જુનાગઢમાં ધારાસભ્યનો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો:જુનાગઢમાં ધારાસભ્ય સંજય કોરડીયા સમક્ષ મહિલાઓએ ગટર અને રસ્તાના પ્રશ્ને આક્રોશ ઠાલવ્યો, ધારાસભ્યએ આપ્યું સંવાદથી સમાધાનનું આશ્વાસન
જુનાગઢ શહેરના વોર્ડ નંબર 1, 2, 4, 6 અને 7 ના રહીશોની સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા એક ખાસ લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સોસાયટીના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિસ્તારના પાણી, ગટર, અને બિસ્માર રોડ-રસ્તા જેવા પાયાના પ્રશ્નો અંગે ધારાસભ્યને સીધી રજૂઆતો કરી હતી. આ સંવાદનો મુખ્ય હેતુ વહીવટી તંત્ર અને જનતા વચ્ચેના અંતરને ઘટાડીને પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવાનો હતો. લોક સંવાદ દરમિયાન સ્થાનિક મહિલાઓએ પોતાના વિસ્તારની મુશ્કેલીઓ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. જેમાં કવિતાબેન કોડિયાતરે જણાવ્યું હતું કે અહીં વિસ્તારમાં અશાંત ધારો લાગુ પડ્યો હોવા છતાં ખોટી રીતે પૈસા આપીને પરમિશન મેળવી સહીઓ કરાવી લેવામાં આવે છે. તેમજ સ્વસ્તિક નગર, વિજયનગર અને નંદનવન સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક ફિટ કરવાની તેમજ સ્વસ્તિક નગરમાં ભોળાનાથનું મંદિર બનાવવાની માંગ છે. ચોમાસું નજીક હોવા છતાં તમામ રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં છે, જેના કારણે વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે અને બાળકો બહાર રમી શકતા નથી. નંદનવન સોસાયટીમાં સફાઈ કામદારો ન આવતા હોવાની અને અન્ય લોકો દ્વારા સાર્વજનિક જગ્યાઓ પર કચરો ફેંકી ગંદકી કરાતી હોવાની ફરિયાદ પણ કરી હતી. આ જ પ્રશ્નો અંગે આદિત્ય મંદિરની શેરીમાં રહેતા મોનિકાબેન ભરતભાઈ ભારાઈએ પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ગટર લાઇન માટે મોટું ખોદકામ કરવામાં આવ્યું છે, પરંતુ ત્યારબાદ રસ્તાનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. ગટર લાઇન નાખ્યા પછી પણ તંત્ર દ્વારા નવો રોડ બનાવવામાં ન આવતા ચારેય બાજુ પથ્થરો, ખાડા અને કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય દિવસોમાં પણ શેરીઓમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે અને આ ગંદું પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ઘરવખરીનો સામાન પલળીને બગડી જાય છે. આ બાબતે છેલ્લા 7 વર્ષથી તંત્ર સમક્ષ વારંવાર મીટિંગો યોજીને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. સ્થાનિકોની આ તમામ ફરિયાદો સાંભળ્યા બાદ ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે તેઓ દર શુક્રવારે સેવાવાર તરીકે લોકોને રૂબરૂ મળતા હોય છે, પરંતુ સામાજિક આગેવાનોની રજૂઆતને પગલે હવે દરેક વોર્ડમાં જઈને 'સંવાદથી સમાધાન' ના સૂત્ર સાથે લોક સંવાદ શરૂ કર્યો છે. આ કાર્યક્રમમાં વોર્ડના એન્જીનીયર, સેનિટરી ઇન્સ્પેક્ટર સહિતના અન્ય વિભાગના અધિકારીઓને સાથે રાખવામાં આવે છે જેથી બે વિભાગો વચ્ચેના કોમ્યુનિકેશન ગેપને કારણે અટકેલા નાના-નાના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવી શકાય. ધારાસભ્ય સંજય કોરડીયાએ નાગરિકોને પોતાની જવાબદારી સમજવા અપીલ કરતાં જણાવ્યું હતું કે પાણીનો વ્યય અટકાવવો જોઈએ. સોસાયટીના કોમન પ્લોટ એ સોસાયટીની પોતાની ખાનગી મિલકત છે અને તેની જાળવણીની જવાબદારી રહીશોની જ બને છે, તેમ છતાં સરકાર ગ્રાન્ટ આપીને ત્યાં પેવર બ્લોક ફિટ કરી આપે છે માટે લોકોએ ત્યાં સ્વચ્છતા જાળવવી જોઈએ. તેમણે સ્થાનિકોને ખાતરી આપી હતી કે વિકાસના તમામ કામો પદ્ધતિસર વારાફરતી થતા હોય છે અને રહીશોની રજૂઆતોને ધ્યાને લઈને વહેલી તકે તમામ પ્રશ્નોનું યોગ્ય અને સુંદર સમાધાન કરવામાં આવશે.
Read Original Article →