માખીયાળા સસ્તા અનાજ કૌભાંડ રેન્જ આઈજી પોલીસ દરોડો:જુનાગઢના માખીયાળામાં વહીવટી તંત્રને ઊંઘતું રાખીને ચાલતા ગેરકાયદેસર સરકારી અનાજના મોટા ગોડાઉન પર રેન્જ આઈજીની ટીમનો દરોડો, 18.85 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarat5/15/2026, 2:17:26 PM
માખીયાળા સસ્તા અનાજ કૌભાંડ રેન્જ આઈજી પોલીસ દરોડો:જુનાગઢના માખીયાળામાં વહીવટી તંત્રને ઊંઘતું રાખીને ચાલતા ગેરકાયદેસર સરકારી અનાજના મોટા ગોડાઉન પર રેન્જ આઈજીની ટીમનો દરોડો, 18.85 લાખનો મુદ્દામાલ જપ્ત
​જુનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી સસ્તા અનાજની ગેરકાયદેસર રીતે હેરફેર થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લાલઆંખ કરીને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ રેન્જ વિસ્તારમાં ચાલતી તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામી દેવા માટે કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના પગલે જુનાગઢ રેન્જ પોલીસ સક્રિય બની હતી અને બાતમીદારોનું નેટવર્ક ગોઠવ્યું હતું. આ દરમિયાન જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રને અંધારામાં રાખીને ચાલી રહેલા રેશનિંગના અનાજના એક મોટા કૌભાંડનો રેન્જ આઈજીની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાની કિંમતના સરકારી અનાજના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​જુનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.રાણાનો ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળી હતી કે માખીયાળા ગામથી આગળ આવેલી નોબલ સ્કૂલ પાસે વનરાજસિંહ વાંકના ભાડે રાખેલા ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ ગોડાઉન બિલખાના રહીશ મહમદ જમાલ માલવીયાએ ભાડે રાખ્યું હતું. પોલીસે રેડ કરતા ઘટનાસ્થળેથી કૌભાંડમાં સામેલ બે આરોપીઓ જેમાં બિલખા ગામના મહમદ જમાલભાઇ માલવીયા અને ઇરફાન સીતારભાઇ કાળવાતરની અટકાયત કરી લીધી છે. આ દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી આશરે 23000 કિલોગ્રામ ઘઉં જેની કિંમત 4,60,000 રૂપિયા અને આશરે 17000 કિલોગ્રામ ચોખા જેની કિંમત 4,25,000 રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ અનાજની હેરફેર માટે ઉપયોગમાં લેવાતો 10,000,000 રૂપિયાની કિંમતનો જીજે 12 એવાય 8666 રજીસ્ટ્રેશન નંબર ધરાવતો એક ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો છે. આમ પોલીસે ઘટનાસ્થળેથી કુલ 18,85,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ​પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ગોડાઉનમાં બિલખાના જ રહેવાસી મહમદ જમાલ માલવીયા અને ઇરફાન સીતાર કાળવાતરે પોતાના આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે બહારગામથી ઘઉં અને ચોખાનો સરકારી સસ્તા અનાજનો જથ્થો મંગાવ્યો હતો. આ બંને શખ્સોએ આ સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાં સંગ્રહ કરી રાખ્યો હતો અને તેને અન્ય બહારગામ પોતાના અંગત આર્થિક ફાયદા માટે ટ્રક મારફતે મોકલવાની પેરવીમાં હતા. ​આ સમગ્ર મામલે મુદ્દામાલ અને આરોપીઓને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે. સરકારી અનાજ માફિયાઓ સામે રેન્જ આઈજીની ટીમની આ પ્રશંસનીય કામગીરીથી સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read Original Article →