વ્યાજખોરોના ત્રાસમાંથી જનતાને મુક્ત કરવા પોલીસનો લોક દરબાર:​જૂનાગઢમાં વ્યાજખોરોનો ખેલ ખતમ કરવા એસ.પી.નો લોક દરબાર, પીડિતોની વેદના સાંભળી પોલીસવડાએ કડક કાર્યવાહીનો આદેશ આપતા વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપ્યો

Gujarat4/12/2026, 10:32:51 AM
વ્યાજખોરોના ત્રાસમાંથી જનતાને મુક્ત કરવા પોલીસનો લોક દરબાર:​જૂનાગઢમાં વ્યાજખોરોનો ખેલ ખતમ કરવા એસ.પી.નો લોક દરબાર, પીડિતોની વેદના સાંભળી પોલીસવડાએ કડક કાર્યવાહીનો આદેશ આપતા વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપ્યો
​જૂનાગઢ શહેરમાં છેલ્લા લાંબા સમયથી ફૂલેલા-ફાલેલા ગેરકાયદેસર વ્યાજખોરીના વ્યવસાયને જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા વ્યાજખોરીના દૂષણને ડામવા માટે આપવામાં આવેલી સૂચના થી રાજ્યમાં ચાલી રહેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ 'લોક દરબાર'નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા અસંખ્ય નાગરિકો પોતાની વેદના અને આપવીતી લઈને ઉમટી પડ્યા હતા. ​આ લોક દરબારનું આયોજન એટલું સુવ્યવસ્થિત હતું કે શહેરમાં આવતા અલગ-અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારો મુજબ ખાસ ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થાને કારણે અરજદારોને પોતાના વિસ્તારના સંબંધિત પોલીસ અધિકારીઓ અને પીઆઈ સમક્ષ રજૂઆત કરવામાં સરળતા રહી હતી. લોક દરબારમાં હાજર રહેલા પીડિતોએ વ્યાજખોરો દ્વારા કરવામાં આવતા માનસિક અને શારીરિક શોષણની ભયાનક વિગતો રજૂ કરી હતી. મજબૂરીમાં લીધેલા નાણાંના બદલામાં પઠાણી ઉઘરાણી, કોરા ચેક પર બળજબરીથી સહીઓ કરાવી લેવી તેમજ મિલકતો પર ગેરકાયદે લખાણ કરાવી લેવા જેવા ગંભીર આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવ્યા હતા. ​લોક દરબારમાં ખાસ ઉપસ્થિત રહેલા એસ.પી. સુબોધ ઓડેદરાએ જાતે દરેક પીડિતની રજૂઆતો ગંભીરતાપૂર્વક સાંભળી હતી. તેમણે પીડિતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં. પોલીસવડાએ સ્થળ પર જ હાજર ડીવાયએસપી, તમામ પીઆઈ અને પીએસઆઈને કડક સૂચના આપી હતી કે દરેક અરજી પર ત્વરિત તપાસ કરવામાં આવે અને જો પ્રાથમિક પુરાવા મળે તો તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરી ગુના દાખલ કરવામાં આવે. પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયામાં પીડિતોને પૂરેપૂરો સહયોગ આપવાની પણ ખાતરી આપવામાં આવી હતી. ​આ લોક દરબારમાં એક ચોંકાવનારો કિસ્સો સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મંજુલાબેન વાળાના પરિવારનો સામે આવ્યો હતો. તેમના પુત્ર મુકેશ વાળાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મંગનાથ રોડ પર પારસ પાન નામની દુકાન ધરાવતા ધીરજભાઈ પટેલ પાસેથી તેમના પરિવારે કટકે-કટકે આશરે 3.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે વ્યાજખોર દ્વારા અત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીને કુલ 9 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. મુકેશભાઈએ આક્ષેપ કર્યો હતો કે તેમના પિતાના અવસાન બાદ વ્યાજખોર દ્વારા તેમને કોર્ટની નોટિસ ફટકારી ટોર્ચર કરવામાં આવી રહ્યા છે અને તેમની માતાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ રહી છે. જોકે, પોલીસ દ્વારા તેમની અરજી સ્વીકારી લેવામાં આવતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો. ​જૂનાગઢ પોલીસની આ નવતર પહેલને કારણે સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. એસ.પી.એ આ તકે જાહેર જનતાને અપીલ કરી હતી કે કોઈ પણ વ્યક્તિએ વ્યાજખોરોના ડરથી ગભરાવાની જરૂર નથી. જો કોઈ નાગરિક કે તેમના સંબંધી વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયા હોય તો તેઓએ નિર્ભય બનીને પોલીસનો સંપર્ક કરવો જોઈએ. પોલીસ તંત્ર પીડિતોની પડખે છે અને વ્યાજખોરોના ત્રાસનો અંત લાવવા માટે કટિબદ્ધ છે. આ ઝુંબેશ માત્ર લોક દરબાર પૂરતી સીમિત ન રહેતા, આગામી દિવસોમાં વ્યાજખોરો વિરુદ્ધ મોટા પાયે ધરપકડ અને કાયદાકીય શિકંજો કસવાની કાર્યવાહી પણ જોવા મળશે તેવા સ્પષ્ટ સંકેતો પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવ્યા છે.
Read Original Article →