આઈપીએલ મેચનો સટ્ટા રમાડતો ઇસમ ઝડપાયો:જૂનાગઢમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો શખ્સ ક્રાઈમ બ્રાન્ચ ની ઝપટે ચડ્યો,વાડલા ફાટક પાસે ક્રાઈમ બ્રાંચનો દરોડો, રોકડ અને મોબાઈલ સહિત 40 હજારનો મુદ્દામાલ
હાલમાં જ્યારે દેશભરમાં આઈપીએલનો ફીવર ચાલી રહ્યો છે, ત્યારે અનેક યુવાનો રાતોરાત લાખોપતિ બની જવાની લાલચમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યા છે. સટ્ટાની આ બદીને ડામવા માટે જૂનાગઢ પોલીસ સતર્ક બની છે, જેના ભાગરૂપે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે એક સફળ કામગીરી કરીને ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. જુનાગઢ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાડલા ફાટક પાસે રાધિકા રેસીડેન્સીમાં રહેતો એક શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચની આઈડી બનાવીને હારજીતનો જુગાર રમી રહ્યો છે.બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વાડલા ફાટક પાસે દરોડો પાડતા ધરમ ઉર્ફે ધવલ મિઠીયા નામનો 24 વર્ષીય યુવાન ઓનલાઈન ક્રિકેટ આઈડી મારફતે આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ પર રન ફેર અને હારજીતનો સટ્ટો રમતા અને રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ શખ્સ હવાલા દ્વારા નાણાંની હારજીત કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા તેની ધરપકડ કરી વંથલી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ દરોડા દરમિયાન પોલીસે આરોપી પાસેથી 500 રૂપિયાની રોકડ રકમ અને 40,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ 40,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં અન્ય 6 શખ્સોના નામ પણ ખુલ્યા છે, જેમાં હિરેન કારીયા, આશિષ કુડડીયા, મૌલિક માણી, ધવલ ઉર્ફે આર્યન ડોલાસીયા, પરેશ પોપટ અને ભગીરથ ભેડાનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચની આ કામગીરીમાં કુશાલ એમ. પટેલ, ડી. પી. ભાટી, જદવભાઈ સુવા અને દેવનભાઈ સિંધવ સહિતની ટીમે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આ કામગીરીથી સટ્ટાબજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે પણ નાગરિકોને અપીલ કરી છે કે ટૂંકા રસ્તે પૈસા કમાવવાની લાલચમાં સટ્ટા જેવી લતથી દૂર રહે, જે પરિવાર અને કરિયર બંને માટે ઘાતક સાબિત થઈ શકે છે...
Read Original Article →