યુવક પર હુમલો,પોલીસ ફરિયાદ ન નોંધાતા આત્મવિલોપનની ચીમકી.:જુનાગઢના મધુરમમાં લાઈટ રિપેરિંગ બાબતે એપાર્ટમેન્ટના રહીશોએ યુવકને ઢોર માર માર્યો,સીસીટીવી વાયરલ,ફરિયાદ નહીં નોંધાય તો ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી,પીઆઈએ કહ્યું- 'વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરાશે'.

Gujarat6/4/2026, 3:41:41 PM
યુવક પર હુમલો,પોલીસ ફરિયાદ ન નોંધાતા આત્મવિલોપનની ચીમકી.:જુનાગઢના મધુરમમાં લાઈટ રિપેરિંગ બાબતે એપાર્ટમેન્ટના રહીશોએ યુવકને ઢોર માર માર્યો,સીસીટીવી વાયરલ,ફરિયાદ નહીં નોંધાય તો ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી,પીઆઈએ કહ્યું- 'વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરાશે'.
જુનાગઢના મધુરમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર હાલ એક સીસીટીવી ફૂટેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક યુવકને કેટલાક લોકો નિર્દયતાથી માર મારી રહ્યા હોવાનું દેખાય છે. આ સમગ્ર મામલો મધુરમ વિસ્તારમાં આવેલા ગિરીકંદરા એપાર્ટમેન્ટનો છે. અહીં રહેતા ધવલ ખાવડું નામના યુવકના ઘરની લાઈટ જતાં, તેણે ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યો હતો. મીટર રૂમ બંધ હોવાથી વંડી કૂદીને કામ શરૂ કરાવતા જ એપાર્ટમેન્ટના રહીશો ઉશ્કેરાયા હતા અને યુવકને ગંભીર માર માર્યો હતો. હુમલાની આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ​ભોગ બનનાર યુવકની આપવીતી અને ગંભીર આક્ષેપો ભોગ બનનાર ધવલભાઈએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે પહેલી તારીખે મારા ઘરની લાઈટ જતી રહી હતી. હું નીચે મીટર રૂમ ચેક કરવા ગયો તો ત્યાં તાળું મારેલું હતું. મેં ચાવી માટે સોસાયટીના સભ્યોને વારંવાર ફોન કર્યા પણ કોઈએ સહકાર આપ્યો નહીં. જેથી બીજી તારીખે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ મેં વાયરિંગ ચેક કરવા માટે બહારથી ઇલેક્ટ્રિકલ કારીગરને બોલાવ્યો હતો. કારીગરે મીટર રૂમની વંડી કૂદીને તપાસ શરૂ કરી એટલામાં સોસાયટીના એક વ્યક્તિએ આવીને માથાકૂટ શરૂ કરી દીધી હતી.તે વ્યક્તિએ ફોન કરીને અન્ય લોકોને બોલાવી લીધા અને જોતજોતામાં 10 થી 12 લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. આ ટોળાએ મને બેફામ માર મારવાનું શરૂ કર્યું. મેં તાત્કાલિક મારા માતા-પિતાને ફોન કરીને બોલાવ્યા તો આ લોકોએ તેમની સાથે પણ ભારે ગાળાગાળી કરી હતી. આ ઘટનાથી મને એટલો આઘાત લાગ્યો કે મેં ગભરામણ અને દુઃખમાં આવીને મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ​પોલીસની ઢીલી કામગીરી અને આત્મવિલોપનની ચીમકી યુવકે સી ડિવિઝન પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે હોસ્પિટલમાં દાખલ થયાના 24 કલાકથી વધુ સમય વીતી જવા છતાં કોઈ ફરિયાદ લેવા આવ્યું નહોતું. બાદમાં એક મહિલા હેડ કોન્સ્ટેબલ આવ્યા અને નિવેદન નોંધ્યું, પણ ગુનો ગંભીર હોવાનું કહીને અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળતા રહ્યા. યુવકે આક્ષેપ કર્યો છે કે આ લોકો તેને ફ્લેટ ખાલી કરાવીને મકાન પડાવી લેવા અથવા 50,000 રૂપિયા પડાવવા માટે માનસિક ટોર્ચર કરી રહ્યા છે. તેના ખિસ્સામાંથી પૈસા પણ લૂંટી લેવાયા છે. ઉના રહેતા તેના મોટા બહેને કંટ્રોલ રૂમમાં વારંવાર રજૂઆત કરી તો તેમને એસપી કે ડીએસપી સાહેબને મળવા જવાનું કહી દેવાયું. યુવકે ચીમકી ઉચ્ચારી છે કે, પોલીસે માત્ર નિવેદન લીધું છે, જો કડક પગલાં ભરીને એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો તે સી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે જ આત્મવિલોપન કરશે. ​સામેના પક્ષની રજૂઆત અને પોલીસનું નિવેદન આ સમગ્ર ગંભીર મામલે જુનાગઢ સી ડિવિઝનના પીઆઇ પી. પી. જા સાથે વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ માથાકૂટ થઈ તેના એક દિવસ અગાઉ એપાર્ટમેન્ટના રહીશોએ પણ આ યુવક વિરુદ્ધ પોલીસમાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ આ વિવાદ વધુ વકર્યો છે. જોકે, હાલ સીસીટીવી ફૂટેજ અને બંને પક્ષની રજૂઆતોને આધારે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ ચલાવવામાં આવી રહી છે, અને તપાસના અંતે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →