'હવે તો કિન્નરોને જ ચૂંટણી લડાવવી છે':જૂનાગઢના જર્જરિત કડિયાવડના રહિશોની હૈયાવરાળ, કહ્યું-'નેતાઓ પાસે જીવતા લોકો માટે સમય નથી, મડદા સાથે સ્મશાને ફોટા પડાવવા આવી જશે'
જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં તંત્રની લાપરવાહી અને બેદરકારીનો કહેર ફરી એક વાર સામે આવ્યો છે. વર્ષોથી જર્જરિત હાલતમાં ઊભેલી ઇમારતોનો એક સ્લેબ અચાનક તૂટી પડતા એક મહિલા લોહીલુહાણ થઈ ગઈ છે. બે વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે તંત્રએ મોટા-મોટા બણગા ફૂંક્યા હતા પરંતુ, આજે પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. સ્થાનિકોનો આક્રોશ એ હદે વધી ગયો છે કે, તેઓ હવે કહેવા લાગ્યા છે — "કાડીયાવાડમાં હવે કિન્નરોને ચૂંટણી લડાવવી છે", કારણ કે સામાન્ય નેતાઓ અને તંત્ર તેમની વેદના સમજતા જ નથી. જૂનાગઢ શહેરના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારની ગ્રાઉન્ડ ઝીરો પરની વાસ્તવિકતા તપાસવા જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી ત્યારે અત્યંત ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. શું મકાન માલિકોને ભાડામાં રસ અને તંત્રને જાનહાનિની રાહ?
કડિયાવાડ શાક માર્કેટમાં આજે પણ 50થી વધુ ઇમારતો અતિ જર્જરિત હાલતમાં અડીખમ ઉભી છે. નાની અને સાંકડી ગલીઓમાંથી હજારો લોકો પસાર થાય છે, જેમની ઉપર આ ઇમારતોના પોપડા અને લોખંડની ખીલાસરીઓ તલવારની જેમ લટકી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આવી જોખમી ઇમારતોમાં હજુ પણ 12થી વધુ વિધાર્થીઓ ભાડૂઆત તરીકે વસવાટ કરી રહ્યા છે. મકાન માલિકોને માત્ર ભાડામાં જ રસ છે અને તંત્રને કદાચ કોઈ મોટી જાનહાનિની રાહ જોવી હોય તેમ લાગે છે. 'હવે અમારે કિન્નરોને જ ચૂંટણી લડાવવી પડશે, કદાચ એ અમારી વેદના સમજે'
કડિયાવાળમાં રહેતા ચંદ્રેશભાઈ પોપટ જે છેલ્લા 63 વર્ષથી બેલદાર શેરીમાં રહે છે, તેઓ આક્રોશ સાથે જણાવે છે કે કડિયાવાડમાં હાલના કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે. આઠ-આઠ મહિના વીતી જવા છતાં ગટર, પાણી કે રોડના કામો થતા નથી. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે હવે અમારે અહીં કોઈ રાજકીય નેતા નહીં પણ "કિન્નરોને ચૂંટણી લડાવવી છે" કારણ કે કદાચ તેઓ અમારી વેદના સમજશે. ચંદ્રેશભાઈ પોપટ જે મકાનમાં રહે છે તે અતિ જર્જરિત છે અને તેઓ પોતે આ બિલ્ડિંગ ઉતારી લેવા તૈયાર હોવા છતાં ભાડૂઆતો ખાલી કરતા નથી. તેઓ ભય વ્યક્ત કરતા કહે છે કે જો મનપા કમિશનર રૂબરૂ આવીને કડક હુકમ નહીં કરે, તો એક દિવસ તેઓ પોતે જ આ મકાનના કાટમાળ નીચે દટાઈને મૃત્યુ પામશે. 'એક વર્ષ પહેલાં ખરાબ રોડને કારણે મણકા તૂટી ગયા'
