જૂનાગઢમાં એડવોકેટ અને યુવતી વચ્ચે પ્રેમ, હનીટ્રેપ ને દુષ્કર્મનું ચક્રવ્યૂહ:'કેસમાં મદદના બહાને શરીરે બચકા ભર્યાં', સાયબર ક્રાઈમના કેસમાં યુવતી પકડાઈ ને સંપર્કમાં આવી ને ખેલ શરૂ થયો

Gujarat5/15/2026, 12:28:22 PM
જૂનાગઢમાં એડવોકેટ અને યુવતી વચ્ચે પ્રેમ, હનીટ્રેપ ને દુષ્કર્મનું ચક્રવ્યૂહ:'કેસમાં મદદના બહાને શરીરે બચકા ભર્યાં', સાયબર ક્રાઈમના કેસમાં યુવતી પકડાઈ ને સંપર્કમાં આવી ને ખેલ શરૂ થયો
જૂનાગઢ શહેરમાં એડવોકેટ અને એક યુવતી વચ્ચે પ્રેમ, હનીટ્રેપ ને દુષ્કર્મના ચક્રવ્યૂહનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વકીલે યુવતી પર હનીટ્રેપનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો સામે પક્ષે યુવતીએ વકીલ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સાયબર ક્રાઈમના કેસથી બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો ​ઘટનાની વિગતવાર વિગતો મુજબ જૂનાગઢ કોર્ટમાં વકીલાત કરતા અને ઈવનગરમાં રહેતા એડવોકેટ ભરત ચાવડાએ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક યુવતી તેમજ તેના પરિવારના સભ્યો વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. વકીલના જણાવ્યા અનુસાર, વર્ષ 2021માં આ યુવતી સાયબર ક્રાઈમના એક કેસમાં પકડાઈ હતી ત્યારે તેઓ તેના કાનૂની વકીલ બન્યા હતા. આ કાનૂની કામકાજ દરમિયાન બંને વચ્ચે પરિચય વધ્યો અને સમય જતાં તે પ્રેમસંબંધમાં પરિણમ્યો હતો. પરંતુ સમય પસાર થતાં બંને વચ્ચેના સંબંધો વણસ્યા હતા. 'પ્રેમની આડમાં હનીટ્રેપ અને બ્લેકમેઈલિંગ' એ બાદ યુવતીએ વકીલને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. વકીલનો આક્ષેપ છે કે યુવતીએ અંગત સંબંધોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. આ ધમકીઓ આપીને તેણે વકીલ પાસેથી બળજબરીપૂર્વક 30,000 રૂપિયા રોકડા પડાવી લીધા હતા. 5 લાખની માગ કરતા પોલીસના શરણે વકીલ આટલેથી ન અટકતા યુવતીએ વધુ 5,00,000 રૂપિયાની માંગણી કરી હતી અને કોર્ટ લોબીમાં તેમજ વકીલના ઘર પાસે આવીને જાહેરમાં હોબાળો મચાવ્યો હતો. આ સતત માનસિક ત્રાસથી કંટાળીને વકીલે આત્મહત્યા કરવા સુધીના મેસેજ પણ મોકલ્યા હતા. આખરે પોતાની સાખ અને વકીલાતના વ્યવસાયને મોટું નુકસાન થવાના ડર વચ્ચે તેમણે પોલીસનો આશરો લીધો છે. કેસમાં મદદના બહાને દુષ્કર્મની યુવતીની ફરિયાદ ​બીજી તરફ 28 વર્ષની યુવતીએ વકીલ ભરત ચાવડા વિરૂદ્ધ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની વળતી ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે વકીલે તેની સાથે મિત્રતા કેળવીને કોર્ટમાં ચાલતા કેસમાં મદદ કરવાનું પ્રલોભન આપ્યું હતું. આ બહાને તેને જૂનાગઢની આશિયાના હોટલમાં મળવા બોલાવી હતી અને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ કર્યું હતું. 'શરીરે બચકાં ભરી શારીરિક ઈજા પહોંચાડી' યુવતીએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, વકીલે અવારનવાર તેની પર દુષ્કર્મ કર્યું હતું. એટલું જ નહીં, પરંતુ શરીરે બચકાં ભરી શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. જો આ બાબતે કોઈને જાણ કરવામાં આવશે તો અગાઉના કેસના આરોપીઓને બધું કહી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. યુવતીની આ ફરિયાદના આધારે પોલીસે વકીલ વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ જોષીપુરા પોલીસ ચોકીના અધિકારીને સોંપી