જૂનાગઢ ભાજપમાં ટિકિટ ફાળવણીમાં મન'સુખ'માં છબરડો:લિસ્ટમાં નામ હોવા છતાં મનસુખ વઘેરાને ફોર્મ ન ભરવા દીધું, અનિચ્છાએ બીજા મનસુખભાઈ પાસે ઉમેદવારી કરાવાઈ

Gujarat4/11/2026, 4:41:33 PM
જૂનાગઢ ભાજપમાં ટિકિટ ફાળવણીમાં મન'સુખ'માં છબરડો:લિસ્ટમાં નામ હોવા છતાં મનસુખ વઘેરાને ફોર્મ ન ભરવા દીધું, અનિચ્છાએ બીજા મનસુખભાઈ પાસે ઉમેદવારી કરાવાઈ
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે સત્તાધારી ભાજપ પક્ષમાં ટિકિટ ફાળવણીને લઈને એક મોટો છબરડો સામે આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. જિલ્લા પંચાયતની વડાલ બેઠક પર ઉમેદવારી નોંધાવવા ગયેલા પક્ષના નિષ્ઠાવાન કાર્યકર મનસુખભાઈ ડાયાભાઈ વઘેરાને અંતિમ ઘડીએ ફોર્મ ભરતા અટકાવવામાં આવતા કાર્યકરોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. યાદીમાં નામ હોવા છતાં કાર્યકરની બાદબાકી મનસુખભાઈ ડાયાભાઈ વઘેરા છેલ્લા 18 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે અને ચાર ટર્મ સુધી પક્ષના વિવિધ હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે. પ્રદેશ સ્તરેથી જાહેર થયેલી સત્તાવાર યાદીમાં વડાલ બેઠક માટે તેમનું નામ સ્પષ્ટપણે હોવા છતાં જ્યારે તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક સ્તરે મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સાથેની મુલાકાત દરમિયાન તેમને જણાવવામાં આવ્યું કે, લિસ્ટમાં નામ ભલે હોય પરંતુ પક્ષ હવે અન્ય મનસુખભાઈ રાણાભાઈ વઘેરાને ટિકિટ આપવા માંગે છે. અનિચ્છાએ અન્ય ઉમેદવારની પસંદગી સ્થાનિક નેતાગીરીએ વડાલ ગામના ભૌગોલિક સમીકરણોનું બહાનું ધરીને મનસુખભાઈ રાણાભાઈ વઘેરાને મેન્ડેટ આપવાનો નિર્ણય કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, રાણાભાઈએ ક્યારેય ચૂંટણી લડવાની દાવેદારી કરી નહોતી. મનસુખભાઈ ડાયાભાઈના જણાવ્યા મુજબ, રાણાભાઈએ પોતે સ્વીકાર્યું હતું કે તેમને ચૂંટણી લડવામાં કોઈ રસ નથી અને જો ડાયાભાઈને ટિકિટ મળતી હોય તો તેઓ ઉમેદવારી કરવા માંગતા નથી આમ છતાં, પક્ષના દબાણવશ તેમની પાસે પરાણે ફોર્મ ભરાવવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કાર્યકરોમાં છુપો રોષ મનસુખભાઈ ડાયાભાઈએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, પ્રદેશ સ્તરની યાદીમાં નામ હોવા છતાં છેલ્લી ઘડીએ ફોર્મ ભરતા અટકાવવા તે કાર્યકરના મનોબળને તોડનારી પદ્ધતિ છે. બીજી તરફ રાણાભાઈએ પણ આ ઘટનાને પ્રિન્ટ મિસ્ટેક અથવા સ્થાનિક વગદારોની જીદનું પરિણામ ગણાવ્યું છે. મુખ્ય મુદ્દાઓ જે વિવાદનું કારણ બન્યા: નામનો છબરડો: બંને ઉમેદવારોના નામ 'મનસુખભાઈ' હોવાથી પ્રદેશ યાદી અને સ્થાનિક મેન્ડેટ વચ્ચે ગૂંચવણ ઊભી થઈ. જૂથવાદની શંકા: પ્રદેશ સમિતિએ નક્કી કરેલું નામ સ્થાનિક સ્તરે કેવી રીતે બદલાઈ શકે તે મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. અનિચ્છા છતાં ઉમેદવારી: જે કાર્યકર લડવા માંગે છે તેનું નામ કપાયું અને જેમને રસ નથી તેમને જબરદસ્તીથી ટિકિટ સોંપાઈ. ભાજપ જેવા શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં આ પ્રકારનો છબરડો હવે જિલ્લાના રાજકારણમાં 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો છે. પક્ષના પાયાના કાર્યકરોમાં આ ઘટનાને લઈને અંદરખાને ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેની અસર આગામી મતદાન પર પડી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
Read Original Article →