ગલીયાવાડા ગામેથી નકલી ડોક્ટર ઝડપાયો:ગુજરાતમાં નકલી કચેરી અને પોલીસ બાદ હવે મુન્નાભાઈ MBBSની એન્ટ્રી: જૂનાગઢમાં ડિગ્રી વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી કચેરીઓ, નકલી પોલીસ અધિકારીઓ અને નકલી ખાદ્ય સામગ્રી પકડાવાના કિસ્સાઓનો જાણે રાફડો ફાટ્યો છે. રાજ્યમાં ક્યાંક ટોલ નાકા તો ક્યાંક આખી સરકારી કચેરી નકલી ચાલતી હોવાના ચોંકાવનારા ખુલાસાઓ બાદ હવે લોકોના જીવ સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો પણ મેદાનમાં આવ્યા હોય તેમ જણાય છે. ત્યારે જૂનાગઢમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહેલા એક નકલી ડોક્ટરની ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એસઓજીને બાતમી મળી હતી કે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગલીયાવાડા ગામમાં એક ઈસમ કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે સરકારના પ્રમાણપત્ર વગર પ્રાઈવેટ દવાખાનું ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ગલીયાવાડા ગામના હુસેની ચોક વિસ્તારમાં આવેલી એહમદી મસ્જિદ બિલ્ડિંગની નીચે ચાલતી એક શંકાસ્પદ દુકાન પર દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન પોલીસને તબીબી જગતને લાંછન લગાડે અને માનવ જીવન સાથે ચેડા કરતા હોય તેવી નકલી ડોક્ટરની કામગીરી સામે આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, શરીર વલીમામદ સંધાર નામનો પંચાવન વર્ષીય શખ્સ અહીં છેલ્લા કેટલાય સમયથી ડોક્ટર બનીને લોકોની સારવાર કરી રહ્યો હતો. આ ઈસમ પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટે જરૂરી એવી કોઈ પણ પ્રકારની ડિગ્રી કે લાયસન્સ ઉપલબ્ધ નહોતું. આમ છતાં, તે પોતાની ઓળખ એક ડોક્ટર તરીકે આપીને ગરીબ અને અજ્ઞાન લોકોના આરોગ્ય સાથે ગંભીર રમત રમી રહ્યો હતો. પોલીસે જ્યારે તેની પાસે સર્ટીની માંગણી કરી ત્યારે તેની પાસે કોઈ આધારભૂત પુરાવા મળી આવ્યા નહોતા. દરોડા દરમિયાન પોલીસે તે સ્થળ પરથી અલગ-અલગ જાણીતી કંપનીઓની એલોપેથીક દવાઓ, ઇન્જેક્શનો અને મેડિકલ સારવારમાં વપરાતા વિવિધ સાધનો જપ્ત કર્યા છે. કુલ 78 નંગ જેટલી તબીબી સામગ્રી મળીને આશરે નવ હજાર નવસો તોતેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ નકલી ડોક્ટર માત્ર દવાઓ જ નહીં પરંતુ ડિગ્રી વગર દર્દીઓને ઇન્જેક્શનો પણ આપતો હોવાનું ખુલ્યું છે, જે દર્દીના જીવ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
પકડાયેલો આરોપી શરીફ સંધાર મૂળ જૂનાગઢની કેમ્બ્રીજ સોસાયટી, યમુના નગર-1 નો રહેવાસી છે. તેની ધરપકડ બાદ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા અલગ અલગ કમલ તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આ નકલી ડોક્ટર ક્યારથી અહીં પ્રેક્ટિસ કરતો હતો અને અત્યાર સુધીમાં કેટલા દર્દીઓને દવાઓ આપી ચુક્યો છે. આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ કે.એમ. પટેલ અને પી.એસ.આઈ ડી.કે. સરવૈયાની આગેવાનીમાં પોલીસ સ્ટાફના મહેન્દ્ર કુવાડીયા અને જીતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના જવાનો જોડાયા હતા. રાજ્યમાં સતત બહાર આવી રહેલી આ પ્રકારની નકલી પ્રવૃત્તિઓએ સામાન્ય જનતામાં ફફડાટ ફેલાવ્યો છે ત્યારે પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર હાટડીઓ ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં અન્ય કોઈ આવા બોગસ ડોક્ટરો સક્રિય છે કે કેમ તે અંગે પણ પોલીસ સતર્ક બની છે.
Read Original Article →