ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ:યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય, પવનની ગતિ સામાન્ય થતા પુન: શરૂ કરાશે
જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે (7 એપ્રિલ) રોપવે સેવા ભારે પવનના કારણે બંધ કરી દેવામાં આવી છે.ગિરનાર ક્ષેત્રમાં ફૂંકાઈ રહેલા અતિશય ભારે પવનને કારણે સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર અને રોપવે સંચાલકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારથી જ ગિરનાર પર્વત અને આસપાસના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો. અંબાજી શિખર અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ નોંધાઈ હતી. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી રોપવે બંધ
રોપવે સંચાલકોએ જણાવ્યું હતું કે, અમારી પ્રાથમિકતા હંમેશા પ્રવાસીઓની સુરક્ષા છે. ભારે પવનમાં રોપ-વેની ટ્રોલીઓ હવામાં ઝૂલતી હોવાથી બેલેન્સ બગડવાનો ભય રહે છે. હાલ મોટી સંખ્યામાં યાત્રિકો ગિરનારના દર્શનાર્થે આવ્યા છે, જેમને આ નિર્ણયની જાણ કરવામાં આવી છે.જે યાત્રિકોએ ટિકિટ બુક કરાવી હતી તેમને પવન સામાન્ય થયા બાદ અથવા રિફંડ અંગેની પ્રક્રિયા મુજબ સમજૂતી આપવામાં આવી રહી છે. ટેકનિકલ માપદંડો મુજબ, જ્યારે પવનની ગતિ નિર્ધારિત મર્યાદા કરતા વધી જાય ત્યારે રોપ-વેનું સંચાલન જોખમી બની શકે છે. આથી, કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક અસરથી ટ્રોલીઓની અવરજવર અટકાવી દેવામાં આવી છે. રોપ-વે બંધ થવાથી યાત્રિકો નિરાશ
દૂર-દૂરથી ગિરનાર દર્શને આવેલા પ્રવાસીઓમાં રોપ-વે બંધ થવાને કારણે થોડી નિરાશા જોવા મળી હતી. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો જે રોપવેના સહારે અંબાજી માતાના દર્શન કરવા માંગતા હતા, તેઓએ હવે પવન શાંત થવાની રાહ જોવી પડશે. જોકે, સુરક્ષાના કારણોસર લેવાયેલા આ નિર્ણયમાં પ્રવાસીઓ પણ તંત્રને સહકાર આપી રહ્યા છે. હાલમાં જૂનાગઢ વહીવટી તંત્ર અને રોપ-વેની ટેકનિકલ ટીમ પવનની ગતિ પર સતત મોનિટરિંગ કરી રહી છે. હવામાન વિભાગની સૂચના અને પવનની ગતિ સામાન્ય થતાં જ પ્રવાસીઓ માટે રોપ-વેના દ્વાર ફરી ખોલવામાં આવશે. ત્યાં સુધી પ્રવાસીઓને સાવચેત રહેવા અને પર્વત પર પવનના કારણે સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.
Read Original Article →