સાસણ ગીરમાં વન્યજીવ સંરક્ષણનો મહાકુંભ:આવતીકાલથી 'ઈન્ટરનેશનલ બીગ કેટ સમીટ-2026'ની કર્ટેન રાયઝર ઈવેન્ટનો પ્રારંભ
એશિયાઈ સિંહોના એકમાત્ર વસવાટ એવા જૂનાગઢના સાસણ ગીર ખાતે આવતીકાલથી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભારત સરકાર અને ગુજરાત રાજ્યના વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 13 અને 14 મે, 2026 દરમિયાન 'ઈન્ટરનેશનલ બીગ કેટ સમીટ-2026' અંતર્ગત 'કર્ટેન રાયઝર ઈવેન્ટ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક નિષ્ણાતોનું થશે આગમન
આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કેન્દ્રીય વન મંત્રી સહિત કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ તેમજ દેશ-વિદેશના વન્યજીવ નિષ્ણાતો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સમીટનો મુખ્ય ઉદ્દેશ્ય સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વૈશ્વિક સ્તરે અસરકારક રણનીતિ ઘડવાનો તેમજ ગીરના વિશ્વવિખ્યાત સિંહ સંરક્ષણ મોડેલને વૈશ્વિક ફલક પર રજૂ કરવાનો છે. સુચારૂ આયોજન માટે ૨૬ સમિતિઓની રચના
ગાંધીનગર સ્થિત અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંઘ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, આ મેગા ઇવેન્ટના સંચાલન માટે વન વિભાગે અભેદ્ય વ્યવસ્થા ગોઠવી છે. મહાનુભાવોના પ્રોટોકોલ, સુરક્ષા અને વ્યવસ્થાપન માટે કુલ 26 અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં નોડલ અધિકારીઓ અને વન વિભાગના તજજ્ઞોનો સમાવેશ થાય છે. સિંહોના સંવર્ધન માટે વૈશ્વિક મંથન
આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન સિંહોના વસવાટ, તેમના ખોરાક, આરોગ્ય અને પર્યાવરણીય પડકારો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ખાસ કરીને 'બીગ કેટ' ફેમિલીના સંરક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ અને લોકભાગીદારી વધારવા જેવા વિષયો પર પણ ડેલીગેટ્સ દ્વારા મંથન કરવામાં આવશે. આ ઈવેન્ટ માત્ર ચર્ચા પૂરતી મર્યાદિત ન રહેતા, ભવિષ્યમાં સિંહોના સંવર્ધન માટેના રોડમેપ તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે તેવું મનાઈ રહ્યું છે. વન વિભાગના તમામ એકમોને આ કામગીરી વન સંરક્ષક, વન્યપ્રાણી વર્તુળ, જુનાગઢના પરામર્શ અને સીધા સંકલનમાં રહીને પૂર્ણ કરવા જણાવાયું છે. ગીર પ્રવાસનને મળશે નવો વેગ
આ આંતરરાષ્ટ્રીય સમીટને પગલે સાસણ ગીર અને આસપાસના વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ છેલ્લા ઘણા દિવસોથી સાસણ ખાતે પડાવ નાખી તૈયારીઓની આખરી સમીક્ષા કરી રહ્યા છે. આ ઈવેન્ટના માધ્યમથી ગીર પ્રવાસનને વૈશ્વિક સ્તરે નવું બળ મળશે અને સિંહોના અસ્તિત્વને જાળવી રાખવાની ગુજરાતની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે.
Read Original Article →