દરેક વોર્ડમાં ક્વોરીસ્પોઈલ નાખવામાં આવશે:ચોમાસા પૂર્વેની કામગીરી અને પાઇપ લાઇન રિપેરીંગ માટે બજેટ મંજૂર

Gujarat5/27/2026, 12:00:00 AM
કમિશનર પ્રભવ જોષીની ઉપસ્થિતિમાં અને સ્થાયી સમિતિના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણયો લેવાયા છે. શહેરીજનોને ચોમાસા દરમિયાન હાલાકી ન ભોગવવી પડે તે માટે આગોતરા આયોજનને મંજૂરી અપાઈ છે. શીતળાકુંડને રીનોવેશન અને સ્નાનઘાટના આધુનિકીકરણ માટે જનલોકભાગીદારી હેઠળ રૂા. 1 કરોડ 86 લાખના કામોને બહાલી આપવામાં આવી છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા અત્યારથી જ વોર્ડવાઈઝ કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં રસ્તાના ખાડા પૂરવા અને પાણીના ભરાવા રોકવા માટે દરેક વોર્ડમાં રૂા. 3 લાખની મર્યાદામાં ક્વોરીસ્પોઈલ નાખવામાં આવશે, તેમજ ગટરના મેનહોલ અને ક્રોસિંગની સુરક્ષા માટે વોર્ડ દીઠ રૂા. 1 લાખની મર્યાદામાં ચેમ્બર રીપેરીંગના કામો હાથ ધરાશે. આ સાથે જ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રેશરથી મળી રહે તે માટે વોટરવર્કસ શાખા હસ્તકની પાઈપલાઈન રીપેરીંગ, જોબવર્ક અને લેબરવર્કની મુદત તથા ખર્ચ મર્યાદા વધારવામાં આવી છે. મૃત પ્રાણીના નિકાલ માટે કોન્ટ્રાક્ટ અપાશે નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાય માટે ટૂંક સમયમાં જ શહેરમાં 'ડાયલ 112' ની ઇમરજન્સી સેવાઓ કાર્યરત કરવામાં આવશે, જેના ટેન્ડરની શરતોને સમિતિએ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, શહેરની શાન સમાન નરસિંહ મહેતા સરોવરની નિયમિત સફાઈ, જાળવણી અને ઓપરેશન માટે રાજકોટની એજન્સીને રૂા. 1.63લાખ પ્રતિ માસના ભાવથી કામ સોંપવાનો નિર્ણય લેવાયો છે. તેમજ ઈવનગર ડંમ્પિંગ સાઈટ પર પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા માટે રૂા. 1.36કરોડના ખર્ચે મૃત પ્રાણીઓના નિકાલ માટેની આધુનિક ભઠ્ઠી 3વર્ષના મેન્ટેનન્સ સાથે શરૂ કરાશે.
Read Original Article →