વંથલીના સાંતલપુરમાં ભૂમાફિયાઓનો આતંક:ડમ્પરની અડફેટે મહિલાના મોત બાદ ગ્રામજનો લાલઘૂમ; કલેક્ટર કચેરીએ બસ ભરીને પહોંચ્યા, ઉગ્ર આંદોલનની ચીમકી
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામે ગેરકાયદેસર રેતી ખનન અને બેફામ દોડતા ભૂમાફિયાઓના ડમ્પરો સામે સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ભારે વાહનોની અવિરત અવરજવરને કારણે ગામના રસ્તાઓ સંપૂર્ણપણે બિસ્માર બન્યા છે અને અકસ્માતોનો સિલસિલો શરૂ થયો છે. તાજેતરમાં જ એક સ્થાનિક મહિલાના કરપીણ મોત બાદ તંત્રના વચનભંગથી નારાજ ગ્રામજનો અને મોટી સંખ્યામાં મહિલાઓ આજે એક આખી બસ ભાડે કરીને જૂનાગઢ કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગ્રામજનોએ ભારે વાહનોનો રૂટ બદલવા અને ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી છે. આંબાના બગીચેથી પરત ફરતી મહિલાને ડમ્પરે કચડી
સાંતલપુર ગામ નજીક થોડા દિવસો પહેલાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. આંબાના બગીચામાં પોતાનું દૈનિક કામ પતાવીને ઘરે પરત ફરી રહેલા એક સ્થાનિક મહિલાને ગેરકાયદેસર રેતી ભરેલા ભારે ડમ્પરે અડફેટે લીધા હતા. ડમ્પરના પાછળના જોટા (ટાયર) નીચે આવી જતાં મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ઉશ્કેરાયેલા ગ્રામજનો મૃતદેહ સાથે વંથલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. તે સમયે પોલીસ અધિકારીઓએ લેખિત અને મૌખિક આશ્વાસન આપ્યું હતું કે હવેથી ગામના મુખ્ય માર્ગ પરથી આવા ભારે વાહનો પસાર થવા દેવામાં નહીં આવે. જો કે, વહીવટી તંત્રની આ ખાતરી માત્ર કાગળ પર જ રહી અને ૨૪ કલાકની અંદર જ ફરીથી એ જ માર્ગ પર ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરો યમરાજ બનીને દોડવા લાગ્યા હતા. “રાજકીય આશ્વાસનોથી કંટાળ્યા, હવે ગાંધીનગરમાં લડત ચલાવીશું”: સરપંચ વિપુલ કાપડિયા
ગામના સરપંચ વિપુલ કાપડિયાએ તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “ભૂમાફિયાઓની દાદાગીરી સામે ગામમાં રોડ-રસ્તા જેવું કંઈ બચ્યું જ નથી, આખા રસ્તા ગાયબ થઈ ગયા છે. આ બાબતે અગાઉ પણ તંત્રને અનેકવાર રજૂઆતો કરી ગ્રામ પંચાયતના રાજીનામા આપવાની ચીમકી આપી હોવા છતાં માત્ર ઠાલા આશ્વાસનો જ મળ્યા છે. જો કલેક્ટર દ્વારા આ લીઝોના ખટારાઓનો રૂટ તાત્કાલિક ધોરણે ગામની પાછળના ભાગમાંથી અલગ નહીં કાઢવામાં આવે, તો આગામી સમયમાં અમારે ન્યાય મેળવવા માટે ગાંધીનગર સુધી લડત લંબાવવી પડશે. હવે પછી જો ગામના કોઈ નાગરિકનો અકસ્માત થશે, તો આખું ગામ ગાંધીજીના અહિંસક માર્ગે ઉગ્ર આંદોલન પર ઉતરશે.” “વેપારીઓ સામે વેર નથી પણ અમારા બાળકો અને બહેનોની સુરક્ષા આપો”: હર્ષાબેન
ગામના મહિલા અગ્રણી હર્ષાબેને ગ્રામસભાના નિર્ણય અંગે વાત કરતા જણાવ્યું કે, “ગામ લોકોને કોઈ વ્યક્તિ, વેપારી કે લીઝ માલિક સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. રેતીનું ખનન ભલે નિયમ મુજબ ચાલતું રહે, પરંતુ ગામનો જે આશરે 1થી 3 કિલોમીટરનો મુખ્ય રસ્તો છે, તે ગ્રામજનો માટે એકદમ સુરક્ષિત અને ચોખ્ખો રાખવામાં આવે. ડમ્પરોને કારણે રસ્તા પર ગડબડિયા પથ્થરો અને કીચડ જમા થઈ જાય છે, જેમાં મહિલાઓના ટુ-વ્હીલર રોજ સ્લીપ થાય છે. ચોમાસામાં સ્થિતિ વધુ ભયજનક બને છે. પથ્થર નીચે ક્યારે ડમ્પર આવી જાય તેનો ભય સતત રહે છે.” ગ્રામજનોની કલેક્ટર પાસે મુખ્ય માંગણીઓ:
સાંતલપુરના રહીશોએ કલેક્ટર સમક્ષ નીચે મુજબની તાકીદની માંગણીઓ મૂકી છે: કલેક્ટરે આ મામલે યોગ્ય તપાસ કરી સત્વરે પગલાં લેવાની ખાતરી આપી છે, પરંતુ ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે જો દિવસોમાં ઉકેલ નહીં આવે તો તેઓ ચક્કાજામ કરવા મજબૂર બનશે.
Read Original Article →