જમીનો બની બંજર, લોકોને બીમારીઓનો ભરડો, ગૂગલ મેપમાં શોકિંગ ખૂલાસો:જૂનાગઢના ​ભાટમાં 150 ગેરકાયદે ઘાટ, ઝેરી કેમિકલથી નદી લીલી-કાળી, ભાજપના MLAએ સ્વીકાર્યું-પાણી પણ પીવાલાયક નથી

Gujarat5/19/2026, 12:30:00 AM
જમીનો બની બંજર, લોકોને બીમારીઓનો ભરડો, ગૂગલ મેપમાં શોકિંગ ખૂલાસો:જૂનાગઢના ​ભાટમાં 150 ગેરકાયદે ઘાટ, ઝેરી કેમિકલથી નદી લીલી-કાળી, ભાજપના MLAએ સ્વીકાર્યું-પાણી પણ પીવાલાયક નથી
​રાજકોટ જિલ્લાનું જેતપુર એટલે વિશ્વ વિખ્યાત સાડી ઉદ્યોગ કેન્દ્ર. અહીં 70 વર્ષથી સાડી ઉદ્યોગ ધમધમે છે. પરંતુ આ 7 દાયકામાં સાડીઓના કેમિકલથી ફેલાતા પ્રદૂષણનો ઉકેલ આવ્યો નથી. જૂનાગઢ જિલ્લાના ભેસાણના ભાટ ગામમાં 150થી વધુ ગેરકાયદે ધોલાઈ ઘાટો ઉભા થઈ ગયા છે. ધોલાઈ ઘાટ બેરોકટોક સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી નદીઓમાં ઠાલવે છે. આ પાણીથી ઝાલણસર, માખીયાળા, ધંધુસર, મજેવડી અને બારોટ ગામની જમીન બંજર અને લોકોને ચામડીની બીમારીઓ થઈ રહી છે. જ્યારે નદીના પાણી લીલા-કાળા થઈ ગયા છે. કૂવા-બોરના પાણી પીવા કે ખેતીલાયક રહ્યા નથી. દિવ્ય ભાસ્કરે 2014થી લઈ 2023 સુધીના મેપ ચકાસ્યા હતા. જેમાં કેવી રીતે ધીમે ધીમે આ ઘાટ વધતા ગયા તેનો ખુલાસો થયો છે. ત્યાર બાદ કેમિકલયુક્ત પાણીથી ફેલાતા પ્રદૂષણની સ્થિતિની ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ ભાટ ગામ પહોંચી હતી. આ અતિ ગંભીર મુદ્દો હોવાછતાં જૂનાગઢ વહીવટી તંત્ર, સિંચાઈ વિભાગ, PGVCL અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બધું જ જાણે છે છતાં ઘસઘસાટ ઉંઘી રહ્યા છે. જેમાં PGVCL ગેરકાયદે વીજ જોડાણો અને સિંચાઈ વિભાગ ઉબેણનદીમાંથી ડાયરેક્ટ પાઇપલાઇન નાંખી ગેરકાયદે રીતે ખેંચાતા પાણી માટે જવાબદાર છે. આ ત્રણ-ત્રણ વિભાગો બે-બે ધારાસભ્યની રજૂઆતને પણ ઘોળીને પી ગયા છે. આમ સમગ્ર તંત્ર જ તંદ્રાવસ્થામાં છે. ભાટ ગામની સીમમાં જ્યાં નજર પહોંચે ત્યાં રોડથી માત્ર 10 ફૂટ દૂર ગેરકાયદે ઘાટો ખડકી દેવાયા છે. ગામમાં 250થી વધુ ઘાટો કાર્યરત છે, જેમાં 75 ટકાથી વધુ ઘાટ ગેરકાયદે છે. ઉબેણ સિંચાઈ યોજનાના ડેમમાંથી પ્રતિબંધિત પાઇપલાઇનો નાખી અને ગેરકાયદે વીજ કનેક્શનો મેળવી આ ઘાટોમાં પાણી પહોંચાડવામાં આવતું હતું. નદીના પથ્થરો કેમિકલના કારણે સફેદ થઈ ગયા છે પ્રદૂષિત પાણીને એકત્ર કરવા બનાવેલો 30 MLDની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તદ્દન ખાલીખમ જોવા મળ્યો હતો. નદીના પથ્થરો કેમિકલના કારણે સફેદ થઈ ગયા છે અને કેમિકલ સીધું નદીમાં છોડવા અંડર ગ્રાઉન્ડ પાઇપો ઉતારવામાં આવી છે અને ઉપર કેમિકલયુક્ત પાણીનું સામ્રાજ્ય જોવા મળે છે. ભાટ ગામનો પીવાના પાણીનો સંપ પણ કેમિકલ ભળવાને