જૂનાગઢ વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ:ગુજરાતમાં 72 IASની બદલી: જૂનાગઢને મળ્યા નવા કલેક્ટર યોગેશ ચૌધરી અને કમિશનર પ્રભવ જોષી, જાણો કોને ક્યાં ખસેડાયા
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 મે 2026ના રોજ રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતા 72 જેટલા IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ મોટા ફેરબદલમાં જૂનાગઢ જિલ્લાના મુખ્ય વહીવટી પદો પર ફરજ બજાવતા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જૂનાગઢના જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત પાંચ જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવતા વહીવટી તંત્રમાં ભારે હલચલ જોવા મળી રહી છે. જૂનાગઢના કલેક્ટર તરીકે ફરજ બજાવતા અનિલકુમાર રામજીભાઈ રણવાસિયાની બદલી હવે કચ્છ-ભુજના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. તેમના સ્થાને જૂનાગઢના નવા કલેક્ટર તરીકે યોગેશ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે, જેઓ આ પૂર્વે વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. શહેરના વહીવટની જવાબદારી સંભાળતા જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેજસ દિલીપભાઈ પરમારની બદલી સુરત જિલ્લાના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. જૂનાગઢના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે હવે પ્રભવ જોષી પદભાર સંભાળશે, જેઓ અગાઉ ગાંધીનગર ખાતે ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. જિલ્લા પંચાયતના વહીવટમાં પણ મોટો ફેરફાર થયો છે, જેમાં જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલની બદલી સાબરકાંઠા-હિંમતનગરના DDO તરીકે કરવામાં આવી છે. તેમના સ્થાને હવે જયંત સિંહ રાઠોડ જૂનાગઢના નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યભાર સંભાળશે. રાઠોડ અગાઉ તાપી જિલ્લાના સોનગઢ ખાતે ટ્રાયબલ એરિયા સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા હતા. આ ઉપરાંત જિલ્લાના અન્ય બે યુવા અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે, જેમાં કેશોદના આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીનાને મહીસાગર ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરાયા છે. તેમજ મેંદરડાના આસિસ્ટન્ટ કલેક્ટર પ્રતીક જૈનની બદલી દાહોદ ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP) તરીકે કરવામાં આવી છે. આ તમામ ફેરફારો રાજ્ય સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવ્યા છે.
Read Original Article →