જૂનાગઢના બિલખા રોડ પર સિંહની પજવણી:ટોર્ચના પ્રકાશથી સિંહ અંજાયો, પથ્થરમારાથી સિંહણ વિફરી; વાઇરલ વીડિયોએ વન વિભાગની પોલ ખોલી
જૂનાગઢના બિલખા રોડ પર સિંહોની પજવણીની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વો દ્વારા સિંહ પર હાઈ-બીમ ટોર્ચ મારતા પ્રબળ પ્રકાશને કારણે સિંહની આંખો અંજાઈ જતાં ત્યાંથી દૂર ખસવા મજબૂર બન્યો હતો. આટલેથી ન અટકતા શખસોએ સિંહણ પર પથ્થરમારો પણ કર્યો હતો, જેના કારણે શાંત ગણાતી સિંહણ અત્યંત આક્રમક બની ગઈ હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે, વન વિભાગની સુરક્ષા-વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત રહી છે. આ બાબતે વન વિભાગના જવાબદાર અધિકારી સુહાગીયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. સિંહદર્શનની લહાયમાં લોકો ભાન ભૂલી રહ્યા છે
ગિરનારના જંગલ વિસ્તારમાં અત્યારે 54થી વધુ સિંહોનો વસવાટ છે. ખાસ કરીને બિલખા રોડ અને પીટીસી પરેડ ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારોમાં સિંહો અવારનવાર મારણની શોધમાં આવી ચડે છે. સિંહદર્શનની લહાયમાં લોકો ભાન ભૂલી રહ્યા છે અને વન્યજીવોના કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. જ્યારે સિંહ શાંતિથી પોતાનું મારણ કરી રહ્યો હોય અથવા વિસામો લેતો હોય, ત્યારે આવા તત્વો વીડિયો ઉતારવા કે મનોરંજન માટે સિંહને ઉશ્કેરવાનું કૃત્ય કરે છે. વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, કેવી રીતે સિંહ દર્શનની મર્યાદાનો ભંગ થઈ રહ્યો છે, છતાં વન વિભાગના પેટ્રોલિંગનો ક્યાંય પત્તો નથી. વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો
એક તરફ સરકાર સિંહ સંરક્ષણ માટે કરોડો રૂપિયાના બજેટ ફાળવે છે અને સિંહના રક્ષણના મોટા-મોટા દાવાઓ કરે છે, તો બીજી તરફ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને ઠંડી હવા ખાઈ રહ્યા છે, જ્યારે સિંહો રસ્તાઓ પર અસુરક્ષિત રીતે રખડી રહ્યા છે. બે દિવસ પહેલા જ ભવનાથ વિસ્તારમાં સાત સિંહોના ટોળાએ જીવના જોખમે રસ્તો ક્રોસ કર્યો હતો. તે સમયે વાહનચાલકોએ માનવતા દાખવી વાહનો થંભાવી દીધા હતા, પરંતુ વન વિભાગના કોઈ કર્મચારી કે ગાર્ડ ત્યાં હાજર નહોતા. જો આ સિંહો કોઈ અકસ્માતનો ભોગ બને કે કોઈ માનવ-સંઘર્ષની ઘટના બને તો જવાબદાર કોણ?
Read Original Article →