કારણે લીલો કાચ થઈ ગયો છે. રાજકોટ જિલ્લાના હદમાં આવતા બાવા પીપળીયા ગામે કેમિકલથી ઉભરાતી નદીમાં મૂંગા પશુઓ આરામ કરવા મજબૂર બન્યા છે. નવાઈની વાત એ છે કે સ્થાનિકો ડરના માર્યા કંઈ પણ બોલવા તૈયાર નથી. ઉબેણ નદીનું પાણી પ્રદૂષણને કારણે લાલ થઈ ગયું છે: સંજય કોરડીયા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી આ લડાઈ ચાલી રહી છે. ઉબેણ નદીનું પાણી પ્રદૂષણને કારણે લાલ થઈ ગયું છે. ઉનાળામાં નદીના કોઈપણ ખાડામાં પાણી નાખવામાં આવે ત્યારે પાણી એમ જ રહે છે અને માત્ર તેનું બાષ્પીભવન થાય છે અને અન્ય પાણી તાત્કાલિક સુકાઈ જાય છે. આ પ્રદૂષિત પાણીના કારણે નદીમાં સ્લરીના પણ જામી ગયા છે. આજુબાજુના ગામોમાં લાલ પ્રદૂષિત પાણીના કારણે પીવાલાયક કે ખેતીલાયક પાણી રહ્યું નથી. પ્રદૂષિત પાણીનો પ્રશ્ન સીધો લોકોની રોજીરોટી સાથે જોડાયેલો: પિયુષ ભુવા આ અંગે બામણગઢના વતની અને એડવોકેટ પિયુષ ભુવાએ જણાવ્યું હતું કે પ્રદૂષિત પાણીનો આ પ્રશ્ન સીધો લોકોની રોજીરોટી સાથે જોડાયેલો છે. ભેસાણ તાલુકો પછાત વિસ્તાર છે અને અહીં વર્ષોથી ચાલતા ધોલાઈ ઘાટ પર સ્થાનિક ગરીબો, ખેડૂતો અને હજારો લોકો પોતાની આજીવિકા માટે નિર્ભર છે. આ ઘાટના કારણે હજારો પરિવારોને રોજગારી મળી રહી છે. હાલમાં ત્યાં પ્રદૂષિત પાણીના નિકાલ માટે માત્ર એક જ પ્લાન્ટ કાર્યરત છે. આ પ્લાન્ટમાંથી જે દૂષિત પાણી બહાર નીકળે છે તેનાથી મજેવડી અને ઝાલણસર જેવા નજીકના ગામોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. 'હજારો લોકોની રોજીરોટી જળવાઈ રહે અને પ્રદૂષણ પણ ન ફેલાય તે માટે વિધાનસભા સ્તરે પણ રજૂઆત કરી છે કે હાલના એક પ્લાન્ટની જગ્યાએ બીજા બે નવા ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવે. જો વધુ પ્લાન્ટ કાર્યરત થાય તો પાણી સંપૂર્ણ રીતે ફિલ્ટર થઈને એકદમ શુદ્ધ બનીને નદીમાં જશે, જેથી રોજગારી પણ ચાલુ રહેશે અને પર્યાવરણ કે સ્વાસ્થ્યને નુકસાન નહીં થાય.' 'અધિકારીઓની મિલીભગતથી આ બધું થઈ રહ્યું છે' 'ભેસાણ સિંચાઈ યોજનામાંથી ગેરકાયદે રીતે પાણીની ચોરી કરવામાં આવી રહી છે, જે તદ્દન નિયમોની વિરુદ્ધ છે. આ સિવાય ઘણા ધોલાઈ ઘાટ પણ ગેરકાયદે ચાલી રહ્યા છે. આ બધું વહીવટી તંત્ર,ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની મિલીભગત અને છાવરવાને કારણે થઈ રહ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ વિભાગ, વીજ કંપની અને સિંચાઈ વિભાગના અધિકારીઓને મોટા ઉદ્યોગપતિઓ દ્વારા કથિત રીતે લાંચ અથવા નાણાં આપવામાં આવે છે. આ સરકારી વિભાગો અને મોટા ગજાના ઉદ્યોગપતિઓ વચ્ચે વર્ષોથી સાંઠગાંઠ ચાલી રહી છે, જેને કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કોઈ કડક કાર્યવાહી થતી નથી અને મોટો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે.' 'ગામ આસપાસ લગભગ ઘાટ ગેરકાયદે છે' ભાટ ગામના વહીવટદાર શ્યામ સિંગલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે PGVCL કનેક્શન મામલે ભેસાણ તાલુકાકચેરી ખાતે એ કાગળ આપી દેવામાં આવ્યો છે. જેમાં જેને વીજ કનેક્શન લેવું હોય તેને આકારણી પત્રક અથવા 2 નંબર રજૂ કરવાનું થાય છે અને બિન ખેતીનો રેકર્ડ પંચાયતમાં ઉપલબ્ધ હોય છે, ત્યારે હાલ બિનખેતી કર્યા વગર જે જગ્યા પર કનેક્શન આપવામાં આવ્યા છે તે મામલે PGVCLને જ ખ્યાલ હોય. 'ભાટ ગામમાં ઘણા ગેરકાયદે ઘાટ ચાલી રહ્યા છે તે વાત સાચી છે. ગામની આસપાસ જેટલા પણ છે તે બધા લગભગ ગેરકાયદે ઘાટ છે. ગયા અઠવાડિયે વિસાવદર પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી હતી. આ સાડીઓ ક્લિનિંગ માટે ક્યાંથી આવે છે તેનો ખ્યાલ નથી, કદાચ જેતપુરથી આવતી હોય. આ ઘાટની ગ્રામ પંચાયત પાસેથી કોઈ મંજૂરી શા માટે લેવામાં આવતી નથી તેના જવાબમાં તે ઘણા સમય પહેલાથી બનેલા હશે અથવા તો ગ્રામ પંચાયત દ્વારા અગાઉ ઠરાવ થયેલા હશે છતાં રેકોર્ડ જોવો પડે, મારે હજુ થોડો સમય થયો છે.' 'ઘાટને લઈ પંચાયતે કોઈપણ પ્રકારના ઠરાવ કર્યા નથી' 'હું અહીં વહીવટદાર તરીકે આવ્યો છું. જે લોકો દ્વારા ગેરકાયદે ઘાટ બનાવવામાં આવે છે તેના દ્વારા ગ્રામ પંચાયત પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવતી નથી અને પંચાયત મંજૂરી પણ આપી શકતી નથી. ઘાટ માલિકોની જવાબદારી પર જ બને છે. ગેરકાયદે ઘાટ પ્રાઇવેટ માલિકીમાં બનાવવામાં આવે છે, પરંતુ આ સમગ્ર મામલે હકીકત શું હોય તે તો ઊંડાણનો વિષય છે. કદાચ આ મામલે પંચાયત પાસે જો કોઈ મંજૂરી માટે કંઈ પણ આવ્યું હોય તો તલાટીના ઇનવર્ડ રજિસ્ટરમાં હોય. આ ઘાટને લઈ પંચાયતે કોઈપણ પ્રકારના ઠરાવ કર્યા નથી. આ સમગ્ર મામલે રેવન્યુ તલાટી જે કહે તે સાચું અને તેને બધી ખબર હોય.' ભાટ ગામના તલાટી મંત્રી રાજવીબેને જણાવ્યું હતું કે ભાટ ગામમાં ગેરકાયદે કેટલા ઘાટ છે તેની સંખ્યા મને ખબર નથી, પરંતુ થોડા દિવસો પહેલા પ્રાંત અધિકારી અહીં તેમની ટીમ સાથે આવ્યા હતા. આ સમગ્ર મામલે ભાટ ગામના રેવન્યુ તલાટીને બધી ખબર હોય શકે છે. 'એનાલિસિસ થયા બાદ આગળ રિપોર્ટ કાર્યવાહી માટે મોકલાશે' જેતપુર પ્રદૂષણ વિભાગના પ્રાદેશિક અધિકારી વી. ડી. રાખોલીયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાટ ગામથી ઇન્સ્પેક્શન કરી સેમ્પલો લેવામાં આવ્યા છે અને એનાલિસિસ થયા બાદ આગળ રિપોર્ટ કાર્યવાહી માટે મોકલાશે. અગાઉ ઘણી વખત આવા રિપોર્ટ લેવામાં આવ્યા છે અને ક્લોઝર પણ આપવામાં આવ્યું છે, અગાઉ 65 લાખ રૂપિયાનો દંડ પણ ભરાવવામાં આવ્યો હતો. 