થેલેસેમિયા પીડિત બાળકો માટે વિનામૂલ્યે એચ.એલ.એ. ટેસ્ટિંગ કેમ્પ:જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષ સુધીના થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રૂ. 16,000ની કિંમતનો HLA ટેસ્ટ તદ્દન મફત કરી અપાશે: 20 જૂન સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત

Gujarat6/10/2026, 10:00:41 AM
થેલેસેમિયા પીડિત બાળકો માટે વિનામૂલ્યે એચ.એલ.એ. ટેસ્ટિંગ કેમ્પ:જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષ સુધીના થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રૂ. 16,000ની કિંમતનો HLA ટેસ્ટ તદ્દન મફત કરી અપાશે: 20 જૂન સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત
​જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) જુનાગઢ, થેલેસેમિક્સ ગુજરાત અને સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી થેલેસેમિયા અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અંગેની માહિતી તેમજ એચ.એલ.એ. (HLA) ટેસ્ટ માટેના એક વિશેષ કેમ્પનું આયોજન આગામી 6 જુલાઈના રોજ કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 17 વર્ષ સુધીની ઉંમરના તમામ થેલેસેમિયા પીડિત બાળકો, તેમના સગા ભાઈ-બહેન અને વાલીઓનો ટેસ્ટ તદ્દન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. બજારમાં અંદાજે રૂ. 15,000 થી 16,000ની કિંમત ધરાવતો આ ટેસ્ટ અહીં મફત થવાનો હોવાથી દર્દીઓએ 20 જૂન 2026 પહેલા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ કાર્યક્રમ જુનાગઢ સિવિલ હોસ્પિટલના બીજા માળે આવેલા રૂમ નંબર 209ના લેક્ચર હોલ ખાતે યોજાશે. ​સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને નિયમિત રીતે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી હોય છે. આવા બાળકો તદ્દન સામાન્ય અને ગુણવત્તાસભર જીવન જીવી શકે તે માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનની સર્જરી કરાવવી પડતી હોય છે. આ સર્જરી કરાવતા પહેલા હ્યુમન લ્યુકોસાઇટિક એન્ટિજન એટલે કે HLA ટેસ્ટિંગ કરાવવું અત્યંત ફરજિયાત છે. ખાનગી લેબોરેટરીઓમાં આ ટેસ્ટ ઘણો મોંઘો થતો હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સિવિલ હોસ્પિટલ ખાતે આ વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. કૃતાર્થ બ્રહ્મભટ્ટે વધુમાં તમામ વાલીઓને નમ્ર અપીલ કરી છે કે તેઓ સમયસર રજીસ્ટ્રેશન કરાવી આ કેમ્પનો મહત્તમ લાભ લે. ​આ કેમ્પ માત્ર ટેસ્ટ પૂરતો મર્યાદિત નથી, પરંતુ અહીં વાલીઓને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનની સર્જરી ક્યાં અને કેવી રીતે થાય છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત થેલેસેમિક બાળકો કઈ રીતે તંદુરસ્ત જીવન જીવી શકે, જો પરિવારમાં એક બાળક થેલેસેમિયા મેજર હોય તો બીજા બાળકના જન્મના પ્લાનિંગ વખતે કઈ સાવચેતી રાખવી તેમજ થેલેસેમિયા મેજર દર્દીઓ માટે સરકાર તરફથી ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને સહાયની વિગતવાર માહિતી પણ પૂરી પાડવામાં આવશે. ​આ કેમ્પના આયોજકો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે દર્દીઓએ ભૂતકાળમાં HLA ટેસ્ટ કરાવી લીધેલો છે, તેઓએ ફરીથી આ ટેસ્ટ કરાવવાની જરૂર નથી કારણ કે આ રિપોર્ટ જીવનભર એક જ સરખો રહે છે. જો કે, અગાઉ ટેસ્ટ કરાવેલા દર્દીઓ પણ આ માર્ગદર્શન કાર્યક્રમમાં ભાગ લઈ શકશે, પરંતુ તેમણે પણ રજીસ્ટ્રેશન કરાવીને પોતાના બાળક અને પરિવારનો જૂનો રિપોર્ટ સાથે લાવવાનો રહેશે. આ કેમ્પ માત્ર થેલેસેમિયાના દર્દીઓ પૂરતો જ મર્યાદિત રાખવામાં આવ્યો છે.
Read Original Article →