ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળેલા મહિલા કો કોર્પોરેટરો:બે મહિલા કોર્પોરેટરનો સ્થાનિકોએ ઉધડો લીધો, કડિયાવાળ વિસ્તારમાં ભૂલ ભર્યા કામ થયું હોવાનું બંને મહિલા કોર્પોરેટરે સ્વીકાર્યું,ઢાળની વિરુદ્ધ નીચેથી ઉપર ગટરનું કામ થયું હોવાનો ખુલાસો

Gujarat4/9/2026, 2:21:35 PM
ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા નીકળેલા મહિલા કો કોર્પોરેટરો:બે મહિલા કોર્પોરેટરનો સ્થાનિકોએ ઉધડો લીધો, કડિયાવાળ વિસ્તારમાં ભૂલ ભર્યા કામ થયું હોવાનું બંને મહિલા કોર્પોરેટરે સ્વીકાર્યું,ઢાળની વિરુદ્ધ નીચેથી ઉપર ગટરનું કામ થયું હોવાનો ખુલાસો
​જૂનાગઢ મહાનગરપાલિકામાં 'ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા' જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવા રોડ રસ્તા ફરી ગટરના કામો માટે તોડવામાં આવી રહ્યા છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં ગટર અને રોડના કામમાં થયેલી ગંભીર ગેરરીતિઓ સામે આવતા સ્થાનિક રહીશોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર અને મહિલા કોર્પોરેટર ચંદ્રિકા રાખસીયાનો ભારે ઉધડો લીધો હતો. આશ્ચર્યજનક રીતે, આ વિસ્તારમાં ગટરના ભૂંગળાનો ઢાળ કુદરતી પ્રવાહથી વિરુદ્ધ એટલે કે નીચેથી ઉપર તરફ રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના આક્રોશ સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી હતી અને સ્વીકાર્યું હતું કે કામમાં ખામી રહી ગઈ છે. અધિકારીઓની આવડત અને એસી કેબિનમાં બેસી રહેતા પદાધિકારીઓની બેદરકારીને કારણે પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે, જેના કારણે આગામી ચોમાસામાં શહેર જળબંબોળ થવાની ભીતિ સેવાઈ રહી છે. ​જૂનાગઢ શહેરમાં હાલ વિકાસના નામે કરોડો રૂપિયાના આંધણ થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કામોમાં આયોજનનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈન નાખ્યા બાદ રોડ બનાવવામાં આવે છે અને પછી ફરીથી તે જ રોડ તોડીને ગટરનું કામ કરવામાં આવે છે. આ પ્રકારની અંધેર વહીવટની નીતિ સામે આજે કડિયાવાડ વિસ્તારમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર અને કોર્પોરેટર ચંદ્રિકા રાખસીયા સ્થળ મુલાકાતે આવ્યા ત્યારે સ્થાનિકોએ તેમને સવાલોના ઘેરામાં લીધા હતા. ત્યારે આ કામમાં ભૂલ થઈ હોવાના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ ફરી તોડાશે. લોકોએ આક્ષેપ કર્યો હતો કે ગટરના કામમાં લોટ, પાણી અને લાકડા કરવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારના એન્જિનિયરિંગ માપદંડ જળવાયા નથી. આ પરિસ્થિતિમાં જ્યારે પલ્લવી ઠાકરે પોતાના સાથી કોર્પોરેટરને પૂછ્યું કે શું ખરેખર ઊંધા ઢાળમાં કામ થયું છે, ત્યારે ચંદ્રિકાબેને પણ તે વાત સ્વીકારી હતી. આ ઘટના સાબિત કરે છે કે સત્તાધારી પક્ષના પદાધિકારીઓને પોતાના જ મતવિસ્તારમાં શું કામગીરી થઈ રહી છે તેની પણ ખબર નથી અને તેઓ માત્ર કાગળ પર સહીઓ કરી રહ્યા છે. ​સ્થાનિક રહીશો અને પદાધિકારીઓ વચ્ચે થયેલા તીખા સંવાદમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. એક જાગૃત નાગરિકે જ્યારે ચેરમેનને પૂછ્યું કે પાણી ઉપરથી નીચે આવે કે નીચેથી ઉપર જાય, ત્યારે ચેરમેને