'જે ગેરકાયદે ઘાટ હોય તેને અમારે બંધ કરાવવા પડે' 'ભાટ ગામે ગેરકાયદે ચાલતા ઘાટોનો હજુ સર્વે કરવાનો છે અને અમે રિપોર્ટ મોકલવાના છીએ. થોડા સમય પહેલા જે પાણી ઉભરાઈને બહાર જતું હતું તેના સેમ્પલો લેવામાં આવ્યા છે. વિસાવદર પ્રાંતને આ મામલે જાણ કરી હમણાં ઇન્સ્પેક્શન કરાવ્યું હતું. પ્રદૂષણ વિભાગ હેઠળ કાર્યવાહી સમયે સમયે કરવામાં આવે છે. હવે સર્વે કરી જે ગેરકાયદે ઘાટ હોય તેને અમારે બંધ કરાવવા પડે.' 'આ મામલે સિંચાઈ વિભાગે કાર્યવાહી કરવાની હોય' 'જે સમયે અમે ત્યાં ઇન્સ્પેક્શનમાં ગયા ત્યારે સિંચાઈ વિભાગ હસ્તક આવતી જમીનમાં ગેરકાયદે રીતે પાણીના પાઇપો નાખી ડેમમાંથી પાણી ખેંચવામાં આવતું હતું તે સિંચાઈ વિભાગ હસ્તક આવે છે અને આ મામલે સિંચાઈ વિભાગ દ્વારા કાર્યવાહી કરવાની હોય છે. હાલ જે કેમિકલયુક્ત પાણી માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 30 એમએલડીની કેપેસિટીનો છે અને તે સમયે જે પાણી ઉભરાયું હતું તેના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા અને ડાઇંગનું પાણી આવે તે અલગ અલગ કલરનું આવતું હોય છે. કેમિકલયુક્ત પાણીની ટ્રીટમેન્ટ થયા બાદ તેને સિંચાઈ પ્લાન્ટેશન માટેની જમીનમાં વાપરવાનું હોય છે.' 'અમે સેમ્પલ મોકલીએ છીએ પણ કાર્યવાહી કરી શકતા નથી' 'ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ અમારા હાથની વાત નથી. અમે અહીંથી સેમ્પલ લઇ રિપોર્ટ મોકલીએ છીએ, પણ અમે કોઈ કાર્યવાહી કરી શકતા નથી, કાર્યવાહી ગાંધીનગર ઓફિસથી લેવામાં આવે છે. અમે માત્ર સેમ્પલ લઇ ગાંધીનગર ખાતે મોકલી દઈએ છીએ અને ત્યાંથી હુકમ આવ્યા બાદ કાર્યવાહી થાય છે. જડમૂળથી આ કેમિકલ પ્રદૂષણને ડામવા મોનિટરિંગ પણ કરીએ છીએ અને જ્યારે આવું પ્રદૂષણયુક્ત પાણી બહાર જતું હોય ત્યારે કામગીરી કરવામાં આવે છે.' 'પાઇપલાઇન પ્રોજેક્ટ પૂર્ણ થઈ જાય પછી નિરાકરણ આવી શકે' 'હાલ જે પ્રમાણે કેમિકલયુક્ત પાણીને બહાર કાઢવા માટે પાઇપલાઇનનો જે પ્રોજેક્ટ છે તે પૂરો થઈ જાય બાદમાં પ્રશ્નોનું નિરાકરણ આવી શકે તેમ છે. ધંધુસર, માખીયાળા અને અન્ય ગામોમાં પ્રદૂષણને લઇ સંકલનની બેઠકમાં ધારાસભ્ય દ્વારા જ પ્રશ્ન રજૂ કરાયો હતો જેને લઈ કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેને લઇ વિસાવદર પ્રાંત અધિકારીને સાથે રાખી તે જગ્યાની વિઝીટ પણ કરવામાં આવી હતી. રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવા માટેનું કહીશું પરંતુ થોડો ટાઈમ લાગશે.' કોઈ ગેરકાયદે કનેક્શન ચાલતા નથી: PGVCL જૂનાગઢ PGVCL કાર્યપાલક ઇજનેર કે. બી. પટેલને જાણે કે કોઈ બાબતનો ખ્યાલ જ ન હોય તેમ જણાવ્યું કે કોઈ ગેરકાયદે કનેક્શન ચાલતા નથી અને મારી પાસે આવી કોઈ રજૂઆત આવી નથી. સિંચાઈ વિભાગ દ્વારા જે કનેક્શન કાપવામાં આવ્યા છે તેનો મને કોઈ ખ્યાલ નથી. પાઇપલાઇનો અને વીજ કનેક્શન કાપી નાખ્યા હતા: સિંચાઈ વિભાગ જૂનાગઢ સિંચાઈ વિભાગ અધિકારી એમ.