ચોરવાડની દીકરીએ હોંગકોંગમાં જીત્યો ‘સિલ્વર મેડલ’, પરિવાર ભાવુક થયો:દીકરી હોવાથી ખેડૂત પિતા બહાર જતાં રોકતા, આજે પુત્રની કમી પૂરી કરી એશિયન ગેમ્સમાં નવો રેકોર્ડ બનાવ્યો

Gujarat6/8/2026, 11:47:39 AM
ચોરવાડની દીકરીએ હોંગકોંગમાં જીત્યો ‘સિલ્વર મેડલ’, પરિવાર ભાવુક થયો:દીકરી હોવાથી ખેડૂત પિતા બહાર જતાં રોકતા, આજે પુત્રની કમી પૂરી કરી એશિયન ગેમ્સમાં નવો રેકોર્ડ બનાવ્યો
​જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના ચોરવાડ ગામની એક સામાન્ય ખેડૂત અને ખેત મજૂર પરિવારની દીકરીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત અને ગુજરાતનું ગૌરવ સરહદો પાર પહોંચાડ્યું છે. ચોરવાડની 19 વર્ષીય પ્રભાવશાળી દોડવીર કાજલ વાજાએ હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4x100 મીટર રિલે સ્પર્ધામાં ભારત માટે રજત ચંદ્રક (સિલ્વર મેડલ) જીતવામાં એક અતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તમિલનાડુ, હરિયાણા અને યુપીની ખેલાડીઓ સાથે રચ્યો ઇતિહાસ આ સ્પર્ધામાં તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતી કાજલે ટીમને 45.05 સેકન્ડનો ઐતિહાસિક સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ શાનદાર પ્રદર્શન સાથે ભારતીય ટીમે માત્ર સિલ્વર મેડલ જ નથી જીત્યો, પરંતુ અંડર-20 વર્ગમાં અગાઉનો 45.08 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની અદ્ભુત ઝડપ, ટીમવર્ક અને શ્રેષ્ઠ બેટન એક્સચેન્જનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. સ્પર્ધા માટે કાજલે ધો-12ની પરીક્ષા પણ ન આપી ​આ આર્થિક અને સામાજિક પડકારો વચ્ચે કાજલની સફળતાની સફર અત્યંત પ્રેરણાદાયી છે, કારણ કે ટ્રેક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તેણે આ વર્ષે ધોરણ-12ની બોર્ડની પરીક્ષા એક વર્ષ માટે મુલતવી રાખીને તનતોડ મહેનત કરી હતી. આજે તેની આ અડગ નિષ્ઠા તેમજ ત્યાગનું ફળ સમગ્ર દેશ જોઈ રહ્યો છે. કાજલની રમતગમતની સફર મૂળભૂત રીતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એટલે કે એસ.એ.જી.ના સ્કૂલ પ્રોગ્રામથી શરૂ થઈ હતી, જેના પછી 2019માં તે કોડીનાર સ્થિત જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ એટલે કે ડી.એ.એસ.એસ. સોમનાથ એકેડમીમાં જોડાઈ હતી, જ્યાં તેની પ્રતિભાને વ્યવસ્થિત રીતે ઘડવામાં આવી હતી. ત્યારબાદ તેની અસાધારણ ક્ષમતાને ઓળખીને 2023માં તેની પસંદગી નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર માટે કરવામાં આવી હતી, જ્યાં તે હાલમાં કોચ શિવમ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ અદ્યતન તાલીમ મેળવી રહી છે. કોઈની પણ ચિંતા કર્યા વગર તે બસ એકલી