AAPના જિલ્લા SC સેલ પ્રમુખનું પાર્ટીને અલવિદા:ઈસુદાન અને તેની ટીમને 'ચોર ચપાટા' અને 'લુચ્ચા' માણસોનું સંગઠન કહ્યું, ભ્રષ્ટાચારી ગણાવી ટિકિટો વેચવાનો લગાવ્યો આરોપ
જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના રાજકારણમાં એકાએક મોટો ભૂકંપ સર્જાયો છે, જેમાં જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના SC સેલના પ્રમુખ ધીરુભાઈ ગોહિલે સોશિયલ મીડિયાના માધ્યમથી પક્ષના પાયાના નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કરી ખળભળાટ મચાવી દીધો છે. ધીરુભાઈ ગોહિલે આમ આદમી પાર્ટીના ગ્રુપમાં 'અલવિદા' કહીને એક વિસ્તૃત મેસેજ લખ્યો છે, જેમાં તેમણે ગોપાલ ઇટાલિયા અને રાજુ બોરખતરીયા જેવા દિગ્ગજ નેતાઓ પર સીધા પ્રહારો કર્યા છે. પક્ષને મજબૂત કરવામાં ત્રણ સમાજનું યોગદાન સૌથી મોટું
વર્ષ 2018થી પક્ષને મજબૂત બનાવવા નિઃસ્વાર્થ ભાવે કામ કરનારા ધીરુભાઈએ આક્ષેપ કર્યો છે કે, આ પાર્ટીમાં મુસલમાન સમાજ, કોળી સમાજ અને દલિત સમાજની કોઈ કિંમત નથી, જ્યારે કે પક્ષને મજબૂત કરવામાં આ ત્રણ સમાજનું યોગદાન સૌથી મોટું રહ્યું છે. તેમણે ગોપાલ ઇટાલિયાને એક 'મોટા કલાકાર' ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે, ગોપાલ ઇટાલિયા તથા મનોજ સોરઠીયા આખી પાર્ટીનું સંચાલન કરે છે અને રાજુ બોરખતરીયા તેમનો ખાસ ચેલો બનીને રૂપિયાનો તોડ કરવાનું કામ કરે છે. લાયક કાર્યકર્તાઓને બદલે પોતાના મળતિયાઓને ટિકિટો વેચી દીધી
ધીરુભાઈએ અત્યંત આક્રોશ સાથે જણાવ્યું હતું કે, તાલુકા, જિલ્લા અને નગરપાલિકા સ્તરે નેતાઓએ તનતોડ ઉઘરાણાં કર્યા છે અને લાયક કાર્યકર્તાઓને બદલે પોતાના મળતિયાઓને ટિકિટો વેચી દીધી છે. માળિયા, માણાવદર અને વિસાવદર જેવા તાલુકાઓમાં ટિકિટોની વહેંચણીમાં મોટાપાયે ગોલમાલ થઈ હોવાની વાત પણ તેમણે ઉચ્ચારી છે. તેમણે ભાજપ સાથે તુલના કરતા કહ્યું કે ભાજપે 30-35 વર્ષ શાસન કર્યા પછી ભ્રષ્ટાચાર કર્યો હશે પરંતુ, આમ આદમી પાર્ટીમાં તો હજી માંડ સાડા ત્રણ ધારાસભ્યો જ આવ્યા છે ત્યાં અત્યારથી જ ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો છે. જો આ પાર્ટી જિલ્લા પંચાયતોમાં સત્તા પર આવશે તો લોકો ફરીથી ભાજપના વખાણ કરવા મજબૂર બનશે એવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પક્ષના ધારાસભ્યના ત્રણ કાર્યાલયો હોવા સામે સવાલ ઉઠાવતા તેમણે પૂછ્યું કે જો ધારાસભ્યનો પગાર દોઢ લાખ હોય અને એક કાર્યાલયનો ખર્ચ મહિને એક લાખ થતો હોય, તો બાકીના લાખો રૂપિયા ક્યાંથી આવે છે તેની તપાસ જનતાએ પોતાના આત્માને જગાડીને કરવી જોઈએ. ઉમેદવારોને પાછલા બારણેથી રૂપિયા આપીને ફોર્મ ખેંચાવ્યાના આક્ષેપ
