નકલી ખાતર-બિયારણ અને દવાના વેચાણ સામે તંત્રની લાલ આંખ.:જૂનાગઢમાં ખેતીવાડી વિભાગના દરોડા: 1371 પૈકી 46 નમૂના નાપાસ જાહેર, નબળી ગુણવત્તાના કારણે ખેડૂતો પાયમાલ થવાની ભીતિ, ફોજદારી કાર્યવાહી શરૂ.

Gujarat4/13/2026, 1:18:06 PM
નકલી ખાતર-બિયારણ અને દવાના વેચાણ સામે તંત્રની લાલ આંખ.:જૂનાગઢમાં ખેતીવાડી વિભાગના દરોડા: 1371 પૈકી 46 નમૂના નાપાસ જાહેર, નબળી ગુણવત્તાના કારણે ખેડૂતો પાયમાલ થવાની ભીતિ, ફોજદારી કાર્યવાહી શરૂ.
​જૂનાગઢ જિલ્લામાં ખેતીના મુખ્ય આધારસ્તંભ ગણાતા ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓની ગુણવત્તાને લઈને હાલ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લાના ખેડૂતોમાં નબળી ગુણવત્તાના કૃષિ ઇનપુટ્સને કારણે ભારે ચિંતા અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ખેડૂત પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે બજારમાં મોટા પાયે ઉપલબ્ધ ડુપ્લીકેટ અને નિમ્ન કક્ષાના ઉત્પાદનોને કારણે ખેતીની જમીન ધીમે ધીમે બંજર બની રહી છે અને દર વર્ષે પાક નિષ્ફળ જવાથી ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. આ માત્ર આર્થિક જ નહીં પણ આરોગ્યપ્રદ રીતે પણ નુકસાનકારક છે, કારણ કે નબળી દવાઓનો છંટકાવ ખેત પેદાશો મારફતે મનુષ્યના શરીરમાં જઈ કેન્સર જેવા ગંભીર રોગો નોતરી રહ્યો છે. ​આ ગંભીર ફરિયાદો વચ્ચે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ગુણવત્તા નિયંત્રણ માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2025-26 ના આંકડા મુજબ, વિભાગ દ્વારા જિલ્લાભરમાંથી કુલ 1371 નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓની લેબોરેટરીમાં ઝીણવટભરી તપાસ બાદ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. કુલ લીધેલા નમૂનાઓ પૈકી 46 જેટલા નમૂનાઓ બિન-પ્રમાણિત એટલે કે નાપાસ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જંતુનાશક દવાઓના 10, ખાતરના 29 અને બિયારણના 7 નમૂનાઓનો સમાવેશ થાય છે. આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે ખેતી માટે વપરાતી પાયાની જરૂરિયાતોમાં મોટા પાયે ભેળસેળ થઈ રહી છે. ​ખેડૂત અગ્રણી મનસુખભાઈ પટોળીયાએ જણાવ્યું હતું કે ડુપ્લીકેટ ખાતર, દવા અને બિયારણના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં જઈ રહી છે. જ્યારે ખેડૂત મોંઘા ભાવે ખરીદી કરે છે અને અંતે ઉત્પાદન મળતું નથી ત્યારે તેની આર્થિક કમર તૂટી જાય છે. તેમણે સરકારને નમ્ર અપીલ કરી છે કે જે કંપનીઓના સેમ્પલ ફેઈલ થયા છે, તેમને માત્ર નોટિસ આપીને સંતોષ ન માનવો જોઈએ. આવી કંપનીઓને કાયમ માટે બ્લેકલિસ્ટ કરી તેમના લાયસન્સ રદ કરવા જોઈએ જેથી અન્ય વિક્રેતાઓમાં કડક સંદેશ જાય અને ખેડૂતોના હિતોનું રક્ષણ થઈ શકે. ​ખેતીવાડી વિભાગના મદદનીશ ખેતી નિયામક એસ. એન. ગધેસરીયાએ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ નમૂનો નાપાસ જાહેર થાય છે, ત્યારે તંત્ર દ્વારા તુરંત જ કડક પગલાં લેવામાં આવે છે. સૌ પ્રથમ, જે-તે વિક્રેતા અને ઉત્પાદક કંપનીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવે છે. આ સાથે જ શંકાસ્પદ જથ્થાના વેચાણ પર 'સ્ટોપ સેલ'નો આદેશ આપી દેવામાં આવે છે, જેથી તે નબળું મટીરીયલ અન્ય કોઈ ખેડૂત સુધી ન પહોંચે. ત્યારબાદ આ તમામ પુરાવાઓ રાજ્ય કક્ષાએ મોકલીને મંજૂરી મેળવ્યા બાદ જવાબદાર વ્યક્તિઓ અને કંપનીઓ સામે ફોજદારી કોર્ટ કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરાય છે. આવા નમૂના નાપાસ થવાના ધોરણો દરેક વસ્તુ માટે અલગ-અલગ હોય છે. દવામાં કન્ટેન્ટની ટકાવારી મુજબ તેના માપદંડો નક્કી હોય છે, જ્યારે ખાતરમાં તેના પ્રકાર (વોટર સોલ્યુબલ, ઓર્ગેનિક કે નેનો ફર્ટિલાઇઝર) મુજબ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. બિયારણમાં તેની ઉગવાની ક્ષમતા અને આનુવંશિક શુદ્ધતા તપાસવામાં આવે છે. આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે, જેમાં વર્ષની શરૂઆતમાં થયેલા કેસોની કાર્યવાહી વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. ​હાલમાં જૂનાગઢના ખેડૂતો અને જનતામાં એક જ માંગ ઉઠી રહી છે કે સરકાર માત્ર આંકડાકીય માહિતી ન આપે પરંતુ જે કંપનીઓ લોકસ્વાસ્થ્ય અને ખેડૂતોના નસીબ સાથે ચેડાં કરે છે તેની સામે દાખલારૂપ કાર્યવાહી કરે. જો સરકાર યોગ્ય રસાયણો અને શુદ્ધ બિયારણની ઉપલબ્ધતા સુનિશ્ચિત નહીં કરે, તો આગામી સમયમાં ખેતીના પાક અને જમીનની ફળદ્રુપતા બંને જોખમાઈ શકે છે. વહીવટી તંત્રની આ કામગીરી હાલ તો ખેડૂતોને આશ્વાસન આપી રહી છે, પરંતુ કાયદાકીય લડત ક્યારે અંજામ સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
Read Original Article →