આ વર્ષે ચોમાસુ મધ્યમ રહેશે:10થી 12 આની વર્ષ રહેશે, જુલાઈમાં અતિવૃષ્ટીની શક્યતા, દશેરાથી દિવાળીમાં પણ વરસાદનો રાઉન્ડ; જૂનાગઢમાં 47 આગાહીકારોની આગાહી

Gujarat5/25/2026, 11:40:49 AM
આ વર્ષે ચોમાસુ મધ્યમ રહેશે:10થી 12 આની વર્ષ રહેશે, જુલાઈમાં અતિવૃષ્ટીની શક્યતા, દશેરાથી દિવાળીમાં પણ વરસાદનો રાઉન્ડ; જૂનાગઢમાં 47 આગાહીકારોની આગાહી
ચોમાસાને લઈ દર વર્ષે ગુજરાતભરના આગાહીકારો દ્વારા આગાહી આપવામાં આવે છે, ત્યારે આજે(25 મે) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 32મું વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પરિસંવાદમાં રાજ્યભરમાંથી આવેલા વિવિધ હવામાન વિશ્લેષકોએ વર્ષ 2026ના ચોમાસા અંગે પોતાના મહત્વના પૂર્વાનુમાનો રજૂ કર્યા હતા. આ વર્ષે પરંપરાગત પદ્ધતિઓ જેવી કે ગ્રહ નક્ષત્રો, હોળી અને અખાત્રીજના પવનો, પશુ-પક્ષીઓની ચેષ્ટા તેમજ વનસ્પતિના લક્ષણોના આધારે આગામી ચોમાસાની સ્થિતિનો અંદાજ લગાવવામાં આવ્યો છે. મેના અંતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે આગામી ચોમાસાની શરૂઆત અંગે તારણ છે કે મે મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાવાથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. જૂન મહિનાની શરૂઆતમાં અથવા બીજા અઠવાડિયામાં પ્રથમ વાવણીનો વરસાદ થઈ શકે છે, જ્યારે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવણીલાયક સાર્વત્રિક વરસાદ જૂનના ચોથા અઠવાડિયામાં પૂર્ણ થવાની સંભાવના છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને મજબૂત સિસ્ટમને કારણે ક્યાંક પૂર તથા તોફાની વાતાવરણની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. જો કે, ક્લાઇમેટ ચેન્જ અને અલ-નીનોની અસરને લીધે ઓગસ્ટ કે શ્રાવણ-ભાદરવા મહિનામાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે અને વાતાવરણ ઉકળાટવાળું રહેશે. વર્ષ સારું જશે: રમણીક વામજા આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું હતું કે હું 35 વર્ષથી ખગોળ વિદ્યાથી વરસાદની આગાહી આપું છું. વરસાદ પડવો એ કુદરતી વાત છે.​ અત્યારે જે વરસાદની પરિસ્થિતિ છે, ત્યારે હું 22 મુદ્દા પર વરસાદની આગાહી આપું છું. આવતું વર્ષ સારું જશે તેનું કારણ... કે હાથીયા નક્ષત્ર 2025ની અંદર ગાજવીજ સાથે વરસાદ થયેલ અને શરદ પૂનમના દિવસે પણ વરસાદનો એક ભેજ રાખવામાં આવે છે, થાળી પવન રાખવામાં આવે છે, ત્યારે અતિ ભેજ આવેલો હતો એટલે વર્ષ સારું જશે. ‘સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ઓગસ્ટ મહિનામાં આવશે’ ​આ વર્ષે મેં ઘણા લોકોને કહેલું કે યુદ્ધના ભણકારા વાગશે, સફેદ વસ્તુ મોંઘી થશે અને અતિ ભારે ગરમી પડશે એ અગાઉ પણ આપેલ છે, હજી પણ ગરમી પડશે એનું કારણ કે બે ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ આવી રહ્યા હોવાથી, હજી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ઓગસ્ટ મહિનાની અંદર આવશે. ત્યારે પણ નવા-જૂની કોઈપણ દેશોની અંદર અતિ ભારે વરસાદ થાય, તોફાનો થાય,આવો બનાવ બનતા રહેશે. ‘જુલાઈમાં 50થી 55 ઇંચ વરસાદ થશે’ મુખ્ય ચાર સ્તંભ હોય છે. ચૈતર, વૈશાખ અને જેઠ, અષાઢ... એ અમે જોઈએ છીએ. ત્યારે આ વખતે ખેડૂતો માટે પાછતરો વરસાદ થવાથી પાક પાણીમાં નુકસાન જશે. આ વર્ષે ખેડૂતો માટે વાવણીની તારીખ: 17-6, 20-6, 27-6 એ સમગ્ર સોરઠમાં વાવણી થશે. ખેડૂતો માટે વર્ષ સારું છે. વેપારીઓ માટે ભયંકર મંદી આવશે. ગાજવીજ વધારે થશે, સફેદ વસ્તુ ઉપર એવો બનાવ બનશે અને જુલાઈ માસમાં અતિવૃષ્ટિ બંદરો પર થશે. 50થી 55 ઇંચ વરસાદ થશે. ‘સાયક્લોનિક પવન સાથે વરસાદની શરૂઆત થશે’ પાટણવાવથી આવેલા આગાહીકાર રજનીકાંત લાલાણીએ જણાવ્યું હતું કે આગામી 25 મે 2026થી 29 મે 2026 દરમિયાન અરબી સમુદ્રમાં કરંટ લાગવાને કારણે હવાનું દબાણ સર્જાશે. જેના લીધે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી તેમજ વાદળોની શરૂઆત થશે. આ સમયગાળામાં લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે અને વંટોળિયા પવન સાથે ક્યાંક ક્યાંક વરસાદના છાંટા પડી શકે છે. જો કે, આ વંટોળિયાને વાવાઝોડું ન કહી શકાય, પરંતુ સાયક્લોનિક પવન સાથે તે વરસાદની શરૂઆત ગણાશે. ‘6 જૂનથી 11 જૂન દરમિયાન પ્રથમ વાવણીનો વરસાદ થશે’ ચોમાસાની પ્રથમ વાવણી જૂન મહિનાની શરૂઆતમાં જ જોવા મળશે. 6 જૂનથી 11 જૂન દરમિયાન પ્રથમ વાવણીનો વરસાદ થશે, જેમાં અંદાજે 3 ઇંચ સુધીનો અથવા તેનાથી ઓછો વરસાદ પડી શકે છે. ત્યારબાદ, સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વાવણીલાયક સાર્વત્રિક વરસાદ 17 જૂનથી 26 જૂન દરમિયાન થવાની સંભાવના છે. આ ગાળામાં સમગ્ર ગુજરાતમાં વાવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. જામનગર, ખંભાળિયા, જૂનાગઢ, અમદાવાદ અને કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં 20 ઇંચ જેવો સારો વરસાદ થઈ શકે છે. ‘દશેરાથી દિવાળીની વચ્ચે 10થી 15 દિવસનો વરસાદી રાઉન્ડ આવી શકે’ ​ઓગસ્ટ મહિનાની 6 તારીખથી 18 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 'વાયરુ' ફૂંકાશે. આ દિવસોમાં વરસાદ નહિવત (ખૂબ ઓછો) રહેશે, પરંતુ વાદળછાયું અને ધામભર્યું (ઉકળાટવાળું) વાતાવરણ જોવા મળશે.આ વર્ષે ચોમાસું વિધિવત રીતે 30 ઓક્ટોબર 2026ના રોજ સમગ્ર ગુજરાત અને કચ્છમાંથી વિદાય લેશે. ગુજરાતી માસ પ્રમાણે આસો સુદ દશેરા (નવરાત્રી પછી) થી લઈને દિવાળીની વચ્ચે 10થી 15 દિવસનો વરસાદી રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ ખેડૂતોના ઊભા મોલ (પાક)ને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેથી ખેડૂતોને ખાસ ભલામણ છે કે તેઓ દિવાળી પછી જ નવા મોલની વાવણી કરે જેથી નુકસાનીથી બચી શકાય. પૂરની શક્યતા રહેશે: ભીમા ઓડેદરા પોરબંદર જિલ્લાના કવલકા ગામના વતની ભીમાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે હું ઘણા વર્ષોથી આગાહી કરું છું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દર વર્ષે એક વર્ષા વિજ્ઞાનનો, વર્ષાઋતુનું પૂર્વાનુમાન માટે