સ્વાભાવિક રીતે જવાબ આપ્યો કે ઉપરથી નીચે આવે. આ જવાબ બાદ નાગરિકે જ્યારે ખુલાસો કર્યો કે કોન્ટ્રાક્ટરે ગટરના ભૂંગળાનું ફિટિંગ નીચેથી ઉપર તરફ કર્યું છે, ત્યારે ચેરમેન નિરુત્તર થઈ ગયા હતા. લોકોએ રોષે ભરાઈને કહ્યું હતું કે એન્જિનિયરોને કોઈ ગતાગમ નથી કે ઢાળ કઈ રીતે આપવો. પબ્લિકની સુવિધા માટે બનાવવામાં આવેલા રોડ એટલા ઊંચા કરી દેવામાં આવ્યા છે કે લોકોની ડેલીઓ અને ઘરો અંદર દબાઈ ગયા છે. માધવ નિવાસ જેવા વિસ્તારોમાં લેવલિંગ વગર કામ થતા લોકો માટે પોતાના ઘરમાં જવું પણ મુશ્કેલ બન્યું છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે કોર્પોરેશનના વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચાવડા અને અન્ય તકનીકી સ્ટાફની લાલયાવડી છતી થઈ છે.ત્યારે આ સમગ્ર બાબત પરથી જુનાગઢ મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. ​ચર્ચા દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થાનિકોના પ્રશ્નોથી બચવા લોકોને એમ પણ કહ્યું હતું કે અમે તો પ્રયત્ન કરીએ છીએ કે તમને તકલીફ ન પડે, પરંતુ લોકોએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે એક પણ કામ એવું નથી જેમાં પ્રજાને હેરાન ન થવું પડતું હોય. પલ્લવી ઠાકરે એવું પણ નિવેદન આપ્યું હતું કે જ્યારે ગ્રાન્ટ ફાળવાય અને ઓર્ડર થાય ત્યારે જ કામ થાય, પરંતુ લોકોએ સવાલ કર્યો હતો કે જો કામ જ મોડું અને ખામીયુક્ત થતું હોય તો એવી ગ્રાન્ટનો શું અર્થ ? ચેરમેને પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે આ કામમાં ભૂલ થઈ છે અને તેઓ હમણાં જ એન્જિનિયરને બોલાવીને આ રસ્તો તોડી ફરીથી કરાવશે. જોકે, પ્રશ્ન એ થાય છે કે એક વાર પ્રજાના ટેક્સના પૈસા વપરાઈ ગયા બાદ ફરીથી તોડફોડ કરવાથી જે નુકસાન થાય છે તેની જવાબદારી કોની રહેશે ? ​કોર્પોરેટર ચંદ્રિકા રાખસીયાએ પણ કબૂલ્યું હતું કે ઊભા રોડમાં પણ ઘણી ફરિયાદો મળી છે અને તેઓ પોતે જ તે જોવા માટે આવ્યા છે. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરોની મનમાની વિશે પણ ફરિયાદ કરી હતી કે સવારે જ્યારે માલ ઢીલો હોવાની વાત કરવામાં આવી ત્યારે પણ કોન્ટ્રાક્ટરે ધ્યાન આપ્યું નહોતું. જૂનાગઢમાં જે પ્રકારે ગટર અને રોડના કામમાં લોલમલોલ ચાલી રહ્યું છે તે જોતા આગામી ચોમાસામાં શહેરની ગટર લાઈનો ઉભરાશે અને રસ્તાઓ બેસી જશે તેવી પૂરેપૂરી શક્યતા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જાહેરમાં ભૂલનો સ્વીકાર કરવો એ તો માત્ર એક કિસ્સો છે. પરંતુ સમગ્ર શહેરમાં આ જ પ્રકારની નબળી કામગીરી થઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતને કારણે કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે અને પ્રજાની સુખાકારીના નામે માત્ર આંકડાકીય માયાજાળ રચી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ જણાય છે. આ ઘટના બાદ હવે જોવાનું એ રહેશે કે જૂનાગઢ મહાનગરપાલિકા ખરેખર કોઈ નક્કર પગલાં લે છે કે પછી માત્ર વાતોના વડા કરીને ભીનું સંકેલી લેવામાં આવે છે. જ્યારે સમગ્ર મામલા પરથી તો લાગી રહ્યું છે કે જુનાગઢ હવે મહાનગરપાલિકાના નહીં પરંતુ ગિરનારીના ભરોસે છે. કારણકે કરોડો રૂપિયાના કામ માત્ર કાગળ પર અને સુવિધા શૂન્ય જોવા મળી રહી છે.
Read Original Article →