ઈંધણની અછતના કારણે કેસર કેરીનું ખરીદ-વેચાણ ખોરવાયું:જૂનાગઢમાં વાહનો ન મળતા બગીચામાં કેરી ઉતારવાનું બંધ, યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસમાં આવક અડધી થઈ ગઈ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાલમાં પ્રખ્યાત કેસર કેરીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો અને હાલની પરિસ્થિતિ વચ્ચે કેરીના સમગ્ર વેપાર પર ખૂબ જ ગંભીર અને માઠી અસર જોવા મળી રહી છે. બગીચાઓમાં કેસર કેરીનો પુષ્કળ માલ તૈયાર હોવા છતાં, વાહનો ન મળવાને કારણે માલ યાર્ડ સુધી પહોંચી શકતો નથી. વેપારી અદ્રેમાન પંજાના જણાવ્યા અનુસાર, જે બોક્સના અગાઉ રૂ. 1,000 ઉપજતા હતા તેના અત્યારે માત્ર રૂ. 500 જ મળી રહ્યા છે. ટ્રાન્સપોર્ટની વિકટ સમસ્યાના લીધે ખેડૂતોએ બગીચામાંથી કેરી ઉતારવાનું એટલે કે વેડ નાખવાનું બંધ કરી દીધું છે. આ ઉપરાંત, બદલાતા વાતાવરણ અને તહેવારોના લીધે પણ આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઇંધણની આ કટોકટી વચ્ચે બજારમાં મિશ્ર પ્રતિભાવો અને અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને જગતનો તાત ભારે ચિંતામાં મુકાયા છે. આવકમાં 23 હજાર બોક્સનો ઘટાડો થયો
આ અંગે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના કેરીના વેપારી અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 30થી 35 હજાર બોક્સની કેસર કેરીની આવક રહેતી હતી. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી પેટ્રોલ અને ડીઝલની તકલીફના કારણે માત્ર 10થી 12 હજાર બોક્સ જ આવી રહ્યા છે. બોક્સના ભાવ ઘટીને 500થી 600 રૂપિયા થઈ ગયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડીઝલની અછતને લીધે આ 10-12 હજાર બોક્સની અંદર પણ બહારના કોઈ વેપારીઓ માલ લેવા માટે આવી શકતા નથી. આખા ગુજરાતભરમાંથી જૂનાગઢમાં કેસર કેરી ખરીદવા વેપારીઓ આવતા હતા, પરંતુ અત્યારે વાહનો ન મળવાના કારણે તેઓ આવી શકતા નથી, જેથી પહેલા જે કેસર કેરીના બોક્સના ભાવ 800, 900 કે 1000 રૂપિયા હતા, તે અત્યારે ઘટીને 500થી 600 રૂપિયા થઈ ગયા છે. આવતા દિવસોમાં જો ડીઝલ-પેટ્રોલ નહીં મળે તો ખેડૂતો અને બગીચાવાળા ઇજારદારો બરબાદ થઈ જશે, કારણ કે કેરી બગીચાઓમાં જ પાકી જશે અને તેનાથી જબરજસ્ત ન કલ્પી શકાય એવડું મોટું નુકસાન થશે. 'માલમાં બહુ મોટો ઘટાડો નોંધાયો છે'
વેપારી ઇલ્યાસ જુણેજાએ જણાવ્યું હતું કે, માલ બગીચામાં ઘણો ઉપલબ્ધ છે પણ ડીઝલની અછતના કારણે યાર્ડ સુધી પહોંચી શકતો નથી, જેને કારણે આજે કેરી પુષ્કળ હોવા છતાં આવકમાં મોટો ઘટાડો થયો છે. બજારમાં ભાવમાં પણ ઘટાડો થયો છે, જેમાં બે-ચાર દિવસ પહેલા જે માલ 800થી 900 રૂપિયામાં જતો હતો, તે જ માલ અત્યારે 650, 700 કે 750 રૂપિયામાં મળી રહ્યો છે, એટલે કે ભાવમાં 100થી 150 રૂપિયાનો સીધો ઘટાડો થયો છે. આવકની અસરો વિશે તેમણે ઉમેર્યું હતું કે, બે-ચાર દિવસ પહેલાં જ્યાં 20થી 25 હજાર બોક્સની આવક હતી, તેની સામે આજે માત્ર 15 હજાર બોક્સની આવક થઈ છે, આમ માલમાં બહુ મોટો ઘટાડો નોંધાયો છે અને આ પરિસ્થિતિની સીધી માઠી અસર ખેડૂતો તેમજ વેપારીઓ પર થઈ રહી છે. 'આ વર્ષે આવક ઓછી છે અને ભાવ થોડાક ઊંચા છે'
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના હરેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, હાલમાં કેસર કેરીની સીઝન ચાલુ છે અને અત્યારે અંદાજે 12,000થી 15,000 બોક્સની કેરીની આવક થાય છે, જેમાં સારામાં સારી ગુણવત્તાવાળી કેરી હોય તો તેના 10 કિલોના 1200થી 1500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. જે કેરી હેકરામાં એટલે કે નાની કે ઓછી ગુણવત્તાવાળી હોય તેના ભાવ 500થી માંડીને 700 રૂપિયા સુધી અને મીડિયમ કેરીના ભાવ 900થી માંડીને 1100 રૂપિયા જેવા અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે. ગયા વર્ષની સરખામણી કરતા તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે આ સીઝનમાં 15,000થી 20,000 બોક્સની આવક હતી, જેની સરખામણીએ આ વર્ષે આવક ઓછી છે અને ભાવ થોડાક ઊંચા છે, કારણ કે ગયા વર્ષે 700થી 800 રૂપિયામાં કેરી જતી હતી, જે અત્યારે 1200થી 1300 રૂપિયા સુધીમાં વેચાય છે. હાલમાં તહેવારો આવી રહ્યા છે અને બીજા નંબરમાં વાદળછાયું વાતાવરણ થયું હોવાથી ખેડૂતો અત્યારે વેડ નાખતા નથી. 'ડીઝલની અછતના લીધે ખેડૂતો અને વેપારીઓએ હાલ પૂરતું કામ અટકાવવું પડ્યું'
નિકાસ અંગે સ્પષ્ટતા કરતા ગજેરાએ જણાવ્યું હતું કે, આપણી પાસે બધી લોકલ કેરી જ છે અને અહીંથી બહાર કોઈ કેરી એક્સપોર્ટ થતી નથી, પરંતુ માત્ર સ્થાનિક સ્તરે જ બધે સપ્લાય થતી હોવાથી નિકાસ બંધ થવાનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ માત્ર ને માત્ર ડીઝલની અછતના લીધે જ ખેડૂતો અને વેપારીઓએ હાલ પૂરતું કામ અટકાવવું પડ્યું છે.
Read Original Article →