ગંભીર આક્ષેપો કરતા ધીરુભાઈ ગોહિલે વધુમાં કહ્યું કે, ઈસુદાન ગઢવીથી લઈને નીચે સુધીની આખી ટીમ ભ્રષ્ટાચારી છે અને તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ લડી રહ્યા છે. તેમણે દલિત, મુસ્લિમ અને કોળી સમાજને ચેતવણી આપતા કહ્યું કે, 2018માં જ્યારે પક્ષમાં મજૂર વર્ગ જોડાયો ત્યારે કેજરીવાલના વિચારો અને ભાષણોથી પ્રભાવિત થઈને લોકો આવ્યા હતા પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. 2025ની જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી વખતે ભાજપને જીતાડવા માટે આમ આદમી પાર્ટીએ મોટા ષડયંત્રો કર્યા હતા અને તેના તેઓ પોતે પુરાવા છે. રાજુ બોરખતરીયાએ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાના ઈશારે વહીવટો કર્યા હતા અને એક વોર્ડમાં ત્રણ ઉમેદવારોની જગ્યાએ માંડ એક જ ઉમેદવાર મૂકવા દીધા હતા. વધુમાં, જૂનાગઢ મનપાની ચૂંટણીમાં પક્ષના નેતાઓએ ઉમેદવારોને પાછલા બારણેથી રૂપિયા આપીને ફોર્મ ખેંચાવ્યા હોવાના પણ તેમણે સનસનીખેજ આક્ષેપો કર્યા છે. ભાજપમાંથી હાંકી કઢાયા હોય એવા લોકો અત્યારે પાર્ટીમાં પ્રવાહ જોઈને જોડાયા
વિસાવદર વિધાનસભાની ચૂંટણી અંગે તેમણે ખુલાસો કર્યો કે, જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લડ્યા ત્યારે અનેક લોકોએ તેમને આર્થિક મદદ કરી હતી અને અઢળક ખર્ચ કર્યો હતો. હવે જે લોકોએ ગોપાલ ઇટાલિયાને આર્થિક મદદ કરી હતી, તેઓ પક્ષ પર હાવી થઈ ગયા છે અને વર્ષોથી પક્ષ માટે લોહી પરસેવો એક કરનારા જૂના કાર્યકર્તાઓને કાપી નાખવામાં આવ્યા છે. પક્ષની આ એક પોલિસી બની ગઈ છે કે, જે રૂપિયા આપે તેને જ જિલ્લા અને તાલુકા પંચાયતની ટિકિટો ફાળવવી. ધીરુભાઈએ સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈ રાજકીય લાલચમાં નથી કે નથી તેમને કોઈ પક્ષ તરફથી આમંત્રણ મળ્યું, પરંતુ પક્ષમાં થઈ રહેલો અન્યાય હવે સહન ન થતા તેમણે બહાર આવવાનો નિર્ણય લીધો છે. તેમણે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસમાં ન ચાલ્યા હોય અને ભાજપમાંથી હાંકી કઢાયા હોય એવા લોકો અત્યારે આમ આદમી પાર્ટીમાં પ્રવાહ જોઈને જોડાયા છે અને આ લોકો લાલચ સિવાય બીજું કંઈ જોતા નથી. ગુજરાતને બચાવવા માટે આ એક પ્રયત્ન છે
ધીરુભાઈ ગોહિલના મતે આમ આદમી પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ અને અરવિંદ કેજરીવાલના શિક્ષણ-આરોગ્યના મુદ્દાઓ કદાચ સારા હોઈ શકે, પરંતુ ગુજરાત પ્રદેશમાં ઈશુદાન ગઢવી અને તેમની નીચેની ટીમ એક નંબરના 'ચોર ચપાટા' અને 'લુચ્ચા' માણસોનું સંગઠન છે. તેમણે જનતાને અપીલ કરી છે કે, આવા લુચ્ચા-લફંગાઓની સરકાર ન રચાવી જોઈએ અને ચૂંટણીમાં ઉમેદવારની ચકાસણી કરીને જ મતદાન કરવું જોઈએ. આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે ફ્લોપ હોવાનો દાવો કરતા તેમણે કહ્યું કે, આવનારા સમયમાં તેઓ વીડિયો જાહેર કરીને પક્ષની વધુ પોલ ખોલશે. પક્ષના પાયાના કાર્યકર્તાઓને ફોન કરીને પૂછશો તો ખબર પડશે કે દરેક સ્તરે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે. અંતમાં તેમણે ઉમેર્યું કે, ગુજરાતને બચાવવા માટે આ એક પ્રયત્ન છે અને તેમણે શેર કરેલા મેસેજને એક-એક માણસ સુધી પહોંચાડી જનતાને જાગૃત થવા વિનંતી કરી છે, જેથી ભવિષ્યમાં મજબૂર થઈને ફરી ભાજપના વખાણ ન કરવા પડે.
Read Original Article →