ગિરનાર પર અતિક્રમણ સામે સનાતનીઓનું મોટું આંદોલન:લેન્ડ કૌભાંડના વિરોધમાં 23મીએ સંતોની આગેવાનીમાં વિશાળ બાઈક રેલી, કલેક્ટરને આવેદનપત્ર આપશે
જૂનાગઢના વિશ્વ પ્રસિદ્ધ અને પવિત્ર ગિરનાર ક્ષેત્રની ધાર્મિક અસ્મિતા અને સનાતની પરંપરાઓ પર તોળાઈ રહેલા કથિત જોખમને પગલે સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગિરનાર પર્વત પરના પ્રાચીન ધાર્મિક સ્થાનો અને સાર્વજનિક મિલકતો પર થઈ રહેલા અતિક્રમણ તેમજ સરકારી દસ્તાવેજોમાં થયેલી ગંભીર ગેરરીતિઓના વિરોધમાં હવે આરપારની લડાઈના મંડાણ થયા છે. આ સમગ્ર વિવાદને ઉકેલવા અને સરકારનું ધ્યાન દોરવા માટે ‘ગિરનાર બચાવો સમિતિ’ દ્વારા આગામી 23મી તારીખે એક વિશાળ જનજાગૃતિ રેલી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગિરનારની આધ્યાત્મિક વિરાસતને નુકસાન પહોંચાડવાનું કાવતરું
આ વિવાદની વિગતવાર વાત કરીએ તો ગિરનારના અત્યંત પવિત્ર ગણાતા શેષાવન, ભરતવન અને હનુમાનધારા જેવા વિસ્તારોની આસપાસ કોઈ પણ પ્રકારની સત્તાવાર મંજૂરી વગર ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સનાતની સંસ્થાઓનો દાવો છે કે, વર્ષ 1949ના મંકોડી કમિશનના અહેવાલને નેવે મૂકીને લેન્ડ રેકોર્ડમાં મોટાપાયે છેડછાડ કરવામાં આવી છે. જે-તે સમયે ગિરનારમાં અન્ય સંપ્રદાય પાસે માત્ર 46થી 47 જેટલી જગ્યાઓ નોંધાયેલી હતી, જે આજે રહસ્યમય રીતે વધીને 150થી વધુ દર્શાવવામાં આવી રહી છે. આ કૌભાંડમાં હાથી કુંડ અને ભીમ કુંડ જેવા વર્ષો જૂના સાર્વજનિક ધાર્મિક સ્થળોને પણ ખાનગી માલિકીના દર્શાવી દેવામાં આવ્યા છે, જે ગિરનારની ભૌગોલિક અને આધ્યાત્મિક વિરાસતને નુકસાન પહોંચાડવાનું મોટું કાવતરું હોવાનું માનવામાં આવે છે. લેન્ડ રેકોર્ડમાં થયેલી ગેરરીતિઓ અંગે તપાસ કરી જવાબદાર સામે FIR નોંધવાની માગ
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને જૂનાગઢના ભૂતનાથ મંદિર ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ અખાડાના સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને ડોળી મંડળ સહિતના અનેક સામાજિક સંગઠનોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, 23મી તારીખે હજારોની સંખ્યામાં ભક્તો અને સાધુ-સંતો પોતાની બાઈક સાથે રેલી સ્વરૂપે નીકળશે અને જિલ્લા કલેક્ટરને મળીને ગેરકાયદે બાંધકામો તાત્કાલિક અટકાવવાની તેમજ લેન્ડ રેકોર્ડમાં થયેલી ગેરરીતિઓ અંગે તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે FIR નોંધવાની કડક માંગણી કરશે. સેવા-પૂજા કરતા પૂજારીઓને સતત હેરાન કરવામાં આવે છે
ગિરનાર પર્વત પર સ્થિત પવિત્ર શેષાવન જગ્યાના મહંતે આ મામલે અત્યંત ગંભીર અને સંવેદનશીલ વિગતો રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, શેષાવન, ભરતવન અને હનુમાનધારા જેવા પ્રાચીન સ્થાનોની આસપાસ જૈન દેરાસરો દ્વારા કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી લીધા વિના જમીન પર બાંધકામ પ્રવૃત્તિઓ ધમધમાવવામાં આવી રહી છે. બાપુએ વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, આ પવિત્ર જગ્યાઓ પર સેવા-પૂજા કરતા પૂજારીઓને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે અને ગિરનારની ઉપરની તમામ જગ્યાઓ પર અવારનવાર મુશ્કેલીઓ ઊભી કરીને સનાતની પરંપરાને નબળી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે શાંત રહ્યા અને સહન કર્યું, પરંતુ હવે આ અસહ્ય અતિક્રમણ સામે મૌન રહેવું શક્ય નથી. જૂનાગઢના જાગૃત નાગરિક અને આ આંદોલનના અગ્રણી ભાવેશ વેકરિયાએ લેન્ડ રેકોર્ડમાં થયેલા કૌભાંડનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે, ગિરનારની સનાતન અને પુરાતન જગ્યાઓ ઉપર તબક્કાવાર રીતે વ્યવસ્થિત અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, લેન્ડ રેકોર્ડ વિભાગના અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગોની મિલીભગતથી ખોટા પુરાવાઓ ઊભા કરવામાં આવ્યા છે. અન્ય વિચારધારાના લોકોના નામો સરકારી રેકોર્ડમાં દાખલ કરવાનું આ એક બહુ મોટું જમીન કૌભાંડ છે. ગિરનારની સુરક્ષા મુદ્દે મૌન બેઠેલા સંતો સામે પણ રોષ વ્યક્ત કર્યો
