આલ્ફા વિદ્યાસંકુલની હોસ્ટેલની બારીની લોખંડની ગ્રીલ તોડી વિદ્યાર્થી બહાર નીકળ્યા:શાળાએ ચાર વિદ્યાર્થીઓને LC પકડાવી દીધા, વાલીઓએ સુરક્ષાને લઈ સવાલ ઉઠાવ્યો

Gujarat5/13/2026, 2:11:34 PM
આલ્ફા વિદ્યાસંકુલની હોસ્ટેલની બારીની લોખંડની ગ્રીલ તોડી વિદ્યાર્થી બહાર નીકળ્યા:શાળાએ ચાર વિદ્યાર્થીઓને LC પકડાવી દીધા, વાલીઓએ સુરક્ષાને લઈ સવાલ ઉઠાવ્યો
​માતા-પિતા પોતાના બાળકોને સારું ભણતર મળી રહે અને પૂરતી સુરક્ષા મળી રહે જેને લઇ લાખુ રૂપિયાનો ખર્ચ કરી સારી સંસ્થામાં રહેવા અને સારી સ્કૂલમાં ભણવા માટે મોકલે છે.ત્યારે જૂનાગઢના વડાલ સ્થિત જાણીતી શૈક્ષણિક સંસ્થા આલ્ફા વિદ્યા સંકુલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. મોડીરાત્રે ચાર વિદ્યાર્થીઓ હોસ્ટેલના રૂમની લોખંડની બારીની ગ્રીલ તોડીને નાસ્તો કરવા અને વ્યસન કરવા માટે કેમ્પસની બહાર નીકળી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે શાળા વહીવટીતંત્રે જવાબદારી લેવાને બદલે વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવીને સીધું લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દીધું હતું. આ મામલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે. ​શાળાએ LC પકડાવી દેતા વાલીઓમાં રોષ ​આ સમગ્ર બનાવમાં એક વિદ્યાર્થીના કાકાએ સંસ્થા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું મારા ભત્રીજાને રજા માટે લેવા આવ્યો હતો ત્યારે સંચાલકોએ મને જાણ કરી કે તમારા ભત્રીજાનું LC લેતા જાઓ. જ્યારે મેં આનું કારણ પૂછ્યું ત્યારે શાળાએ એવો લુલો બચાવ કર્યો કે તમારો ભત્રીજો અને તેની સાથેના અન્ય ચાર-પાંચ વિદ્યાર્થીઓ રાત્રે બારી તોડીને બહાર ક્રિષ્ણા હોટલે ગયા હતા અને ત્યાં નાસ્તો તેમજ સિગારેટ-મસાલા જેવી ન ખાવાના વસ્તુઓ લીધી હતી.સાથે સવાલ ઉઠાવ્યો છે કે જો આ બનાવ અગાઉના દિવસે બન્યો હતો તો સંસ્થાના ટ્રસ્ટીઓ કે સિક્યુરિટી તે સમયે શું કરતી હતી? વાલીઓને તાત્કાલિક જાણ કેમ કરવામાં ન આવી ? આજે જ્યારે અમે લેવા આવ્યા ત્યારે અચાનક LC પકડાવી દેવું એ શું સૂચવે છે ? ​સુરક્ષાની ખામીઓ અંગે વાત કરતા વિદ્યાર્થીના કાકાએ વધુમાં ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓ બીજા માળની બારી તોડીને ઉતરે ત્યારે કોઈ મોટી જાનહાનિ થાય કે અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની? સંસ્થાના રવિરાજસિંહ એવું કહે છે કે અમારો કોઈ વાંક નથી અને જે કરવું હોય તે કરો, પણ શું હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને મૂક્યા પછી તેની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સંચાલકોની નથી હોતી ? જો વિદ્યાર્થીઓ પાછળથી ભાગી જતા હોય તો ત્યાં સીસીટીવી કેમ નથી? ત્યાં ઉંચી દીવાલો કે સિક્યુરિટી ગાર્ડ કેમ તૈનાત નથી ? સંચાલકો માત્ર મેઈન ગેટની જવાબદારી લેવા માંગે છે, જ્યારે વિદ્યાર્થીઓ પાછળના ભાગેથી જોખમી રીતે ઉતરતા હોય તેની તેમને કોઈ ચિંતા નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોઈ મોટા રાજકીય દબાણ હેઠળ સંસ્થા આ રીતે હાથ અધર કરી રહી છે. સમગ્ર મામલે શાળા સંચાલકે બચાવ કર્યો ​આલ્ફા વિદ્યા સંકુલ ના સંચાલક રવિરાજભાઈ ખુમાણે જણાવ્યું હતું કે હોસ્ટેલની સુરક્ષા ચુસ્ત છે અને તમામ ગેટ પર તાળા હોય છે, પરંતુ આ વિદ્યાર્થીઓએ વ્યસનની લતે ચડીને બીજાના રૂમની બારી તોડીને ચોરીછુપીથી બહાર જવાનો રસ્તો બનાવ્યો હતો. તેમણે કહ્યું કે આ વિદ્યાર્થીઓને અગાઉ ચેતવણી અપાઈ હતી, છતાં તેમણે આવું કૃત્ય કર્યું હોવાથી શિસ્તભંગના પગલે તેમને LC આપી દેવાયા છે. અધવચ્ચે શાળાએ નામ રદ કરી નાખવા વાલીઓ મુશ્કેલીમાં મૂકાયા વિદ્યાર્થીના વાલીએ કહ્યું કે મારો ભત્રીજો નવમાં ધોરણમાંથી પાસ થઈને દસમામાં આવ્યો છે, હવે વર્ષની અધવચ્ચે તેને ક્યાં ભણવા મૂકવો? બાળકે ભૂલ કરી છે તે સ્વીકાર્ય છે, પરંતુ તેને સુધારવાને બદલે અને પોતાની સુરક્ષાની ખામી છુપાવવા માટે તેને સ્કૂલમાંથી કાઢી મૂકવો એ કોઈ ઉકેલ નથી. વાલીઓ પોતાના બાળકોને સુરક્ષિત માનીને અહીં મોંઘી ફી ભરીને મૂકે છે, ત્યારે સંચાલકો આવી બેદરકારી કેમ દાખવી શકે? જો આ મામલે આગામી બે દિવસમાં કોઈ નક્કર સમાધાન કે કાર્યવાહી નહીં થાય, તો વાલીઓ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં આ મુદ્દો જૂનાગઢમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
Read Original Article →