સેમિનાર યોજાય છે, તો તેમાં આજે અમે વર્ષાઋતુના પૂર્વાનુમાન માટે ભાગ લેવા માટે આવી પહોંચ્યા છીએ. 2026ની વર્ષાઋતુ એવી છે કે જેમાં ખૂબ-ખૂબ વરસાદ થશે અને સારું વર્ષ રહેશે એવું અનુમાન છે. એવું અનુમાન છે કે આજે 25 તારીખ છે, તો આજથી 26 તારીખે તો આખી સિસ્ટમની તૈયારી થાય છે. પહેલી તારીખે આખી સિસ્ટમ મજબૂત થઈ અને એ સિસ્ટમ છૂટી થવાથી વરસાદ વરસી જાય એવું અનુમાન છે. એટલે સિસ્ટમ બહુ જ મજબૂત છે એટલે તોફાની વર્ષ રહેશે એવું અનુમાન છે. ખૂબ વરસાદની શક્યતા હોવાથી ખેડૂતોને નીચાણવાળા વિસ્તારમાં બહુ ન રહેવું. વસવાટ બહુ ન કરવો નીચાણ ભાગમાં. અલ-નીનોને હિસાબે થોડું કપરું વર્ષ દેખાય છે: અનિલ દવે માળીયાહાટીના તાલુકાના જલંધર ગામના વતની અને આગાહીકાર અનિલ દવેએ જણાવ્યું કે આમતો મેઘા મરણ અને મોંઘવારીની કોઈ આગાહી શક્ય નથી, છતાં પણ માણસની જાત કાયમ માટે સત્યની નજીક જવા માટેના પ્રયાસો કરતી હોય છે, એમાંનો અમારો પ્રયાસ ભાગરૂપે આગાહીકારો અમે મળીએ છીએ.આ વર્ષમાં 24 જૂનથી 30 જૂનની વચ્ચે વાવણીલાયક સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. તે પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે લગભગ 15 જૂનથી 20 જૂનની આસપાસ એકાદો રાઉન્ડ આવશે, પરંતુ વાવણી લાયક નહીં હોય.ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ અને યુદ્ધો માણસ જાતે જે ચાલુ કર્યા છે, એને લઈને પ્રકૃતિમાં પણ બદલાવ આવ્યો છે. ખાસ અલ-નીનોને હિસાબે આ વર્ષે થોડું કપરું વર્ષ તો દેખાય છે. શરૂઆતના તબક્કામાં વાવણી લાયક વરસાદ થયા પછી આતરૂ પડશે. ‘પાકમાં રોગ-જીવાતનું પ્રમાણ વધુ જોવા મળશે’ ગરમી અને ઉષ્ણતામાન ઊંચું હોવાના હિસાબે પાછોતરો વરસાદ ખૂબ સારો થશે અને પિયત પાણી, કૂવા, પાણી ભરાઈ જશે ડેમ તળાવો. એટલે શિયાળુ પિયત માટે લગભગ ખેડૂતોને પાણીની અછત નહીં રહે, એવું અમારું અનુમાન છે. ​ ઉત્પાદન સારું રહેશે, સિંચાઈ માટે પાણીની ઘટ રહેશે: નીલેશ ગામી માંગરોળ તાલુકાના દીવરાણા ગામના વતની અને 17 વર્ષથી આગાહી કરતા નીલેશ ગામીએ જણાવ્યું હતું કે હું છેલ્લા 17 વર્ષથી જૂનાગઢ જિલ્લા કૃષિ યુનિવર્સિટીમાં આગાહી આપું છું અને એકથી પાંચ નંબરમાં દર વર્ષે હું આવું છું. આ વર્ષે ચોમાસામાં 20 જૂનથી 27 જૂનમાં સૌરાષ્ટ્રમાં વાવણી થઈ જશે અને 7 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાવણી થઈ જશે. ઉત્પાદનમાં સારું રહેશે કેમ કે પાછળ જેટલી વખત પિયત આપવા પડે એમાં મગફળી અને કપાસને સારું રહે. આ વર્ષે ખેડૂતને ગત વર્ષની સરખામણીમાં ઓછો વરસાદ મળશે, છતાં પણ ઉત્પાદન સારું રહેશે, સિંચાઈ માટે પાણીની ઘટ રહેશે. ‘ખેતરમાં પાથરા પલળતા હતા એવું આ વર્ષે નથી’ ​ખેડૂતોને મગફળી અને કપાસ વાવવામાં કંઈ વાંધો નહીં આવે , થોડુંક વહેલું વાવે તો બીજું પાછળના સમયમાં પિયત સમયસર થાય તો શિયાળામાં ઓછા પાણીમાં થોડુંક એકાદ પિયત વધારે લઈ શકે એવો મારો આગ્રહ છે કે અત્યારે જેને સગવડ હોય પાણીની એ ઓરવીને જ વાવે. પાછળના વરસાદમાં ત્રણ વર્ષથી જે ખેતરમાં પાથરા પલળતા હતા એવું આ વર્ષે નથી. ‘60થી વધુ આગાહીકારો વર્ષા વિજ્ઞાન મંડળમાં રજીસ્ટર’ જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ જૂનાગઢના પ્રમુખ અને વિસ્તરણ શિક્ષણ નિયામક એન.