ટ્રક માલિકે ફરિયાદ નોંધાવી:1.69 લાખના ટ્રકના ટાયર અને ડીઝલની ચોરી કરી ડ્રાઈવર ફરાર
કેશોદના માણેકવાડા ગામે એક ટ્રક ડ્રાઈવર દ્વારા પોતાના જ માલિકના ટ્રકમાંથી 1.69 લાખના ટાયર અને ડીઝલની ચોરી કરી નાસી ગયો હોવાની ઘટના સામે આવી હતી. મૂળ રાજસ્થાનના અને નારાયણ મિનરલ્સ કંપનીના માલિક બલરામ શોરામ યાદવે કેશોદ પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર રામકુમાર ભગવાનદાસ નેકપુરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, બલરામ ભાઈનો આરજે 52 જીબી 0904 નંબરનો ટ્રક દિલ્હીથી ચોખા ભરીને ઉના જવા રવાના થયો હતો. ગત તા. 15 એપ્રિલના રોજ ઉનામાં માલની ડિલિવરી આપ્યા બાદ, ડ્રાઈવર ટ્રક લઈને માણેકવાડા પાસે આવેલી રૂદ્રરાજ હોટલ પર રોકાયો હતો. ડ્રાઈવરે હોટલના માલિકને એવું જણાવ્યું કે માલિકે તેને ત્યાં જ રોકાવા કહ્યું છે. જોકે, ડ્રાઈવર ટ્રક ત્યાં જ મૂકીને અન્ય કોઈ વાહનનો અકસ્માત થયો હોવાનું બહાનું બતાવી ત્યાંથી રવાના થઈ ગયો હતો અને પરત આવ્યો ન હતો. ટ્રક માલિકે હોટલ પર આવીને તપાસ કરતા ટ્રકમાં નવા નંખાવેલા 12 ટાયરોમાંથી 6 ટાયર ગાયબ હતા અને તેના બદલે જૂના ટાયરો લગાવી દેવાયા હતા. ટ્રકની ટાંકીમાં રહેલું 250 લિટર ડીઝલ પણ ચોરી લેવામાં આવ્યું હતું. કુલ 1.69 લાખના મુદ્દામાલની ચોરી કરી ટ્રક ચાલક નાસી ગયો હોવાની ફરિયાદ લઈ કેશોદ પોલીસે ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી હતી.
Read Original Article →