જૂનાગઢમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ પડતા મહિલાનું માથુ ફૂટ્યું:હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ પણ ન પહોંચી શકી, રોષે ભરાયેલા લોકો રોડ બંધ કરી આંદોલન પર બેઠા
જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં તંત્રની બેદરકારી ફરી એક વાર સામે આવી છે. વર્ષોથી મોતના માચડા સમાન ઊભેલી જર્જરિત ઇમારતનો સ્લેબ અચાનક તૂટી પડતા ત્યાંથી પસાર થતી એક મહિલા લોહીલુહાણ થઈ ગઈ છે. ખરાબ રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી નહીં, જેના કારણે ઈજાગ્રસ્ત મહિલાને સ્કૂટર પર બેસાડીને હોસ્પિટલ લઈ જવી પડી. આ ઘટનાએ આસપાસના લોકોમાં રોષ જગાવ્યો છે અને લોકો ઘટના બાદ જવાહર રોડ બંધ કરીને આંદોલન પર બેઠા છે. ખરાબ રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી નહોતી
જૂનાગઢ શહેરના હાર્દ સમાન ગણાતા કડિયાવાડ વિસ્તારમાં બેલદાર શેરી નજીક આવેલા લક્ષ્મી એપાર્ટમેન્ટ, જે અત્યંત જર્જરિત હાલતમાં છે, તેના સ્લેબનો એક મોટો હિસ્સો નીચે પડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્યાંથી પસાર થતા એકતાબેન નામના મહિલાના માથાના ભાગે પથ્થર વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક એકઠા થઈને મહિલાને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ, વિસ્તારના ખરાબ રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી ન હતી. આ ઘટના બાદ કડિયાવાડ વિસ્તારના સ્થાનિકો રોષે ભરાયા હતા અને જવાહર રોડ બંધ કરી આંદોલન પર બેઠા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં કડિયાવાડ વિસ્તારમાં જે જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી, જેમાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતા અને તે સમયે જવાબદાર પદાધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાના બણગા ફૂકવામાં આવ્યા હતા, તે આજની ઘટના પરથી સાબિત થયું છે. જર્જરિત બિલ્ડિંગો ઉતારી લેવા બે મહિના પહેલા જ લેખિત રજૂઆત કરી હતી
આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને તંત્રની ઉદાસીનતા એવી છે કે, ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ખોદાયેલા રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ બરફના કારખાના પાસે ઉભી રહી ગઈ હતી, જેના પરિણામે મહિલાને સ્કૂટર પર બેસાડીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોએ મહિલાની ગંભીર સ્થિતિ જોઈ તાત્કાલિક સીટી સ્કેન કરાવવા સૂચના આપી હતી. બીજી તરફ, પોતાની જવાબદારીમાંથી છટકતા અને માત્ર આશ્વાસન આપવા પહોંચેલા વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસિયાએ આ સમગ્ર ઘટનાનો દોષનો ટોપલો મ્યુનિસિપલ કમિશનર પર ઢોળી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, જર્જરિત બિલ્ડિંગો ઉતારી લેવા બાબતે બે મહિના પહેલા જ લેખિત રજૂઆત કરી હોવા છતાં કમિશનર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે અન્ય કોર્પોરેટરો મીડિયાના સવાલોથી બચવા માટે ભાગતા નજરે પડ્યા હતા. 'આવતીકાલથી હું મારી દુકાન બંધ રાખીશ અને ચાર રસ્તા વચ્ચે ઉપવાસ પર બેસીશ'
ઈજાગ્રસ્ત મહિલાના પતિ હાર્દિક ચંદારાણાએ જણાવ્યું હતું કે હું કડિયાવડ વિસ્તારમાં છેલ્લા 12-13 વર્ષથી રહું છું અને કડિયાવડ વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું. આજે સાંજના સમયે મારા પત્ની ઘરથી દુકાન તરફ ચાલીને જઈ રહ્યા હતા. તે સમયે અમારી શેરીની બાજુમાં આવેલી એક અંદાજે 35-40 વર્ષ જૂની જર્જરિત ઇમારતનો ભાગ અચાનક મારા પત્ની પર પડ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેમની સ્થિતિ નાજુક છે. આવતીકાલથી હું મારી દુકાન બંધ રાખીશ અને કડિયાવડના ચાર રસ્તા વચ્ચે ઉપવાસ પર બેસીશ. જો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો હું મારા જીવનું બલિદાન આપવા પણ તૈયાર છું. હું હાથ જોડીને વિનંતી કરું છું કે તંત્ર આ ગરીબ અને સ્લમ વિસ્તારના લોકોની સુરક્ષા સામે જુએ, નહીંતર લોકોની હાય લાગશે. બે વર્ષ અગાઉ બિલ્ડિંગ ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા હતા
