પાણીની લાઈન લીકેજ થતાં લાખો લીટર પાણી વેડફાયું, અધિકારી-પદાધિકારીઓનું ભેદી મૌન

Gujarat6/4/2026, 5:59:22 AM
જૂનાગઢ મનપાના વહીવટમાં ગાબડું:નવો રોડ બનતા જ પાણીની લાઈન લીકેજ થતાં લાખો લીટર પાણી વેડફાયું, અધિકારી-પદાધિકારીઓનું ભેદી મૌન
​જૂનાગઢ શહેરના વિકાસ માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની અણઆવડત તેમજ ઘોર બેદરકારીના કારણે સ્થાનિક લોકોને સમયસર વિકાસના કામોનો લાભ મળવાને બદલે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં રોડ, રસ્તા અને ગટરના પ્રશ્નોને લઈને નાગરિકો લાંબા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્રની લાલિયાવાડીનો વધુ એક જીવતો જાગતો કિસ્સો ગિરિરાજ રોડ વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં કરોડોના ખર્ચે બનેલો નવો રસ્તો મનપાની બેદરકારીના કારણે ધૂળધાણી થઈ રહ્યો છે. ​જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું કે, ગિરિરાજ રોડ પરથી આંબાવાડી તરફ જતો અને ગંદકીથી ખદબદતો નવો રસ્તો હજુ તાજેતરમાં જ લાખો રૂપિયાના આંધણ કરીને બનાવવામાં આવ્યો છે. પરંતુ આ રોડની કામગીરી પૂરી થતાંની સાથે જ તેની નીચેથી પસાર થતી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ સર્જાયું છે. આ લીકેજના કારણે છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી રોજેરોજ લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તાઓ પર વહીને ખુલ્લેઆમ વેડફાઈ રહ્યું છે અને આજુબાજુની અનેક રહેણાંક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે વગર ચોમાસે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવી ભયાનક સ્થિતિ નિર્માણ પામી છે.​ શહેરમાં એકબાજુ સામાન્ય જનતાને પીવાનું પૂરતું પાણી નથી મળી રહ્યું અને લોકોને પોતાના ઘર વપરાશ માટે મોંઘા ભાવના ખાનગી પાણીના ટેન્કરો મંગાવવા મજબૂર બનવું પડી રહ્યું છે. તંત્રના આંખ આડા કાન ત્યારે બીજી તરફ વોટર વર્ક્સ શાખાની ઘોર લાપરવાહીના લીધે લાખો લીટર પાણી રોજ રસ્તા પર વહી રહ્યું હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. મનપાની આ ગંભીર ક્ષતિના કારણે હવે કરોડોના ખર્ચે સરસ મજાનો બનેલો નવો રોડ ફરીથી તોડવાની નોબત આવી છે જે સીધેસીધો જનતાના ટેક્સના પૈસાનો ખુલ્લેઆમ બગાડ છે. સામાન્ય નાગરિકના આંગણેથી જો થોડું પણ પાણી ઢોળાય તો આ જ મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક દંડ ફટકારવા પહોંચી જાય છે પરંતુ વોટર વર્ક્સ શાખાના એન્જિનિયરો અને અધિકારીઓની આંખ સામે આટલો મોટો વેડફાટ થતો હોવા છતાં કમિશનર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી કે જવાબદારોને દંડ કરવામાં આવતો નથી. લીકેજનું પાણી સોસાયટીઓમાં ઘૂસી જવાથી સ્થાનિકો નર્કાગાર જેવી સ્થિતિમાં ​શહેરની અંદર આવેલી અસંખ્ય સોસાયટીઓમાં આ લીકેજનું પાણી ઘૂસી જવાથી સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે અને આ કોઈ એક દિવસની નહિ પણ કાયમી સમસ્યા બની ગઈ છે. જેનાથી જનતા હવે ત્રાહિમામ પોકારી ઉઠી છે.મહાનગરપાલિકાના ઇજનેરો અને સમગ્ર સ્ટાફની આવી નબળી કામગીરી અને અણઆવડતના કારણે નવા રસ્તાઓ બનાવતી વખતે જ લાઈનો તોડી નાખવામાં આવે છે અને પછી તેને સમયસર રિપેર પણ કરવામાં આવતી નથી. આ ગંભીર લોલમલોલ વહીવટ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને આ બાબતે મહાનગરપાલિકાના કમિશનરને તાત્કાલિક અસરથી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરીને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડા સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા તેમને મૂળ રહેવાનું પસંદ કર્યું હતું. તો બીજી તરફ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને ફોન કરતા તેમને તેનો કોલ રીસીવ કર્યો ન હતો.
Read Original Article →