ભાગ્યા જ કરતીઃ હીરાભાઈ ​દીકરીની આ અદ્ભુત અને ગૌરવશાળી સિદ્ધિ અંગે હર્ષ વ્યક્ત કરતાં કાજલ વાજાના પિતા હીરાભાઈ વાજાએ જણાવ્યું કે, મારે ત્રણ દીકરીઓ છે અને હું પરિવાર સાથે ચોરવાડમાં રહું છું. કાજલ જ્યારે ચોથા ધોરણમાં ભણતી ત્યારથી જ તેને દોડવાનો ભારે શોખ હતો અને તે દોડવા જતી હતી. તે સમયે તાલુકા કક્ષાએ સૌપ્રથમ વખત તેનું સિલેક્શન થયું હતું અને ત્યારબાદ તે આગળ વધતા-વધતા કોડીનાર સુધી પહોંચી હતી. કોડીનાર ગયા પછી તેને નડિયાદમાંથી એકેડેમી મળી હતી અને નડિયાદ ગયા પછી તે સતત આગળ ને આગળ વધતી જ ગઈ છે. આ અમારા માટે બહુ સારી અને ભારે ઉત્સાહની વાત છે. પિતા શરૂઆતમાં દીકરીને બહાર મોકલવા નહોતા માગતા અમને ખરેખર નહોતી ખબર કે, આ બધું અમારી છોકરીના ભાગ્યમાં લખેલું છે. તેનું મુખ્ય કારણ એવું છે કે જ્યારે તેને શરૂઆતમાં બહાર ભણવા કે રમવા માટે મૂકવાની વાત આવી ત્યારે હું ત્યાર નહોંતી, કારણ કે તે દીકરી હતી, એટલે મનમાં થોડો સંકોચ હતો. ત્યારપછી પરિવારના અને બીજા બધાના સપોર્ટથી હું મોકલવા તૈયાર થયો કે ભલે તે આગળ જઈને કંઈક સારું કરે. અત્યારે અમને ખૂબ આનંદ છે, તેની નાનપણથી એટલે કે ચોથા ધોરણથી જ એવી તીવ્ર ઈચ્છા હતી કે તે કોઈની પણ ચિંતા કર્યા વગર એકલી બસ ભાગ્યા જ કરતી. તે એકલી જ દોડ્યા કરતી હતી અને એ જ તેની લગન આજે તેને અહીં સુધી લઈ આવી છે. કાજલ દેશની સૌથી આશાસ્પદ યુવા સ્પ્રિન્ટર્સમાંની એક છેઃ કોચ કાજલના કોચ શિવમ ઉપાધ્યાય તેની સફળતાનું સંપૂર્ણ શ્રેય તેની અવિરત મહેનત અને શ્રેષ્ઠતા હાંસલ કરવાની તીવ્ર ઇચ્છાને આપતા જણાવ્યું કે, કાજલ દેશની સૌથી આશાસ્પદ યુવા સ્પ્રિન્ટર્સમાંની એક છે, જેણે ગુજરાતનું ગૌરવ વધારતાં 100 મીટર, 200 મીટર અને રિલે સ્પર્ધામાં અનેક ચંદ્રકો જીત્યા છે. તેની શિસ્ત, આત્મવિશ્વાસ તેમજ સ્પર્ધાત્મક માનસિકતા તેને અન્ય ખેલાડીઓથી અલગ પાડે છે. આ અગાઉ પણ કાજલે 2025માં રાંચીમાં યોજાયેલી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 4x100 મીટર રિલેમાં રજત ચંદ્રક જીત્યો હતો. તેમજ આ વર્ષના માર્ચ મહિનામાં ભુવનેશ્વરમાં યોજાયેલી પ્રથમ ઇન્ડોર ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 60 મીટર દોડમાં 7.50 સેકન્ડનો સમય નોંધાવીને સુવર્ણ ચંદ્રક સાથે અંડર-20 વર્ગનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આજ એશિયન ચેમ્પિયનશિપમાં ગુજરાતના વાપીના વતની રાહુલ જાખરે પણ ડેકાથ્લોનમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે, જેના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ વાજા, રાહુલ જાખર અને ભારતીય રિલે ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ખેલાડીઓને તેમના વૈશ્વિક સપનાઓ સાકાર