છે. પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો ​આ સમગ્ર મામલે જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, જુનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતી દ્વારા પોતાની સાથે અવારનવાર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ યુવતી ખાનગી ક્ષેત્રમાં નોકરી કરે છે અને તેના જણાવ્યા મુજબ, અગાઉ અમદાવાદ ખાતે સામૂહિક દુષ્કર્મ અને અપહરણ અંગેની એક ફરિયાદ દાખલ થયેલી હતી. હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા તે કેસમાં મદદના બહાને તે જુનાગઢના એડવોકેટ ભરત ચાવડાના સંપર્કમાં આવી હતી. વકીલ દ્વારા યુવતીના કેસમાં મદદ કરવાના બહાને તેની સાથે અવારનવાર ફોન પર વાતચીત થતી હતી અને તેઓ સાથે અમદાવાદ પણ જતા હતા. જેના લીધે ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન તેઓ જુનાગઢની અલગ-અલગ હોટલમાં જતા અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. યુવતીના પરિવારને જાણ કરવાની ધમકી આપી એડવોકેટ ભરત ચાવડા દ્વારા યુવતીને બ્લેકમેલ કરવામાં આવતી હતી કે અમદાવાદ ખાતે તેનો જે કેસ ચાલી રહ્યો છે તેમાં તે આરોપીઓને મદદ કરી રહ્યો છે, અને જો યુવતી તેની સાથે સંબંધ નહીં રાખે તો તે આરોપીઓને ફાયદો થાય તે પ્રકારની કાર્યવાહી કરશે. તેમજ આ બાબતની જાણ યુવતીના પરિવારને કરી દેશે તેવી ધમકીઓ આપી બ્લેકમેલ કરતો હતો. આ બ્લેકમેલિંગ અને ધમકીઓથી કંટાળીને આખરે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ​ મૈત્રી કરાર કર્યાંનો વકીલનો દાવો:પોલીસ વધુમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, એડવોકેટ ભરત ચાવડા દ્વારા પણ આ યુવતી વિરુદ્ધ જુનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામી ફરિયાદ આપવામાં આવી છે. વકીલના જણાવ્યા અનુસાર, મૈત્રી કરાર કરવાની હકીકત પણ જણાવી છે, પરંતુ તેવા કોઈ કરાર સત્તાવાર રીતે થયા નથી. વકીલનો આક્ષેપ છે કે આ યુવતીએ જો દુષ્કર્મનો ગુનો દાખલ ન કરવો હોય તો 5,00,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. વકીલે આ રકમ આપવાનો ઈનકાર કર્યો હતો. બંન્ને ફરિયાદમાં પુરાવા એકત્ર કરવા પોલીસ એક્શનમાં ​પોલીસ દ્વારા આ બંને અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ રાખવામાં આવી છે. આ કેસ સાથે જોડાયેલા તમામ પુરાવાઓ જેવા કે વ્હોટ્સએપ ચેટની વિગતો, જે હોટલોમાં રોકાયા હતા ત્યાંની વિગતો, સીસીટીવી ફૂટેજ તેમજ બંનેના કોલ ડિટેલ્સ મેળવવાની તજવીજ હાલ ચાલુ છે. આ તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ બંને દિશામાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. યુવતીનો ગુનાહિત ઈતિહાસ વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ભોગ બનનાર યુવતીનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. તેણીએ અગાઉ અમદાવાદ ખાતે અપહરણ અને સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલી છે, આ ઉપરાંત આ યુવતી વિરુદ્ધ અગાઉ જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીનો કેસ પણ દાખલ થયેલો છે, તેમજ જુનાગઢ સાયબર રેન્જ પોલીસ સ્ટેશન ખાતે પણ યુવતી વિરુદ્ધ લોકોને ધમકીઓ આપવા બાબતે અગાઉ ગુનો નોંધાયેલો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાલ ખૂબ જ ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે અને જે પ્રકારના પુરાવા મળશે તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
Read Original Article →