આ તંત્રની ઘોર બેદરકારી છે, આટલી જૂની અને ભયજનક ઇમારત હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. બે વર્ષ પહેલા પણ આ જ કડિયાવડમાં આખું બિલ્ડિંગ ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા હતા. તે સમયે પણ તંત્ર દ્વારા કડક પગલાં લેવાની ખાતરી અપાઈ હતી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી. માત્ર કાગળ પર નોટિસો આપીને સંતોષ માની લેતું તંત્ર
આ ઘટનાએ બે વર્ષ પહેલાંની એ ભયાનક યાદો તાજી કરી દીધી છે જ્યારે કડિયાવાડ વિસ્તારમાં જ બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તે સમયે મહાનગરપાલિકાના પદાધિકારીઓએ મોટા મોટા બણગાં ફૂંક્યા હતા કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ, આજની આ ઘટના સાબિત કરે છે કે લોકોના જીવની તંત્રની નજરમાં કોઈ કિંમત નથી. માત્ર કાગળ પર નોટિસો આપીને સંતોષ માની લેતું તંત્ર જમીની સ્તર પર કોઈ કામગીરી કરતું નથી, જેનું પરિણામ આજે નિર્દોષ નાગરિકોએ ભોગવવું પડી રહ્યું છે. બીમાર લોકોને રેકડીમાં નાખીને લઈ જવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે
સ્થાનિક રહીશ ચંદ્રેશ પોપટે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 63 વર્ષથી જૂનાગઢમાં રહે છે અને કડિયાવાડની હાલત જોઈને તેમને દુઃખ થાય છે. તેમણે કહ્યું કે તંત્ર માત્ર નોટિસો આપીને પોતાની જવાબદારી પૂરી કરી લે છે, પરંતુ નક્કર પગલાં લેતું નથી. આખા કડિયાવાડમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, જેના કારણે ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. બીમાર લોકોને રેકડીમાં નાખીને લઈ જવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. નેતાઓ અને વોર્ડના સભ્યોને પ્રજાની પીડામાં કોઈ રસ નથી, તેઓ માત્ર પોતપોતાની જવાબદારીઓ એકબીજા પર ઢોળવામાં જ વ્યસ્ત છે. શું કોઈનો જીવ જવાની રાહ જોવામાં આવે છે?
ડબગર શેરીમાં રહેતા જયશ્રીબેન સોંદરવાએ જણાવ્યું કે, આ દુર્ઘટના તેમના ઘરની બિલકુલ સામે જ બની છે. હાર્દિકભાઈના પત્ની એકતાબેન ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમનો હાથ પણ ભાંગી ગયો છે. તેમણે આક્રોશ સાથે સવાલ કર્યો કે, તંત્ર માત્ર નોટિસો કેમ આપે છે? શું કોઈનો જીવ જવાની રાહ જોવામાં આવે છે? હવે બાળકોના વેકેશન આવી રહ્યા છે, જો તેઓ બહાર રમતા હોય અને આવી કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે સાયકલ લઈને નીકળતા બાળકો પણ વારંવાર પડી જાય છે અને ઈજાગ્રસ્ત થાય છે. ગટર અને પાણીની સુવિધાઓના નામે પણ અહીં શૂન્ય કામગીરી છે. મહિલા હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે
આ સમગ્ર ગંભીર મામલે જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમનો જવાબ પણ ચોંકાવનારો હતો. કમિશનરે જાણે આટલી મોટી ઘટનાનો કોઈ ખ્યાલ જ ન હોય તેમ ખૂબ જ ટૂંકો અને ઉપરછલ્લો જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ આ મામલે તપાસ કરાવીને જણાવશે. કમિશનરના આવા બેજવાબદારભર્યા વલણથી લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. એક બાજુ મહિલા હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને બીજી તરફ તંત્ર હજુ પણ તપાસના બહાના હેઠળ સમય પસાર કરી રહ્યું છે. ઘટના તંત્ર માટે લાલબત્તી સમાન છે
જૂનાગઢનું કડિયાવાડ હાલમાં મોતના ભય નીચે જીવી રહ્યું છે. એક બાજુ જર્જરિત ઇમારતો છે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, તો બીજી બાજુ ખોદાયેલા રસ્તાઓ છે જે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. તંત્રની બેદરકારી, કોર્પોરેટરોની નિષ્ક્રિયતા અને અધિકારીઓની આળસને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે. જો આગામી દિવસોમાં આ જર્જરિત બિલ્ડિંગો ઉતારી લેવામાં નહીં આવે અને રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે, તો કોઈ મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે, અને ત્યારે કદાચ તંત્ર પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ નહીં હોય. આ ઘટના તંત્ર માટે લાલબત્તી સમાન છે અને હવે જોવાનું એ રહે છે કે કમિશનર તપાસના નામે માત્ર સમય કાઢે છે કે કોઈ નક્કર કાર્યવાહી કરે છે.
Read Original Article →