કરવા માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. ગુરુ અમરગીરી બાપુના આશીર્વાદ હંમેશા તેની સાથે રહ્યા: મંથન ડાભી ​કાજલના પરિવાર સાથે નિકટનો સંબંધ ધરાવતા અને તેના સંઘર્ષના સાક્ષી રહેલા ચોરવાડ ગામના વતની મંથન ડાભીએ જણાવ્યું કે, હું ચોરવાડ ગામનો વતની છું. આજે અમારા પરિવારની દીકરી કાજલ વાજા, જે ગઈકાલે (7 જૂન) અન્ડર-20 સાઉથ એશિયન ગેમ્સ માટે ઇન્ડિયા તરફથી સ્પર્ધામાં ભાગ લઈ અને સિલ્વર મેડલ લઈને આવી છે, ત્યારે તેણે સમગ્ર ગુજરાત રાજ્ય અને ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે. તેને નાનપણથી જ એથ્લેટિક્સનો ખૂબ જ શોખ હતો. તેના માતા-પિતાનો તેના ઉપરનો અડગ ભરોસો અને તેમણે જે તેની પાછળ રાત-દિવશ મહેનત કરી છે તે રંગ લાવી છે. તેમજ તેના ગુરુ અમરગીરી બાપુના આશીર્વાદ હંમેશા તેની સાથે રહ્યા છે. ‘રાજકોટ રેલવે સ્ટેશન મૂકવા ગયા ત્યારથી કાજલે પાછું વળીને જોયું નથી’ જ્યારે પણ કાજલને કોઈપણ પ્રકારના સપોર્ટની જરૂર પડી ત્યારે સૌ લોકો સાથે ઊભા રહ્યા છે. આજે એક ગામડાની નાનકડી એવી દીકરી દેશનું નામ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં રોશન કરી રહી છે, જેની અમને અનહદ ખુશી છે. કાજલ આજે આ મુકામ સુધી પહોંચી છે તેની પાછળ મોટી લાંબી સફર છે. અહીંની વિનય મંદિર સ્કૂલમાં તેણે પોતાનો અભ્યાસ કર્યો છે અને ત્યાં ભણતા ભણતા જ તે પ્રેક્ટિસ કરતી હતી. જ્યારે તેને સ્કૂલ ગેમિંગમાંથી સિલેક્શન થયું અને ત્યારબાદ ડી.એ.એલ.એસ. સોમનાથ એકેડમી કોડીનારમાંથી તેને આગળ રમવા માટે હૈદરાબાદ મુકામે જવાનું હતું, ત્યારે શરૂઆતમાં તેના ફાધરે સ્પષ્ટ ના પાડી દીધી હતી કે, આટલે દૂર સુધી મારે મારી દીકરીને મોકલવી નથી. પણ ત્યારબાદ મારી અંગત સમજાવટ બાદ અને સ્કૂલના સ્ટાફની સમજાવટ પછી અમે તેના પરિવારને તેને ત્યાં મોકલવા માટે માંડ-માંડ રાજી કર્યા હતા. તે સમયે હું પોતે જ તેના ફાધરને સાથે લઈ અને રાજકોટ રેલવે સ્ટેશને કાજલને મૂકવા માટે ગયો હતો, અને ત્યારના એ દિવસથી લઈને આજ દિન સુધી કાજલે ક્યારેય પાછું વળીને જોયું નથી અને પોતાના પ્રગતિના જે શિખરો છે તેને હંમેશા સર કર્યા છે. ‘દીકરી પર વિશ્વાસ મૂકીને તેને મોકલવા બદલ પરિવાને અભિનંદન’ આજના સમયમાં ઘણી જગ્યાએ એવા દાખલા બનતા હોય છે કે, લોકો દીકરીઓને બહાર જવા નથી દેતા કે દીકરીને આગળ વધતી અટકાવવામાં આવે છે, પણ કાજલના માતા-પિતા અને તેના સમગ્ર પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જેમણે પોતાની દીકરી પર વિશ્વાસ મૂકીને તેને આટલે દૂર સુધી મોકલી અને તેના હાર્ડ વર્ક તથા મહેનતનું પરિણામ આજે આપણે સૌ આપણી સામે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ.
Read Original Article →