સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું.:જેતલવડમાં સરકારી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ: રાશનકાર્ડ ધારકો સાથે છેતરપિંડી આચરનાર ભાજપ કાર્યકર સહિત બે આરોપીઓની ધરપકડ, એક ફરાર.

Gujarat5/22/2026, 3:57:48 PM
સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું.:જેતલવડમાં સરકારી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ: રાશનકાર્ડ ધારકો સાથે છેતરપિંડી આચરનાર ભાજપ કાર્યકર સહિત બે આરોપીઓની ધરપકડ, એક ફરાર.
​વિસાવદર તાલુકાના જેતલવડ ગામમાં ગરીબોના હક સમાન સરકારી અનાજની ચોરી અને કાળાબજાર કરવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર મામલે મામલતદાર દ્વારા વિસાવદર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતાં તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવ્યું છે. ગ્રાહકો દ્વારા વિરોધ પ્રદર્શન કે અવાજ ઉઠાવવામાં આવે તો તેમને ઓનલાઇન સિસ્ટમમાંથી નામ કાઢી નાખવાની ધમકીઓ અપાતી હોવાની પણ ગંભીર રાવ ઉઠી છે. તપાસ દરમિયાન મુખ્ય સંચાલક દ્વારા ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે અન્ય વ્યક્તિઓને આ સરકારી દુકાન ચલાવવા આપી દેવાઈ હોવાનો મોટો ખુલાસો થયો છે. સરકારી નિયમોના ઉલ્લંઘન, નાણાકીય ઉચાપત અને વિશ્વાસઘાતના આરોપસર પોલીસે ભાજપ કાર્યકર જીતેન્દ્ર મહેતા, દુકાન પરવાનો ધરાવતા દેવજી ત્રાડા અને રજાક પરમાર નામના શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.​આ સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં કુલ રૂપિયા 1,56,859ની કિંમતનો અનાજનો જથ્થો બારોબાર વેચી દઈને ગંભીર છેતરપિંડી આચરવામાં આવી છે. આ કેસના આરોપીઓ રાશનકાર્ડ ધારકો પાસેથી પીડીએસ પોર્ટલ માટે ઓનલાઇન અંગૂઠાનું નિશાન લઈ લેતા હતા, પરંતુ જ્યારે લાભાર્થીઓને અનાજ આપવાનું થાય ત્યારે ગેરરીતિ આચરીને તેમના હકનું પૂરું અનાજ આપવાના બદલે ઓછું અનાજ આપીને મોટા પાયે કાળાબજારી કરતા હતા. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામના મુખ્ય આરોપી દેવજી ત્રાડા દીનદયાળ ગ્રાહક ભંડારનો પરવાનો ધરાવે છે, જેમણે કોઈપણ જાતની મંજૂરી વગર અનઅધિકૃત રીતે જીતેન્દ્ર મહેતા અને રજાક પરમારને આ દુકાનનું સંચાલન સોંપી દીધું હતું. મામલતદારને આ અંગે અનેક ફરિયાદો મળતા એક ખાસ કમિટીની રચના કરી ડિટેઇલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું, જેમાં લાયસન્સની શરતોનો ભંગ થતો હોવાનું અને રજાક પરમારની અંગત દુકાનમાં સરકારી ચીજવસ્તુઓ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ​ડીવાયએસપીએ વધુમાં ઉમેર્યું હતું કે પીડીએસ પોર્ટલ પર સ્ટોકની વિગત ચેક કરતા તેમાં મોટી વધ-ઘટ માલુમ પડી હતી અને આરોપીઓએ મામલતદારની કમિટી સમક્ષ ખોટા જવાબો રજૂ કર્યા હતા. આ ઉપરાંત સરકારી તિજોરીમાં ભરવાના થતા કુલ રૂપિયા 1,81,628 લખ આરોપીઓએ ચૂકવ્યા નહોતા. આ ગંભીર કૌભાંડમાં પોલીસે આરોપી જીતેન્દ્ર મહેતા અને રજાક પરમારની ધરપકડ કરી લીધી છે, જ્યારે દુકાનના મુખ્ય પરવાનેદાર દેવજી ત્રાડાને અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. મુખ્ય આરોપી જીતેન્દ્ર વિરુદ્ધ અગાઉ નોંધાયેલા ગુનાઓ અને ફરિયાદ અંગે તપાસ કરી રેકોર્ડ મેળવવામાં આવશે, તેમજ અનાજ વિતરણમાં થતી વિસંગતતાઓને રોકવા માટે પોલીસ દ્વારા અવારનવાર રેડ કરવામાં આવે છે જેના ભાગરૂપે તાજેતરમાં જ માખીયાળા ગામ ખાતે પણ એલસીબી સ્ક્વોડ દ્વારા રેડ કરી શંકાસ્પદ ઇસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે
Read Original Article →