જૂનાગઢમાં ડીઝલની તંગી વચ્ચે વાહનોની લાંબી લાઇનો:પ્રતિ લિટર 90 પૈસા વધતા પેટ્રોલ 99.03 અને ડીઝલ 94.89એ પહોંચ્યું

Gujarat5/19/2026, 7:32:22 AM
જૂનાગઢમાં ડીઝલની તંગી વચ્ચે વાહનોની લાંબી લાઇનો:પ્રતિ લિટર 90 પૈસા વધતા પેટ્રોલ 99.03 અને ડીઝલ 94.89એ પહોંચ્યું
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકા સહિત જૂનાગઢના શહેરી વિસ્તારોમાં ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો અને સામાન્ય વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસું નજીક હોવાથી ખેડૂતો ખેતરોમાં ટ્રેક્ટર દ્વારા જમીન તૈયાર કરવાની કામગીરીમાં વ્યસ્ત છે, પરંતુ બરાબર સીઝન ટાણે જ ઇંધણ ન મળતા ખેડૂતોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે(19 મે) પેટ્રોલ અને ડીઝલમાં 90 પૈસાનો વધારો થયો છે. હાલ જૂનાગઢમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 99.03 અને ડીઝલનો ભાવ 94.89 પર પહોંચ્યો છે. ખેડૂતોએ પંપ પર ‘ભારત માતાની જય’ અને ‘વંદે માતરમ્’ ના નારા લગાવ્યા અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટી જતાં ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. આ અછતના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પંપ પર એકત્રિત થઈ ‘ભારત માતાની જય’ અને ‘વંદે માતરમ્’ ના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાન પિયુષ પરમારે ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે, સરકાર વિકાસના દાવા કરે છે, પરંતુ ખેડૂતોને જરૂરી ડીઝલ પણ આપી શકતી નથી, જેનાથી મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ‘પંપવાળા માત્ર 2થી 3 લિટર જ ડીઝલ આપે છે’ ​​ઇંધણની કિંમતોમાં મંગળવારે ફરી 90 પૈસા પ્રતિ લિટરનો વધારો ઝીંકાયો છે, જે એક સપ્તાહમાં બીજો મોટો વધારો છે. આ મોંઘવારી વચ્ચે ડીઝલ ન મળતા રિક્ષાચાલકોની રોજીરોટી જોખમાઈ છે. રિક્ષાચાલક પરસોત્તમભાઈ કરંજિયાએ વ્યથા ઠાલવતા કહ્યું કે, હું 3-4 પંપ ફરીને અહીં આવ્યો છું. પંપવાળા માત્ર 2થી 3 લિટર જ ડીઝલ આપે છે, આવી સ્થિતિમાં ઘર કેમ ચલાવવું? ‘ફોર-વ્હીલરને 1000 અને નાના વાહનોને 500નું જ ડીઝલ અપાય છે’ ​બીજી તરફ, કાર્યરત પંપના સંચાલક મહેતાભાઈએ જણાવ્યું કે, આસપાસના પંપોમાં જથ્થો ન હોવાથી અમારે ત્યાં ભારે ટ્રાફિક છે. અમારી પાસે 10,000 લિટરનો સ્ટોક છે પરંતુ તે જલ્દી ખૂટી જાય તેમ હોવાથી અમે લિમિટ નક્કી કરી છે. ફોર-વ્હીલરને ₹1000 અને રિક્ષા જેવા નાના વાહનોને ₹500 સુધીનું જ ડીઝલ અપાય છે. જોકે, તેમણે સુરતથી નવો જથ્થો મંગાવવાની ખાતરી આપી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ખેડૂતોની માગ છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યા નહીં ઉકેલાય તો ચોમાસા પૂર્વેની આખી ખેતી પ્રક્રિયા ખોરવાઈ જશે.
Read Original Article →