મેંદરડામાં ડીઝલની ભારે અછતથી ખેડૂતો પરેશાન:​જૂનાગઢના મેંદરડામાં ડીઝલની અછતથી 2 કિલોમીટર લાંબી લાઈનો; ચોમાસાની વાવણી માથે હોવા છતાં પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ

Gujarat5/21/2026, 8:10:57 AM
મેંદરડામાં ડીઝલની ભારે અછતથી ખેડૂતો પરેશાન:​જૂનાગઢના મેંદરડામાં ડીઝલની અછતથી 2 કિલોમીટર લાંબી લાઈનો; ચોમાસાની વાવણી માથે હોવા છતાં પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ
​જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં ડીઝલની ભારે અછત સર્જાતા સ્થાનિક ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મેંદરડાના પેટ્રોલ પંપો પર સવારના 5 વાગ્યાથી ખેડૂતો ડીઝલ લેવા માટે પહોંચી ગયા હતા અને બપોરના 12 વાગ્યા સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. પેટ્રોલ પંપોની બહાર 1 થી 2 કિલોમીટર સુધી ટ્રેક્ટર, કેરબા અને અન્ય વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ચોમાસું માથે આવીને ઊભું હોવા છતાં પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતાં જગતના તાતમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખાતર, દવા અને ટેકાના ભાવમાં તો લાઈનો લગાવવી જ પડે છે, પરંતુ હવે ખેતીના મુખ્ય કામ માટે જરૂરી એવા ડીઝલ માટે પણ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, જેના કારણે ખેતીના કામો પર સીધી માઠી અસર પડી રહી છે. આ અછતને તાત્કાલિક દૂર કરવા માટે ખેડૂતોએ તંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે. ​દાત્રાણા ગામના ખેડૂત ગોવિંદભાઈ પટોળિયાએ ડીઝલની કટોકટી અંગે જણાવ્યું હતું કે મેંદરડાના પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે ખેડૂતોની અંદાજે દોઢથી પોણા બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગેલી છે. આટલી હાલાકી વેઠ્યા પછી પણ પંપ પર માત્ર 500 કે 1000 રૂપિયાનું જ મર્યાદિત ડીઝલ આપવામાં આવે છે. ટ્રેક્ટરમાં વીઘે ખેતી કામ કરવા માટે જ અઢીથી ત્રણ લીટર ડીઝલની જરૂર પડતી હોય છે, ત્યારે આટલા ઓછા ડીઝલથી ટ્રેક્ટરમાં દાંતી, રાંપ, માળ કે રોટાવેટર ચલાવવા જેવા કોઈ પણ કામ થઈ શકે તેમ નથી. અત્યારે ઉનાળુ પાક જેવા કે તલ અને મગની કાપણી પૂર્ણ થઈ ગઈ છે અને ચોમાસું નજીક છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24-25 તારીખમાં વરસાદ થવાની શક્યતા છે. જો વરસાદ પહેલાં ખેતરો ખેડીને વાવણીની તૈયારી ન થાય તો ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે. વરસાદ થયા પછી ખેડ કર્યા વગર વાવણી કઈ રીતે કરવી તે મોટી મૂંઝવણ છે, જેથી સરકારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ પૂરું પાડવું જોઈએ. ​ડીઝલ લેવા માટે કલાકોથી લાઈનમાં ઊભેલા અન્ય એક ખેડૂત કરમશીભાઈ પાનસુરિયાએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે મારી પાસે 10 વીઘા જમીન છે અને આજે સવારના 5:00 વાગ્યાથી મેંદરડાના જલારામ પંપ પર લાઈનમાં ઊભા છીએ. અહીં બે વખત ડીઝલનો ટાંકો ઠલવાયો હોવા છતાં હજી સુધી કોઈને ડીઝલ આપવામાં આવ્યું નથી કે આ બાબતે કોઈ એક્શન લેવાયા નથી. જ્યારે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓ કહેતા હતા કે કેન્દ્રનો ગુજરાતને હડહડતો અન્યાય થાય છે, પરંતુ અત્યારે કેન્દ્રમાં પોતાની સરકાર હોવા છતાં ગુજરાતના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને કોઈ પગલાં લેવાતા નથી. ખાતરના ભાવો સતત વધી રહ્યા છે અને તે લેવા માટે પણ લાઈનમાં ઊભા રહેવું પડે છે. કપાસ અને ઘઉંના પાકના પૂરતા પોષણક્ષમ ભાવો મળતા નથી અને ઘઉં તો સાવ પાણીના ભાવે વેચાઈ રહ્યા છે. ​હાલમાં વાહન વ્યવસાય અને બસો માટે ડીઝલ મળી રહે છે, પરંતુ ખેડૂતોને માત્ર 10 લીટર ડીઝલ જ આપવામાં આવે છે, જ્યારે ખરેખર અત્યારે 50 થી 75 લીટર ડીઝલની જરૂરિયાત છે. જો સમયસર ડીઝલ નહીં મળે તો ખેડૂતોનું વાવણીનું અને ઉનાળુ કામ આખેઆખું ખોરવાઈ જશે. ખેડૂતો સિવાયના અન્ય વ્યવસાય ધરાવતા લોકો ખેડૂતોની વેદના સાંભળવા તૈયાર નથી, કારણ કે તેમની જરૂરિયાતો પૂરી થઈ જાય છે. ખેડૂત જ્યારે શાકભાજી વેચવા જાય ત્યારે તેને 10 રૂપિયા કિલો ભાવ મળે છે, પરંતુ એ જ શાકભાજી જ્યારે માર્કેટમાં સામાન્ય ગ્રાહક સુધી પહોંચે છે ત્યારે તેનો ભાવ 100 રૂપિયા થઈ જાય છે. આમ, ખેડૂતોને દરેક રીતે પીસાવું પડે છે ત્યારે ખેડૂતોની મુખ્ય માંગણી અને પ્રશ્ન એ છે કે તેમની આ વેદના સાંભળનારું આખરે કોણ છે?
Read Original Article →