ડીઝલ માટે કલાકો થી લાંબી લાઈનો:​વાહન ચાલકો અને ખેડૂતો કલાકો થી ડીઝલ લેવા લાઈનમાં ઉભા,ડીઝલના ભાવ વધ્યા પણ રીક્ષા ચાલકોને પેસેન્જર વધુ ભાડું આપતા નથી,

Gujarat5/22/2026, 8:47:06 AM
ડીઝલ માટે કલાકો થી લાંબી લાઈનો:​વાહન ચાલકો અને ખેડૂતો કલાકો થી ડીઝલ લેવા લાઈનમાં ઉભા,ડીઝલના ભાવ વધ્યા પણ રીક્ષા ચાલકોને પેસેન્જર વધુ ભાડું આપતા નથી,
વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અસર હવે સ્થાનિક સ્તરે પણ વર્તાવા લાગી છે. જુનાગઢ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકોમાં આવેલા પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ડીઝલ મેળવવા માટે વાહનચાલકો અને ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કાળઝાળ ગરમી અને ધૂમ તડકાની પરવા કર્યા વગર લોકો કલાકો સુધી પંપ પર લાઈનો લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને રોજનું કમાઈને રોજ ખાતા શ્રમિક વર્ગ અને પોતાના પાક માટે ચિંતિત ખેડૂતો માટે આ સ્થિતિ વધુ કષ્ટદાયક સાબિત થઈ રહી છે. ​શહેરમાં ડીઝલની અછત જેવી સ્થિતિનું નિર્માણ થતાં રિક્ષા ચાલકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. રિક્ષા ચાલકોના જણાવ્યા અનુસાર, અગાઉ ક્યારેય આ પ્રકારે ઇંધણ માટે લાઈનોમાં ઊભા રહેવું પડતું નહોતું, પરંતુ હવે દરરોજ સવારથી જ બે થી ત્રણ કલાક લાઈનમાં વિતાવવા પડે છે જેને કારણે તેમનો રોજિંદો ધંધો પણ ખોરવાઈ રહ્યો છે. એક તરફ ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે, તો બીજી તરફ મુસાફરો જૂના અને મર્યાદિત ભાડામાં જ મુસાફરી આગ્રહ રાખે છે. આ મોંઘવારીમાં પેસેન્જરો પૂરતું ભાડું આપવા તૈયાર ન થતાં રિક્ષા ચાલકો માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ અને પડકારજનક બની ગયું છે. ​બીજી તરફ, ખેતીકામમાં વ્યસ્ત એવા ધરતીપુત્રો પણ પંપ પર પ્લાસ્ટિકના કેરબાઓ લઈને કલાકો સુધી લાઈનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે. ટ્રેક્ટર અને ખેતીના અન્ય સાધનો માટે ડીઝલ ખૂબ જ અનિવાર્ય હોવાથી ખેડૂતો પોતાનો કિંમતી સમય બગાડીને પણ ગરમીમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. જો કે, પેટ્રોલ પંપના સંચાલકો પણ આવી પડેલી આ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતત પ્રયત્નશીલ છે.
Read Original Article →