મનપાના પશુ ડેલામાં ગૌવંશના મોતથી ભારે રોષ.:જૂનાગઢ મનપાના ઢોર ડબ્બામાં અસહ્ય ગરમી અને સુવિધાના અભાવે 4 મહિનામાં 71 ગૌવંશના મોતથી ગૌપ્રેમીઓમાં આક્રોશ, આંદોલનની ચીમકી.
જૂનાગઢ શહેરમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે. બપોરના સમયે અસહ્ય ગરમીને કારણે સામાન્ય લોકો માટે પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત પશુઓના આશ્રયસ્થાનોમાં રાખવામાં આવેલા અબોલ પશુઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. મનપા દ્વારા શહેરમાંથી રખડતા-ભટકતા ઢોરોને પકડીને ખામધ્રોળ ચોકડી નજીક આવેલા ટોરેન્ટ ગેસ પંપ પાસેના ડેલા સહિત ત્રણ જુદી જુદી જગ્યાએ રાખવામાં આવે છે. ખામધ્રોળના આ ડેલામાં અંદાજિત 350થી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા છે, જ્યાં પૂરતી વ્યવસ્થાઓ ન હોવાને કારણે માત્ર એક જ મહિનામાં 27થી વધુ અને છેલ્લા ચાર મહિનામાં કુલ 71 જેટલા ગૌવંશના મોત નીપજ્યા હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓમાં તંત્ર સામે ભારે નારાજગી અને આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે ગૌરક્ષક પાર્થ હુડકાએ જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કાળઝાળ ઉનાળામાં જૂનાગઢ કોર્પોરેશન દ્વારા ગૌવંશના નિભાવ માટે જે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે, ત્યાં માત્ર પતરાના છાપરા નાખી દેવાથી તંત્રની જવાબદારી પૂરી થતી નથી. આવા પતરાના ગરમ છાપરા નીચે રહેવું કેટલું પીડાજનક છે, તે જો કોર્પોરેશનના અધિકારીઓ પોતાની એસી ચેમ્બરમાંથી બહાર આવીને ત્યાં એક કલાક બેસે તો જ તેમને અસલી પરિસ્થિતિની ખબર પડે. તેમણે માગણી કરી છે કે, આશ્રયસ્થાનોમાં તાત્કાલિક ધોરણે ફોગર એટલે કે ફુવારા સિસ્ટમ લગાડવી જોઈએ. આ ઉપરાંત પશુઓ માટેના પાણીના કુંડામાં સફેદ ચૂનો કરવો જોઈએ જેથી પાણી ઠંડું રહી શકે અને ગૌવંશને ગરમીથી બચાવવા માટે ગોળવાળું ગરમ પાણી આપવા જેવી તકેદારી રાખવી જોઈએ. માત્ર ખુલ્લી જમીનમાં પાણી છાંટવાથી પશુઓને ઠંડક મળતી નથી. જો કોર્પોરેશનના અધિકારીઓ આ બાબતને ધ્યાને લઈને તાત્કાલિક યોગ્ય પગલાં નહીં ભરે, તો આગામી સમયમાં જૂનાગઢના તમામ ગૌરક્ષકો અને સંગઠનોને આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે. બીજી તરફ, સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને દૂઝણા પશુઓ કામ કરતા બંધ થઈ જાય એટલે લોકો તેને રોડ ઉપર છોડી મૂકે છે, જેને પાછળથી સરકાર પકડીને ડબ્બામાં પૂરે છે. આવી જગ્યાઓમાં સખત ગરમીને કારણે પશુઓને બહુ પીડા થાય છે. તેઓ પોતે દર રવિવારે ગાયોને તરબૂચ ખવડાવવા જાય છે, જેનાથી પશુઓને શરીરમાં ઠંડક મળે છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે સરકારી ડબ્બાઓમાં જ્યાં શેડ અને ફ્લોરિંગ કરેલું છે, ત્યાં પંખા અને ફુવારાની વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે સરકાર પાસે ગ્રાન્ટની કોઈ કમી નથી. તેમણે રાજસ્થાનની સરકારી ગૌશાળાઓનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં આપણા કરતાં 4 ડિગ્રી ગરમી વધારે હોય છે, છતાં પશુઓ માટેની ઉત્તમ વ્યવસ્થાને કારણે ત્યાં મૃત્યુદર ખૂબ ઓછો છે. જૂનાગઢથી એક ડેલિગેશનને રાજસ્થાનની ગૌશાળાની મુલાકાતે મોકલીને ત્યાંની વ્યવસ્થાનું અનુકરણ કરવું જોઈએ જેથી અબોલ જીવો શાંતિથી જીવી શકે. આ સમગ્ર મામલે ગૌવંશના મોતના આંકડા અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના ખામધ્રોળ પશુ ડેલાના લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર દેવાંગ કમલેશભાઈ ઠાકરે જણાવ્યું હતું કે અત્યારે આ ડેલામાં કુલ 352 ગૌવંશ હાજર છે અને સફાઈ કામદાર, મજૂર, સિક્યુરિટી ગાર્ડ તથા બે લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર સહિત કુલ 8 લોકોનો સ્ટાફ કાર્યરત છે. તેમણે સ્વીકાર્યું હતું કે, છેલ્લા એક મહિનામાં 28 ગૌવંશના મોત નીપજ્યા છે. આ મોતના કારણો સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું કે, બહારથી જે પશુઓ રેસ્ક્યુ કરીને લાવવામાં આવે છે તે પહેલાથી જ બીમાર, પ્રોલેપ્સવાળા કે વ્યાણ થયેલા અને બેસી ગયેલા હોય છે. વધુમાં, શહેરમાં રખડતા આ પશુઓ નકરો એઠવાડો અને પ્લાસ્ટિક ખાઈને આવતા હોવાથી તેમના પેટમાં પ્લાસ્ટિક ભરાઈ જાય છે, જેનાથી તેમની પાચન ક્ષમતા નબળી પડી જાય છે. અહીં લાવ્યા બાદ જ્યારે તેમને લીલો ચારો આપવામાં આવે છે, ત્યારે તેઓ તેને પચાવી શકતા નથી અને માલ ન્યુટ્રિશન (કુપોષણ)ના કારણે બેસી જાય છે અને અંતે મૃત્યુ પામે છે. ડેલાની વ્યવસ્થાઓ અંગે વધુ માહિતી આપતા લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર દેવાંગ ઠાકરે જણાવ્યું હતું કે, અહીં વેટરનરી ઓફિસરના માર્ગદર્શન હેઠળ બે લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર દ્વારા પશુઓની નિયમિત સારવાર કરવામાં આવે છે. ધૂળ ન ઊડે અને હવા ઠંડી રહે તે માટે સરફેસ ઉપર નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત અંદરના શેડમાં જ્યાં વ્યાણ થયેલ પશુઓ છે, પ્રિકોશન એરિયા અને ટ્રીટમેન્ટ યુનિટ છે ત્યાં પંખાઓની સુવિધા પહેલેથી જ કરવામાં આવી છે. ગૌવંશને ગરમીમાં રાહત મળે તે માટે અંદરના મોટા શેડની અંદર આગામી એક સપ્તાહની અંદર જ ફુવારા (ફોગર) સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે, જેનું માપ પણ લેવાઈ ગયું છે. તેમજ ત્યાં વોલફેન લગાવવા માટે પણ ઉચ્ચ કક્ષાએ અરજી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ કામગીરી પૂર્ણ કરીને પશુઓની સુવિધામાં વધારો કરવામાં આવશે.
Read Original Article →