જૂનાગઢ જિ.પં.ના પૂર્વ ચેરમેન દંપતીએ ભાજપનો છેડો ફાડી AAPમાં જોડાશે:ટિકિટ વિતરણ અને આંતરિક જૂથવાદને લઈ સંગઠન સામે ગંભીર આક્ષેપો, ઓડિયો રેકોર્ડિંગ અને પુરાવા હોવાનો દાવો
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષની જ્વાળાઓ સપાટી પર આવી છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સાકરબેન દિવરાણીયા અને તેમના પતિ અર્જણભાઈ દિવરાણીયાએ ભાજપના સંગઠન સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. વર્ષોની વફાદારી બાદ પણ પક્ષમાં થયેલી અવગણનાને કારણે આ દંપતી હવે આમ આદમી પાર્ટી (AAP) તરફ પ્રયાણ કરી રહ્યું છે. સાકરબેન ધંધુસર બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય વિનોદ બુસા અને જોલીત બુસા આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરી સાસણ બેઠક પરથી ચૂંટણી લડવાની શક્યતા છે જેનાથી આ બેઠક પરનો જંગ રસપ્રદ બન્યો છે. અરજણભાઈ દિવરાણીયાના ભાજપ પર ગંભીર આક્ષેપો
પૂર્વ ચેરમેનના પતિ અને પક્ષના પાયાના કાર્યકર્તા ગણાતા અર્જણભાઈ દિવરાણીયાએ પક્ષ છોડતી વખતે સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ 1995માં કેશુભાઈ પટેલના સમયથી એટલે કે માત્ર 16 વર્ષની ઉંમરથી ભાજપમાં સક્રિય હતા. તેમની પાસે તે સમયની 5 રૂપિયાની સભ્ય ફીની પહોંચ પણ હજુ સચવાયેલી છે. ઓડિયો રેકોર્ડિંગ અને પુરાવા હોવાનો દાવો કર્યો
તેમણે પક્ષની આંતરિક કાર્યપ્રણાલી પર પ્રહાર કરતા કહ્યું કે, 2024ના જિલ્લા પંચાયતના બજેટ બોર્ડ વખતે પક્ષના જ કેટલાક નેતાઓએ તેમને હાજર ન રહેવા સૂચના આપી હતી. ભાજપ પાસે 30 માંથી 25 સભ્યોની સ્પષ્ટ બહુમતી હોવા છતાં, માત્ર 11 સભ્યોની હાજરીમાં વિરોધ પક્ષ કોંગ્રેસના 5 સભ્યોનો ટેકો લઈને બજેટ પસાર કરવાની જે નીતિ અપનાવાઈ, તેનાથી તેઓ વ્યથિત છે. આ અંગેના ઓડિયો રેકોર્ડિંગ અને પુરાવા હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. ભાજપે ધંધુસર બેઠક માટે સોનલબેનને મેદાનમાં ઉતાર્યા
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, ધંધુસર બેઠક પર ટિકિટ ન મળતા આ નારાજગી ઉભી થઈ છે. ભાજપે ધંધુસર બેઠક માટે સોનલબેન દિવરાણીયાને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ, સાકરબેન અને અર્જણભાઈનું માનવું છે કે પક્ષમાં વફાદાર કાર્યકર્તાઓને બદલે આયાતી અથવા ચોક્કસ જૂથના લોકો પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. ખાસ કરીને શાપુર બેઠક પર ઇન્દુબેન ભરતભાઈ ચાવડાની પસંદગી પણ ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેમના પતિ ભરતભાઈ ચાવડા 2020-25 દરમિયાન કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપે જાહેર કરેલા મુખ્ય ઉમેદવારોની યાદી
જૂનાગઢ જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે 'કમલમ' (ગાંધીનગર) થી ઉમેદવારોને ફોન દ્વારા જાણ કરવામાં આવી છે, જે મુજબ મુખ્ય ઉમેદવારો નીચે મુજબ છે. સેવાકીય પ્રવૃત્તિઓ અને ભવિષ્યની રણનીતિ
અર્જણભાઈ દિવરાણીયાએ ઉમેર્યું કે, તેઓ માત્ર રાજકારણ માટે નહીં પણ જનસેવા માટે મેદાનમાં છે. 2001થી 'દાતાર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ'ની સ્થાપના કરીને તેમણે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત છે. હવે જ્યારે સાકરબેન 'આપ' માંથી ધંધુસર બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમને પંથકની જનતાના આશીર્વાદ મળશે તેઓ અતૂટ વિશ્વાસ છે.
Read Original Article →