જિલ્લા પંચાયત નવા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા:જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ શાસન: લીનાબેન કાવાણી પ્રમુખ અને જેઠાભાઈ ચુડાસમા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ થતા આજે પદભાર સંભાળ્યો
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના વિવિધ હોદ્દાઓ માટે ગઈકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા જીતેલા ઉમેદવારો અને પક્ષના વરિષ્ઠ આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરે નવા હોદ્દેદારોના નામોની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ આજે જૂનાગઢ જિલ્લા પંચાયત ભવન ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો. ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા જૂનાગઢના કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી લીનાબેન વિપુલકુમાર કાવાણીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સામે અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ન ભર્યું હોવાથી લીનાબેન કાવાણીને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. આ જ પ્રક્રિયા અંતર્ગત ઉપપ્રમુખ પદ માટે પણ ભારતીય જનતા પાર્ટી તરફથી જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે પણ અન્ય કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવાર મેદાનમાં ન હોવાના કારણે તેઓ પણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી પામ્યા છે. આમ જિલ્લા પંચાયતના બંને સર્વોચ્ચ પદો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. આ પ્રસંગે કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી નવનિયુક્ત પ્રમુખ લીનાબેન કાવાણી અને ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમાને નવી ઇનિંગ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે જ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને આવેલા તમામ 30 સભ્યોને પણ સત્તાવાર રીતે અભિનંદન આપવામાં આવ્યા હતા.લોકશાહીના આ લોકપ્રતિનિધિઓ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વેગ આપશે અને જનતાના હિત માટે શ્રેષ્ઠ કાર્યો કરીને પ્રગતિના નવા આયામો સર કરશે.
Read Original Article →