સરકારી લાઇબ્રેરીમાં સુવિધાઓના નામે મીંડું:પાણી, AC અને શૌચાલયની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ, ગ્રંથપાલે પોલીસ બોલાવી ધમકાવ્યાનો આક્ષેપ
જૂનાગઢ શહેરની સરકારી જિલ્લા લાઈબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ તંત્રની ઘોર બેદરકારી અને પાયાની સુવિધાઓના અભાવ વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. લાંબા સમયથી સમસ્યાઓનો ઉકેલ ન આવતા આજે 12મેએ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાઇબ્રેરિયન સામે રજૂઆત કરી હતી. જોકે, આ રજૂઆત દરમિયાન તંત્રનો નકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓ માત્ર વાંચવા માટે શાંતિપૂર્ણ વાતાવરણ અને પીવાનું શુદ્ધ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોની માંગ કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ તેમને સહકાર આપવાને બદલે ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. 'અધિકારીએ 'ચૂપ થઈ જા' કહીને અપમાનિત કર્યાં'
વિદ્યાર્થિની ધ્રુતિ મારવાડીએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે અહીં છોકરીઓ માટેની પ્રાથમિક સુવિધાઓની હાલત અત્યંત દયનીય છે. પીવાનું શુદ્ધ પાણી મળતું નથી અને શૌચાલયની વ્યવસ્થા પણ યોગ્ય નથી. લાઈબ્રેરીના સ્ટાફ અને વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. સ્ટાફ માટે શુદ્ધ પાણીની અલગ વ્યવસ્થા છે, જ્યારે વિદ્યાર્થીઓને ગંદુ અને ટાંકીની સફાઈ વગરનું પાણી પીવા માટે મજબૂર કરવામાં આવે છે. વિદ્યાર્થીનીઓએ આ બાબતે અવાજ ઉઠાવ્યો ત્યારે અધિકારીએ તેમને 'ચૂપ થઈ જા' કહીને અપમાનિત કર્યાં હતા અને 112 નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી લીધી હતી. શાંતિપૂર્વક પોતાની વાત રજૂ કરવા ગયેલી યુવતીઓને પોલીસ દ્વારા ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે અત્યંત નિંદનીય છે.
'ધારાસભ્યને રજૂઆત બાદ પણ કોઈ સુધારો નહીં'
અન્ય એક વિદ્યાર્થી એઝાઝ અગવાને પણ લાઈબ્રેરીની અવ્યવસ્થા પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે છ મહિના પહેલા પણ આ જ પ્રશ્નો અંગે ગ્રંથપાલ અને સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ કાયમી સુધારો આવ્યો નથી. ભર ઉનાળામાં એસી અને પંખા બંધ હાલતમાં છે અથવા તો તેને વ્યવસ્થિત રિપેર કરવામાં આવતા નથી. જ્યારે પણ આ બાબતે રજૂઆત કરવામાં આવે છે ત્યારે ગ્રંથપાલ જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખે છે અને મહાનગરપાલિકા કે અન્ય વિભાગો પાસે જવા કહે છે. વિદ્યાર્થીઓ જ્યારે પોતાના હક માટે વાત કરે ત્યારે તેને 'હંગામો' ગણાવીને પોલીસ બોલાવવી એ લોકશાહીમાં યોગ્ય નથી.
'ગરમીમાં શેકાવા મજબૂર બન્યા'
વિદ્યાર્થી વિમલ ચુડાસમાના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષથી આ સમસ્યાઓ યથાવત છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ જલદ આંદોલન છેડશે. સરકારી લાઈબ્રેરીમાં હજારો રૂપિયાનો ટેક્સ લોકો ભરે છે, છતાં ભવિષ્યનું નિર્માણ કરતા વિદ્યાર્થીઓને ગંદુ પાણી પીવું પડે અને ગરમીમાં સેકાવું પડે તે શરમજનક બાબત છે. લાઇબ્રેરીમાં સફાઈ નિયમિત થાય છે: ગ્રંથપાલ
આ સમગ્ર મામલે ગ્રંથપાલ પ્રકાશ મહિડાએ જણાવ્યું હતું કે, અંદાજે 100થી 150 વિદ્યાર્થીઓ રજૂઆત માટે આવ્યા હતા. માર્ગ અને મકાન વિભાગને એસી માટે દરખાસ્ત મોકલવામાં આવી છે અને ક્વોટેશન પણ આવી ગયું છે, માત્ર ગ્રાન્ટની રાહ જોવાઈ રહી છે. પાણીની સુવિધા અંગે તેમણે દાવો કર્યો હતો કે 3 RO પ્લાન્ટ કાર્યરત છે પરંતુ ગરમીમાં વિદ્યાર્થીઓ મોઢું ધોવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોવાથી પાણી ખૂટી જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે લાઇબ્રેરીમાં સફાઈ નિયમિત થાય છે, પરંતુ રોજિંદા 500 વાચકો આવતા હોવાથી ક્યારેક મુશ્કેલી પડે છે. 'સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બોલાવી'
પોલીસ બોલાવવા અંગે પ્રકાશ મહિડાએ બચાવ કર્યો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હોવાથી સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું હતું. હાલમાં ગ્રંથપાલે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમામ સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી છે, પરંતુ વિદ્યાર્થીઓમાં હજુ પણ અવિશ્વાસ અને રોષ જોવા મળી રહ્યો છે.
Read Original Article →