વેકરિયાએ આંકડાકીય પુરાવા આપતા કહ્યું હતું કે, મૂળ સેટલમેન્ટ મુજબ માત્ર 40થી 42 જગ્યાઓ જ માન્ય હતી. તેની સામે આજે 150થી વધુ જગ્યાઓ અન્ય સંપ્રદાયોના નામે ચડાવી દેવી એ મોટો ગુનો છે. આ બાબતે જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી થવી જ જોઈએ. વધુમાં, તેમણે રાજકીય નેતાઓ અને 15 વોર્ડના કોર્પોરેટરોને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, ગિરનાર એ જૂનાગઢની જીવાદોરી છે. જો 23 તારીખના આવેદનપત્રમાં કોઈ રાજકીય પ્રતિનિધિ હાજર રહીને સહકાર નહીં આપે તો તેમને ગિરનાર વિરોધી ગણવામાં આવશે અને આગામી સમયમાં જનતા તેમને પાઠ ભણાવશે. તેમણે એવા સંતો સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. જેઓ સરકારી કાર્યક્રમોમાં હાજર રહે છે પરંતુ, ગિરનારની રક્ષાના મુદ્દે મૌન ધારણ કરીને બેઠા છે. તમામ સંતોના નેજા હેઠળ 23 તારીખે સનાતન ધર્મની ભવ્ય રેલી યોજાશે
જૂનાગઢના પૂર્વ કોર્પોરેટર નિર્ભય પુરોહિતે સમગ્ર આયોજન અને જનજાગૃતિ અભિયાનની માહિતી આપતા જણાવ્યું હતું કે ‘ગિરનાર બચાવો સમિતિ’ દ્વારા લેવાયેલા નિર્ણયમાં અનેક પૂજ્ય સંતોનો આશીર્વાદ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. તેમણે શ્રી ભગવતીદાસ બાપુ, રમેશભાઈ, પૂજ્ય મહેશગીરી બાપુ, મહાદેવગીરી બાપુ, કિશનદાસ બાપુ, ચકાચક બાપુ, સુખરામદાસજી બાપુ, અવંતિકાજી મહારાજ અને પ્રયાગદાસજી જેવા મૂર્ધન્ય સંતોના નામનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આ તમામ સંતોના નેજા હેઠળ 23 તારીખે સનાતન ધર્મની ભવ્ય રેલી યોજાશે. માત્ર સંતોની લડાઈ નથી, હિન્દુ સમાજની અસ્મિતાની લડાઈ
નિર્ભય પુરોહિતે આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોના સનાતન ધર્મના અનુયાયીઓ અને 'ગિરનારી' ભક્તોને આહવાન કર્યું છે કે, આ માત્ર સંતોની લડાઈ નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજની અસ્મિતાની લડાઈ છે. સંતો અત્યારે પણ ગામે-ગામ અને વોર્ડમાં સભાઓ કરીને લોકોને જાગૃત કરી રહ્યા છે. તેમણે તમામ ભક્તોને અપીલ કરી હતી કે, તેઓ પોતાની વ્યક્તિગત બાઈકો સાથે આ રેલીમાં જોડાઈને ગિરનારની સુરક્ષા માટેનો અવાજ બુલંદ બનાવે. જેથી, ભાવિ પેઢી માટે આપણે આ પવિત્ર પર્વતની ધાર્મિકતા અકબંધ રાખી શકીએ. મંકોડી કમિશન સમક્ષ પણ આવી જ રજૂઆત કરવામાં આવી હતી
ગિરનાર ક્ષેત્રમાં ચાલી રહેલા આ વિવાદનું મૂળ વર્ષ 1949ના સમયગાળામાં છે. પ્રાપ્ત વિગતો મુજબ 1949માં એક ચોક્કસ સંસ્થાના ડેલીગેશને તત્કાલીન ગુજરાત સરકાર પાસે ઉપરકોટ રાખેંગારના મહેલ સહિતની અનેક જગ્યાઓની માંગણી કરી હતી, જેને સરકારે તે સમયે ફગાવી દીધી હતી. ત્યારબાદ મંકોડી કમિશન સમક્ષ પણ આવી જ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મંકોડી સાહેબે આ જમીનો સરકારી હોવાનું કહીને તેને ખાનગી સંસ્થાને આપવાનો ઇનકાર કર્યો હતો. મંકોડી કમિશન મુજબ આંકડો નવા નકશામાં 102 સુધી પહોંચી ગયો
પરંતુ, ગંભીર બાબત એ છે કે જ્યારે ગિરનાર ક્ષેત્રને અભયારણ્ય જાહેર કરવા માટે ગેઝેટ તૈયાર થયું ત્યારે મંકોડી કમિશનના મૂળ નકશામાં કથિત રીતે ચેડા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ છે. શેઠ આનંદજી કલ્યાણજી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા જે નકશો તૈયાર કરવામાં આવ્યો છે, તેમાં અનેક સનાતની જગ્યાઓ અને સાર્વજનિક કુંડોને પોતાના વિસ્તારમાં દર્શાવી દેવામાં આવ્યા છે. મૂળ મંકોડી કમિશન મુજબ જે આંકડો 46થી 47 જગ્યાઓનો હતો, તે આ નવા નકશામાં 102 સુધી પહોંચી ગયો છે. આ ફેરફારો ગિરનારની પ્રાચીન ભૌગોલિક સ્થિતિને બદલી નાખનારા હોવાથી સનાતની સંગઠનોમાં ભારે ચિંતા અને રોષની લાગણી છે.
Read Original Article →