કડિયાવાડ વિસ્તારની એક શેરીમાં રહેતા વસંતબેન તેરૈયાની આપવીતી પણ કંપારી છૂટી જાય એવી છે. તે જણાવે છે કે, આ વિસ્તારમાં ચાર મકાનો તો અત્યંત ભયજનક છે. વસંતબેન પોતે એક વર્ષ પહેલાં આ જ ગલીઓમાં ખરાબ રોડને કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમના મણકા તૂટી ગયા હતા છતાં કોઈ કોર્પોરેટરે તેમની ખબર સુદ્ધાં લીધી નહોતી. જ્યારે કોઈ મરી જાય ત્યારે આ નેતાઓ સ્મશાનમાં આવીને પણ ફોટા પડાવવા પહોંચી જાય છે, પરંતુ જીવતા માણસોની સુવિધા માટે તેમની પાસે સમય નથી. ગઈકાલે મહિલા ઇજાગ્રસ્ત થઈ તેનાથી લોકોમાં ભારે ગુસ્સો છે અને તેઓ કહે છે કે જવાબદારો લોકોની બદદુઆ લઈ રહ્યા છે. 'ત્રણ વર્ષથી ઇન્સ્પેક્ટરોને રજૂઆત છતાં એક નોટિસ નથી ફટકારી'
વસ્તા લાધા શેરીમાં રહેતા મિલનભાઈ વ્યાસ જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રને સીધો પડકાર ફેંકી રહ્યા છે. તેઓ કહે છે કે તેમની ગલીમાં બે મકાનો એટલી ખરાબ હાલતમાં છે કે તેના છજ્જા ગમે ત્યારે કોઈના માથે ખાબકી શકે છે. ત્રણ વર્ષથી ઇન્સ્પેક્ટરોને રજૂઆત કરવા છતાં હજુ સુધી એક નોટિસ પણ પાઠવવામાં આવી નથી. મનપા કમિશનરને ચેલેન્જ આપે છે કે જો તેઓ રૂબરૂ આવીને તપાસ કરે અને એન્જિનિયરો આ મકાનોને સુરક્ષિત સાબિત કરી આપે, તો તેઓ કોઈપણ સજા ભોગવવા તૈયાર છે. છેલ્લા છ મહિનાથી અહીંની શેરીઓ ખોદી નાખવામાં આવી છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે, પણ કોર્પોરેટરો એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી. ‘કાગળની કામગીરી છોડો ને ગ્રાઉન્ડ લેવલ પર ઊતરી મોતના માચડા દૂર કરો’
વૃદ્ધા મનોરમાબેન જોશી પણ ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તે કહે છે કે, અમારે દરરોજ મોતના મુખમાં જીવવું પડે છે. રસ્તાઓ તો ખરાબ છે જ, પણ ઉપર જોતા ચાલવું પડે છે કે ક્યારે કોઈ પથ્થર કે સ્લેબનો ભાગ માથે પડે. કડિયાવાડ વિસ્તાર જૂનાગઢના નકશામાં હોય તેવું લાગતું જ નથી, કારણ કે અહીંના લોકોની વેદના સાંભળવા વાળું કોઈ નથી. તંત્રની આ લાપરવાહી અને મકાન માલિકોની લોભવૃત્તિ વચ્ચે કડિયાવાડનો સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. બે વર્ષ પહેલાં બનેલી ઘટનાનું પુનરાવર્તન થતા વાર નહીં લાગે
જો સમય રહેતા આ 50થી વધુ જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો બે વર્ષ પહેલાં બનેલી એ હૃદયદ્રાવક ઘટનાનું પુનરાવર્તન થતા વાર નહીં લાગે. જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓએ કાગળ પરની કામગીરી છોડીને ગ્રાઉન્ડ લેવલ પર આવી આ મોતના માચડાઓ દૂર કરવા જોઈએ જેથી અન્ય કોઈ નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવો ન પડે. મહાનગરપાલિકાનું તંત્ર કદાચ મોટી જાનહાનિ બાદ સફાળું જાગે
જ્યારે આ તો માત્ર ભાસ્કરની નજરે ચડેલી જર્જરીત બિલ્ડીંગો છે ત્યારે હજુ પણ 50થી વધુ જર્જરીત બિલ્ડીંગો અને મકાનો કડિયાવાળમાં મોતના માચડા સમાન ઊભા છે. પરંતુ હાલ જે પ્રમાણે ઘટના ઘટી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે, કદાચ જુનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર અને આ વિસ્તારના કોર્પોરેટરો કોઈ મોટી જાનહાનિ થાય અને ત્યારબાદ સફાળું જાગી કામગીરી કરે ત્યારે લોકોની વ્યથા અને વેદના એટલી હદ વટાવી ગઈ છે કે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે હવે આ વિસ્તારમાં કિન્નરોને ચૂંટણી લડાવવી છે.
Read Original Article →