બી જાદવે જણાવ્યું હતું કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે 32માં વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરાયું હતું. આ વર્ષા વિજ્ઞાન મંડળનું 32 વર્ષથી આયોજન થઈ રહ્યું છે. જમા ગુજરાતભરમાંથી અલગ અલગ આગાહીકારો વરસાદની આગાહી આપવા માટે અહીં આવે છે. વર્ષા વિજ્ઞાન પરિ સંવાદની જ્યારે તારીખ નક્કી કરવામાં આવે છે તે 20 દિવસ પહેલા આગાહીકારો પાસેથી વરસાદ કેવો થશે અને આવતું ચોમાસુ કેવું રહેશે , જેને લઇ આગાહીકારોને એક ફોર્મ મોકલવામાં આવે છે. જેમાં હાલ 60થી વધુ આગાહીકારો વર્ષા વિજ્ઞાન મંડળમાં રજીસ્ટર થયેલા છે. જેમાંથી 45થી વધુ આગાહીકારો દ્વારા લેખિતમાં પોતાની આગાહી લખી અને મોકલે છે. જેના પરથી વરસાદ આગાહીની બુક તૈયાર કરવામાં આવે છે. 45 આગાહીકારોએ આગાહી કરી જેને લઈ વરસાદનું સરેરાશ અવલોકન કરવામાં આવે છે. આગાહીકારો અલગ અલગ પ્રકારે આગાહી કરે છે. જેમાં વરસાદનો હોળી અખાત્રીજના પવનો, ગ્રહ નક્ષત્રો જ્યોતિષી, પશુ પક્ષીઓની ચેષ્ટા, વનસ્પતિના લક્ષણો, ગરમાળાના ફૂલ, બોર, ખાખરો કેસુડાના ઝાડ પર ફૂલ આવવા, ભડલી વાક્યો પરથી આગાહીકારો વરસાદની આગાહી કરતા હોય છે. હાલ આ અલગ અલગ આગાહીકારોની 47 જેટલી આગાહીઓ અહીં વર્ષા વિજ્ઞાન મંડળમાં આવી છે. અને હાલ 45 આગાહીકારો આજના વરસાદ વિજ્ઞાન પરિ સંવાદમાં ભાગ લીધો છે. ‘15 ઓક્ટોબરથી વરસાદ વિદાય લેશે’ ત્યારે આજે જે આગાહીકારોએ આગાહી કરી છે જેમાં પૂર્વ અનુમાન પ્રમાણે સરેરાશ તારણ એવું નીકળે છે કે આગામી ચોમાસુ 2026 અંદાજે 56 દિવસનો વરસાદ રહેશે. જેમાં 10થી 12 આની જેટલુ વર્ષ થશે. અને 75 ટકા વર્ષ થાય તેવું તારણ આપવામાં આવ્યું છે. બે તબક્કામાં વાવણીનું આગાહીકારોએ અનુમાન લગાવ્યું છે. તેમાં પ્રથમ વાવણી જૂન મહિનાના બીજા અઠવાડિયામાં અને બીજી વાવણી જૂન મહિનાના ચોથા અઠવાડિયામાં થાય તેવું સંયુક્ત રીતે 47 આગાહીકારોએ જણાવ્યું છે. 14 અવલોકનકારો વર્ષ સારું કહે છે અને 27 અવલોકનકારો વર્ષ મધ્યમ રહેશે તેવું કહે છે. ત્યારે સરેરાશ એવું કહી શકાય કે 10થી 12 આની વર્ષ રહેશે, તમામ આગાહીકારોનું મંતવ્ય છે કે 15 ઓક્ટોબરથી વરસાદ વિદાય લેશે. આ વર્ષે 10થી 12 આની ચોમાસું રહેશે ઘણા આગાહીકારોએ એવું પણ કહ્યું છે કે ખંડીવૃતિવાળું વર્ષ રહેશે અને વરસાદ સારો પડે અને જ્યાં વરસાદ ન થાય ત્યાં વરસાદ ઓછો પડે, જેને લઇ ખંડી વૃત્તિવાળું વર્ષ થાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.ત્યારે આ તમામ આગાહીકારોના મંતવ્યો પરથી જો સંપૂર્ણપણે આગાહી કરવી હોય તો કહી શકાય કે આવતું ચોમાસુ 2026 10થી 12 આની રહેશે, જેમાં બે તબક્કે વાવણી થશે અને ચોમાસુ ઓક્ટોબર મહિનામાં વિદાય લેશે. અને ઠંડી વૃત્તિવાળું વર્ષ રહેશે તેવી આગાહીકારોએ આગાહી કરી છે.
Read Original Article →