ઊંટગાડીમાં સવાર થઈ ગોપાલ ઈટાલિયાનો ડીઝલ મુદ્દે વિરોધ:વાવણી સમયે જ ખેડૂતોને ટ્રેકટર માટે ડીઝલ ન મળતા પરેશાની, ખેડૂતો માટે ખાસ ક્વોટા નક્કી કરવાની માગ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઇંધણની ભારે તંગી વર્તાઈ રહી છે. ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં ડીઝલની ભારે અછત ઊભી થઈ છે. આ ગંભીર પરિસ્થિતિના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢમાં એક અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઊંટગાડી લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પ્રજા અને ખેડૂતોને પડતી હાલાકી ને વાચા આપવા માટે તેમણે મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. ચોમાસા પહેલા ખેડૂતોને ડીઝલ ન મળતા ટ્રેકટરોના પૈડાં થંભી ગયા
ગોપાલ ઇટાલિયાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ડીઝલની આ તીવ્ર અછતને કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો, ટ્રાવેલ્સ સંચાલકો અને નાના-મોટા ઉદ્યોગકારો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. અત્યારે ચોમાસાની શરૂઆત પહેલાનો સમય છે અને ખેડૂતો માટે આ વાવણીની ખૂબ જ મહત્વની સીઝન છે. ખેતરોમાં આગોતરું વાવેતર કરવા એટલે કે ઓરવણી કરવા માટે હળ અને ટ્રેક્ટરો ચલાવવાનો આ મુખ્ય સમય છે. આવા કટોકટીના સમયે જ રાજ્યમાં ડીઝલ ગાયબ થઈ ગયું છે, જેના કારણે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. ખેડૂતોને પૂરતું ડીઝળ ન મળતું હોવાની ફરિયાદ
ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સામાન્ય ખેડૂતો જ્યારે પેટ્રોલ પંપ પર જાય છે ત્યારે તેમને લાઈનોમાં ઊભા રાખવામાં આવે છે અથવા ડીઝલ આપવાની સીધી ના પાડી દેવાય છે. બીજી તરફ, સત્તાધારી પક્ષના મળતિયાઓ, માથાભારે તત્વો અને ખાનગી કોન્ટ્રાક્ટરોને કાળાબજારીના માધ્યમથી સેટિંગ કરીને ખાનગીમાં ડીઝલ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ભાજપના માણસોએ સેટિંગ કરીને પોતાના સ્તરે મોટા મોટા બેરલ ભરી લીધા છે અને ઇંધણની સંગ્રહખોરી શરૂ કરી દીધી છે. કયા ગામમાં કોણે આવી સંગ્રહખોરી કરી છે તેની જનતાને ખબર છે, પરંતુ ફરિયાદ ક્યાં કરવી તે મોટો પ્રશ્ન છે. આથી તેમણે કલેક્ટર કચેરીના અધિકારીઓને વિનંતી કરી છે કે આવી સંગ્રહખોરી અને અન્યાય સામે સામાન્ય જનતા અવાજ ઉઠાવી શકે તે માટે તાત્કાલિક એક ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે ખેડૂતો ગામડેથી 5-10 લીટર પેટ્રોલ બાળીને ટ્રેક્ટર લઈને માંડ માંડ પેટ્રોલ પંપ સુધી પહોંચે છે, ત્યારે તેમને માત્ર 2 લીટર ડીઝલ આપીને રવાના કરી દેવાય છે. ટ્રેક્ટરમાં પંપ સુધી આવવા જેટલું ઇંધણ વપરાય છે એટલું પણ વળતર ખેડૂતને મળતું નથી. આ ઉપરાંત રાજ્યમાં મોંઘવારી બેફામ ફાટી નીકળી છે જેના કારણે સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓનું જીવવું મુશ્કેલ બન્યું છે. દૂધના ભાવ સતત વધી રહ્યા છે અને આગામી દિવસોમાં ફોન રિચાર્જ, વીજળી બિલ, સ્કૂલ ફી અને દવાખાનાના ખર્ચાઓ વધવાની પુરેપુરી ભીતિ છે. આવી ગંભીર સ્થિતિમાં પણ સરકાર જનતાની વાત સાંભળવા બિલકુલ તૈયાર નથી. ખેડૂતો માટે ખાસ ક્વોટા નક્કી કરવાની માગ
આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં મુખ્યમંત્રી સમક્ષ કેટલીક મહત્વની માંગણીઓ મૂકવામાં આવી છે. ખેતીની સીઝન હોવાથી ગ્રામ્ય વિસ્તારના તમામ પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે ડીઝલનો એક વિશેષ અનામત જથ્થો એટલે કે ક્વોટા નક્કી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે, સાથે જ ખાતરમાં કરાયેલો ભાવવધારો પાછો ખેંચવા જણાવ્યું છે. હાઈવે પર અટવાયેલા માલવાહક વાહનો માટે 24 કલાક પુરવઠો સુનિશ્ચિત કરવા અને કાળાબજારી રોકવા માટે વિજિલન્સ તપાસ કમિટી નીમવાની માંગ કરવામાં આવી છે. સામાન્ય જનતાને રાહત આપવા માટે સરકારે ઇંધણ પર લાગતો વેટ (VAT) અને સેસ તાત્કાલિક ઘટાડવો જોઈએ અને દરેક જિલ્લામાં પ્રાઈસ કંટ્રોલ સ્ક્વોડ બનાવવી જોઈએ. આવેદનપત્રના અંતે યાદ અપાવવામાં આવ્યું હતું કે જનતા છેલ્લા 30 વર્ષથી સત્તાધારી પક્ષને જિતાડતી આવી છે, તેથી સરકારે પોતાની જવાબદારી સમજીને આ પ્રશ્નોનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવું જોઈએ.
Read Original Article →