ડો.બાબાસાહેબની જન્મજયંતિએ સર્જાશે સમરસતાનો સંગમ:જૂનાગઢમાં ભીમ જન્મોત્સવ નિમિત્તે ઐતિહાસિક મહારેલી: એસસી, એસટી, ઓબીસી અને મુસ્લિમ સમાજ બંધારણના રક્ષણ માટે એક જ મંચ પર આવશે

Gujarat4/7/2026, 10:52:01 AM
ડો.બાબાસાહેબની જન્મજયંતિએ સર્જાશે સમરસતાનો સંગમ:જૂનાગઢમાં ભીમ જન્મોત્સવ નિમિત્તે ઐતિહાસિક મહારેલી: એસસી, એસટી, ઓબીસી અને મુસ્લિમ સમાજ બંધારણના રક્ષણ માટે એક જ મંચ પર આવશે
​જૂનાગઢની પવિત્ર અને ઐતિહાસિક ધરતી પર આગામી 14 મી એપ્રિલના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એક અભૂતપૂર્વ અને યાદગાર ક્ષણ સર્જાવા જઈ રહી છે.આ વર્ષે બાબાસાહેબની શોભાયાત્રા માત્ર એક ઉત્સવ પૂરતી સીમિત ન રહેતા, સામાજિક ન્યાય, સમાનતા અને ભાઈચારાનો એક મજબૂત મંત્ર બનીને ઉભરી આવશે. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે જ્યારે દલિત, પછાત અને લઘુમતી સમાજના લોકો ખભેખભા મિલાવીને એકતા અને સમરસતાનો સંદેશ આપવા માટે રસ્તા પર ઉતરશે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંવિધાનના મૂલ્યોનું જતન કરવું અને સમાજમાં વ્યાપ્ત અસમાનતા સામે એક થઈને અવાજ બુલંદ કરવાનો છે. ​આ ભવ્ય શોભાયાત્રાના સુચારુ આયોજન અને રણનીતિ ઘડવા માટે તાજેતરમાં કેવડાવાડી સ્થિત ડૉ. ભીમરાવ આંબેડકર છાત્રાલય ખાતે એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. જેમાં મહાનગરપાલિકાના કોર્પોરેટર હસમુખભાઈ (ખોડાભાઈ) મકવાણા, જાણીતા એડવોકેટ અશોકભાઈ સોલંકી, ઓબીસી સમાજના પ્રખર નેતા બટુકભાઈ મકવાણા, મુસ્લિમ સમાજના આગેવાન સુહેલભાઈ સિદ્દીકી અને મધુર સોશિયલ ગ્રુપના સલીમભાઈ ગુજરાતી સહિતના અગ્રણીઓએ હાજર રહીને આ યાત્રાને સફળ બનાવવા માટેના સૂચનો આપ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત તમામ લોકોએ એકસૂરે સ્વીકાર્યું હતું કે વર્તમાન સમયમાં બંધારણીય અધિકારોના રક્ષણ માટે તમામ પછાત અને લઘુમતી વર્ગોનું એક મંચ પર આવવું અનિવાર્ય છે. ​ આ યાત્રાનો પ્રારંભ કેવડાવાડી ખાતે આવેલા ડૉ. ભીમરાવ આંબેડકર છાત્રાલયથી કરવામાં આવશે. પ્રારંભ પૂર્વે બાબાસાહેબની પ્રતિમાને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ આ રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ચિત્તાખાના ચોક અને આઝાદ ચોક થઈને પસાર થશે. આ સમગ્ર માર્ગ પર વિવિધ મંડળો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રાનું અંતિમ મુકામ કાળવા ચોક રહેશે, જ્યાં બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરી મહાઆરતી અને વિશિષ્ટ સંકલ્પ સાથે યાત્રાનું સમાપન કરવામાં આવશે. ​અનુસૂચિત જાતિના અગ્રણી એડવોકેટ અશોક સોલંકીએ જણાવ્યું હતું કે, કોર્પોરેટર હસમુખભાઈ મકવાણાએ જે વિચાર રજૂ કર્યો છે તે ખરેખર ઉમદા અને સમયની માંગ છે. તેમણે કહ્યું કે જૂનાગઢમાં આપણે એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમાજના લોકોએ સાથે મળીને એક મહારેલીનું આયોજન કરવાનો જે નિર્ધાર કર્યો છે, તે આપણા સૌના સમાન પ્રશ્નોના નિરાકરણ માટેનો પ્રથમ સોપાન છે. આપણે એકબીજાને સહકાર આપીશું તો જ આપણા હક અને અધિકારોનું રક્ષણ કરી શકીશું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ લડત માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ આપણા બંધારણીય હકોને બચાવવા માટેની એક મોટી ચળવળનો ભાગ છે, જેમાં તમામ ભાઈ-બહેનોએ જોડાવું જોઈએ. ​મહાનગરપાલિકાના કોર્પોરેટર હરસુખભાઈ મકવાણાએ પણ તમામ જ્ઞાતિજનોને જાહેર આમંત્રણ આપતા જણાવ્યું હતું કે 14 મી એપ્રિલ એ માત્ર એક વ્યક્તિનો જન્મદિવસ નથી પણ કરોડો વંચિતો માટે આશાનું કિરણ છે. તેમણે "જય ભીમ, નમો બુદ્ધાય" ના નારા સાથે અપીલ કરી હતી કે આ વર્ષે અમે તમામ સમાજને સાથે લઈને રેલીનું આયોજન કર્યું છે. કેવડાવાડી છાત્રાલયથી શરૂ થનારી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને બાબાસાહેબના વિચારોને જન-જન સુધી પહોંચાડે તેવી મારી નમ્ર વિનંતી છે. આ આયોજન થકી આપણે સાબિત કરીશું કે જૂનાગઢનો દલિત અને ઓબીસી સમાજ હવે જાગૃત થયો છે. ​લઘુમતી સમાજના અગ્રણી સોહિલ સિદકીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશના બંધારણ ઉપર કોઈ પણ પ્રકારની આંચ કે કટોકટી આવતી હોય, ત્યારે દેશના જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે બહાર આવીએ.આ મહારેલીનો મુખ્ય હેતુ સમસ્ત સમાજની એકતા અને અખંડિતતા જાળવી રાખવાનો છે. જો આપણે એક હશું તો જ બંધારણ સુરક્ષિત રહેશે. ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકોને અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, માઈનોરિટી સમાજે આ રેલીમાં મહત્તમ સંખ્યામાં જોડાઈને સામાજિક એકતાના આ યજ્ઞમાં પોતાની આહુતિ આપવી જોઈએ. આ યાત્રા માત્ર કોઈ એક જ્ઞાતિ કે ધર્મની નહીં, પરંતુ બંધારણમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા દરેક લોકોની યાત્રા બની રહેશે. શહેરના દરેક ખૂણેથી આવનારા લોકો કાળવા ચોક ખાતે જ્યારે એકત્ર થશે, ત્યારે તે દ્રશ્ય જૂનાગઢની ગંગા-જમના સરસ્વતી તહઝીબ અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ પૂરું પાડશે. આયોજકો દ્વારા લોકોને શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આહવાન કરવામાં આવ્યું છે.
Read Original Article →