એન.ચનીયારાએ જણાવ્યું હતું કે હું છ મહિનાથી ફરજ બજાવું છું. ભાટ ગામ ખાતે સરકાર દ્વારા પુનઃ વસવાટ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનમાં હદ નિશાન ન હોવાથી ત્યાં ફેન્સિગની કામગીરી શરૂ કરી હતી. તે સમયે ડેમમાં પાઇપો નાખી ગેરકાયદે વીજ કનેક્શનો લઈ ડેમમાંથી પાણી ખેંચવામાં આવતું હતું. જેને લઇ આવી પાઇપલાઇનો અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. ભાટ ગામમાં ગેરકાયદે ઘાટ બનાવવામાં આવ્યા છે તેના ઉપયોગ માટે ડેમમાંથી ગેરકાયદે રીતે પાણી ખેંચવામાં આવતું હોય તેવું લાગતું હતું. જ્યાં કોઈ હાજર વ્યક્તિઓ મળી આવ્યા ન હતા. 'PGVCL ગેરકાયદે કનેક્શન બંધ કરાવી દે તો પ્રશ્ન ઉકલે' અમે ત્રણ મહિનાથી કામગીરી કરી રહ્યા છીએ, પરંતુ સરકારની પણ લિમિટેશન હોય છે. અમે ઓફિસ સ્ટાફ દ્વારા આ કામગીરી કરાવી છે, અમારે ફિલ્ડ સ્ટાફ છે નહીં અને 24 કલાક ત્યાં કોઈને આ કામગીરી માટે બેસાડી શકાય નહીં. આ મામલે સરકારમાં પણ 24 કલાક સિક્યુરિટી માટે ટેન્ડર પ્રક્રિયા માટે કામગીરી હાથ ધરાઈ છે. જે રીતે ગેરકાયદે વીજ કનેક્શન લઇ ઘાટ ચલાવવામાં આવી રહ્યા છે, જેને લઇ પીજીવીસીએલને રજૂઆત કરી છે. ત્યારે જો પીજીવીસીએલ ગેરકાયદે ચાલતા કનેક્શન બંધ કરી દે તો આ પ્રશ્નનું નિરાકરણ આવી શકે તેમ છે. 'ઇટાલિયા અને કોરડીયાએ સંકલન સમિતિમાં રજૂઆત કરી હતી' વિસાવદર પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયાએ જણાવ્યું હતું કે અગાઉ સંકલન સમિતિની બેઠકમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા કે જેતપુર ડાઈંગ ઉદ્યોગ અને ભાટ ગામમાં ચાલતા ઘાટો દ્વારા નદીના પાણીમાં કેમિકલ છોડવામાં આવે છે. જેને લઇ ભાટ ગામ ખાતે આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા જે પાણી છોડવામાં આવે છે અને નદીમાં છોડવામાં આવતા પાણી, બંને જગ્યાએથી સેમ્પલો લેવામાં આવ્યા છે. 'ઘાટ બનાવ્યા હોય તો શરતભંગની કાર્યવાહી કરાશે' 'ઘાટ દ્વારા જે કેમિકલયુક્ત પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવતું હોય ત્યાં કોઈ જગ્યાએ લીકેજને લઈને પ્રશ્નો હતા. જેને લઈ સેમ્પલો લેવામાં આવ્યા છે. ભાટ ગામમાં જે ઘાટો ગેરકાયદે હોય એને લઈ તપાસ ચાલુ છે અને બિનખેતીની મંજૂરી લીધા વગર જો આવા ઘાટો બનાવવામાં આવ્યા હોય તો શરતભંગ મુજબ 66ની કાર્યવાહી કરવામાં આવશે. નિયમ અનુસાર ઘાટ બનાવવા માટે કલેકટરની મંજૂરી લેવાની હોય છે અને બિનખેતી કર્યા બાદ વાણિજ્ય ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે છે, ત્યારબાદ GPCBની મંજૂરી પણ લેવામાં આવતી હોય છે.' પ્રદૂષણ મામલે ભૂતકાળમાં પણ અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે. ભાટ ગામ નજીક ડેમમાંથી ગેરકાયદે રીતે પાણી ખેંચવામાં આવી રહ્યું હતું. જેને લઈ સિંચાઈ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હશે, જેનો મને ખ્યાલ નથી. અગાઉ પ્રદૂષણ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને વહીવટી તંત્ર તરીકે અમને સાથે રાખવામાં આવ્યા હતા. આ અમારા પર્સનલ ઉદ્યોગની બાબત છે: જેતપુર ડાઇંગ એસો. જ્યારે જેતપુર ડાઈંગ એસોસિએશનના પ્રમુખ જયંતિ રામોલિયાએ જણાવ્યું હતું કે, આ મામલે તમારે જાણીને શું કામ છે કે જેતપુરથી જે સાડીઓ ભાટ ગામે મોકલવામાં આવે છે તે સમગ્ર મામલો શું છે? આ અમારા પર્સનલ ઉદ્યોગની બાબત છે. આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી નથી. અમને ખબર હોય, પરંતુ ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા વાત કરવામાં આવી છે. ‘અમારે દરિયાની પાઇપલાઇનનું કામ ચાલુ છે અને એક વર્ષમાં આ 50 વર્ષનો જે પ્રદૂષણનો પ્રશ્ન છે તેનું નિરાકરણ આવી જશે. હું અત્યારે રાજકોટ છું એટલે તમને વધુ માહિતી આપી શકું નહીં, મારી પાસે બધું મોઢે ન હોય.’ જેતપુરમાં જ કેમ વિકસ્યો સાડી ઉદ્યોગ? જેતપુરમાં જ ડાઇંગ ઉદ્યોગ કેમ ફૂલ્યો ફાલ્યો તે જાણવા માટે આછેરો ઇતિહાસ જાણવો જરૂરી છે. જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર નદી બારમાસી હોય અને તેનું પાણી મીઠું, કડક હોવાથી તે પાણી કપડાંના રંગાટ માટે ખૂબ અનુકૂળ હતું. જેથી આ રંગાટ ઉદ્યોગનો વ્યાપ વધવાની શરૂઆત થઈ જેમાં બ્લોક પ્રિન્ટ અને પટ્ટા પાઈપિંગથી હાથ વડે કાપડ પર છાપકામ કરવામાં આવતું. વેપારનો વ્યાપ વધતા ટેબલ પર કાપડનું છાપકામ થવા લાગ્યું. જેમાં ઇસ 1955માં જગદીશ ડાઇંગવાળા બચુભાઇ જાપાનથી સ્ક્રીન પ્રિન્ટિંગનો પ્રોજેકટ લઈને આવતા આ રંગાટ ઉદ્યોગમાં જબરુ પરિવર્તન આવ્યું. ત્યાર બાદ ધીમે ધીમે ઉદ્યોગનો વ્યાપ વધવા લાગ્યો જે 60ના દશકમાં સમગ્ર દેશમાં જેતપુર સાડી ઉદ્યોગ તરીકે પ્રખ્યાત થયું અને ત્યાર બાદ સિત્તેરના દશકાની શરૂઆતથી વિદેશોમાં પણ કોટનની પ્રિન્ટેડ સાડી એટલે જેતપુરની જ એવું પ્રસ્થાપિત થઇ ગયું. છાપકામ તેમજ રંગાટની પ્રક્રિયામાં નવી ટેકનોલોજી આવતી ગઈ તેમ વેપારનો વ્યાપ વધતો ગયો. ગેરકાયદેનું હબ બનેલા ભાટના પ્રશ્નનો ઉકેલ ક્યારે? ભાટ ગામ ગેરકાયદે ઘાટ, વીજ કનેક્શન અને પાણીના કનેક્શનનું હબ બની ગયું છે, ત્યારે હવે તંત્રની આંખુ ખુલશે કે પછી આંખ આડા કાન કરીને ફરી કુંભકર્ણ નિંદ્રામાં સરી પડશે? આ સળગતા મુદ્દા પર કેમ કોઈ ગંભીરતાથી વિચારતું નથી તે પણ એક સવાલ છે.
Read Original Article →