કોયલાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મમાં 'ભાજપ' લખતા ફોર્મ રદ:​જૂનાગઢમાં ચૂંટણી ફોર્મ ચકાસણીમાં ભારે ઉલટફેર, જગદીશ વિશ્વકર્માના પ્રહાર અને 'આપ'ના આક્ષેપો

Gujarat4/13/2026, 10:40:16 AM
કોયલાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મમાં 'ભાજપ' લખતા ફોર્મ રદ:​જૂનાગઢમાં ચૂંટણી ફોર્મ ચકાસણીમાં ભારે ઉલટફેર, જગદીશ વિશ્વકર્માના પ્રહાર અને 'આપ'ના આક્ષેપો
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયા દરમિયાન અનેક બેઠકો પર ટેકનિકલ ખામીઓ અને વિસંગતતાઓને કારણે રાજકીય પક્ષોના ગણિત બગડ્યા છે. ખાસ કરીને ફોર્મ ભરવામાં થયેલી ગંભીર ભૂલોને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના મુખ્ય ઉમેદવારોના ફોર્મ રદ થતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી અધિકારીઓએ કડક વલણ અપનાવી નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે. ​કોયલાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ ​આજની ચકાસણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ કિસ્સો માણાવદરની 14-કોયલાણા જિલ્લા પંચાયત અને 2-કોયલાણા તાલુકા પંચાયત બેઠક પર જોવા મળ્યો હતો. અહીં કોંગ્રેસના ઉમેદવાર નીતાબેન જેન્તીભાઇ મગરા દ્વારા ફોર્મ ભરવામાં ભયંકર ટેકનિકલ ભૂલ કરવામાં આવી હતી. ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મમાં પક્ષના નામ તરીકે 'ભારતીય જનતા પાર્ટી' લખ્યું હતું, જ્યારે તેની સાથે મેન્ડેટ (પક્ષનું સમર્થન પત્ર) 'કોંગ્રેસ'નું રજૂ કર્યું હતું. આ વિસંગતતા સામે આવતા ચૂંટણી અધિકારીએ આકરું વલણ અપનાવ્યું હતું અને નીતાબેન મગરાનું ઉમેદવારી પત્ર રદ કરી દીધું છે. એક જ ફોર્મમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના નામ જોઈને રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય સાથે ભારે ચર્ચા જાગી છે. કોંગ્રેસ ઉમેદવારના અન્ય બેઠકો પરના ફોર્મ પણ રદ થયા ​જિલ્લા પંચાયતની કણઝા બેઠક પર ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપે જાહેર કરેલા મુખ્ય ઉમેદવાર ભીમાભાઈ ડાંગરનું ફોર્મ એફિડેવિટના અભાવે રદ કરવામાં આવ્યું છે. જોકે, ભાજપ માટે રાહતના સમાચાર એ છે કે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર તેમના પુત્રી કિરણબેન ડાંગરનું ફોર્મ માન્ય રહ્યું છે, જેથી હવે આ બેઠક પરથી કિરણબેન ભાજપના સત્તાવાર ઉમેદવાર ગણાશે. બીજી તરફ, તાલુકા પંચાયતની ખડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજશીભાઈ ચૌહાણનું ફોર્મ સોગંદનામામાં ક્ષતિ હોવાને કારણે રદ કરવામાં આવ્યું છે, જેનાથી કોંગ્રેસને એ સીટ પર ફટકો પડ્યો છે. જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર આકરા પ્રહાર ​એક તરફ ફોર્મ ચકાસણી ચાલતી હતી, ત્યારે બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે હતા. તેમણે અગતરાય, સમઢિયાળા અને ભેંસાણ જેવી જિલ્લા પંચાયત બેઠકો પર 'વિકાસ સંકલ્પ સભા' સંબોધી હતી. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઈન્ચાર્જઓ સાથે બેઠક કરી તેમણે ચૂંટણી વ્યૂહરચના ઘડી હતી અને બલિયાવાડમાં આઈશ્રી દેવલ માના આશીર્વાદ પણ લીધા હતા. સભાઓ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાતના વિકાસને રૂંધવાનું કામ કર્યું છે. તેમણે નર્મદા ડેમના દરવાજાના મુદ્દે કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ માત્ર 17 દિવસમાં દરવાજાની મંજૂરી આપી ખેડૂતોની વેદના દૂર કરી છે. તેમણે ઉમેર્યું કે, "કોંગ્રેસના શાસનમાં આરોગ્ય માટે દાગીના ગીરવે મૂકવા પડતા, જ્યારે આજે આયુષ્માન કાર્ડને કારણે ગરીબોને સુરક્ષા મળી છે." મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ગુજરાતીઓને અપમાનિત કરવાની કોંગ્રેસની માનસિકતાનો જવાબ જનતા આગામી ચૂંટણીમાં આપશે. 'ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ' ​આપના ગંભીર આક્ષેપો ​આ તમામ ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરીયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ભાજપ અને કોંગ્રેસ અંદરખાને એક જ છે અને જનતાને છેતરી રહ્યા છે. કોયલાણા બેઠકનો હવાલો આપતા તેમણે કહ્યું કે, જે રીતે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં ભાજપનું નામ લખાયેલું મળી આવ્યું, તે સાબિત કરે છે કે આ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યાં ભાજપને બિનહરીફ વિજેતા બનાવી હોય ત્યાં કોંગ્રેસ નબળા ઉમેદવાર ઉતારે છે અથવા જાણીજોઈને ફોર્મમાં ભૂલો કરે છે. બોરખતરીયાએ જનતાને આ 'ગઠબંધન'થી સાવધ રહેવા અપીલ કરી છે. આજે જૂનાગઢમાં ફોર્મ ચકાસણીના દિવસે રાજકીય ડ્રામા, આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને વહીવટી પ્રક્રિયાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. હવે મેદાનમાં કોણ બાકી રહે છે તે જોવું રસપ્રદ રહેશે.
Read Original Article →