ભવનાથમાં સફાઈ કર્મચારીઓની હડતાલનો સુખદ અંત:​ડે.મેયરની મધ્યસ્થતાથી મામલો થાળે પડ્યો, વેતન અને પીએફના પ્રશ્ને ભવનાથમાં ત્રણ દિવસ પછી સફાઈ કામગીરી ફરી શરૂ થઈ

Gujarat5/28/2026, 11:45:01 AM
ભવનાથમાં સફાઈ કર્મચારીઓની હડતાલનો સુખદ અંત:​ડે.મેયરની મધ્યસ્થતાથી મામલો થાળે પડ્યો, વેતન અને પીએફના પ્રશ્ને ભવનાથમાં ત્રણ દિવસ પછી સફાઈ કામગીરી ફરી શરૂ થઈ
​જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મચારીઓની હડતાલનો આખરે સુખદ અંત આવ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ કાર્યરત કોન્ટ્રાક્ટ એજન્સી સામે વેતન, પીએફ, ઈએસઆઈ અને એરિયર્સ સહિતના વિવિધ પડતર મુદ્દાઓને લઈ કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના કારણે તેમણે કામગીરી બંધ કરી દીધી હતી. જોકે, મનપાના ડેપ્યુટી મેયરની સફળ મધ્યસ્થતા અને હસ્તક્ષેપ બાદ મામલો સંપૂર્ણપણે થાળે પડ્યો છે. સફાઈ કર્મચારીઓએ પોતાની હડતાલ સમેટી લીધી છે અને આજથી જ ભવનાથ વિસ્તારમાં નિયમિત સફાઈ કામગીરી ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. સફાઈ કામગીરીથી દૂર રહેવાની ચીમકી ઉચ્ચારી હતી ​ભવનાથ વિસ્તારમાં કાર્યરત કોન્ટ્રાક્ટ એજન્સી સામે સફાઈ કર્મચારીઓએ ગંભીર આક્ષેપો સાથે આ આંદોલન છેડ્યું હતું. કર્મચારીઓનો મુખ્ય આરોપ હતો કે, છેલ્લા 10 વર્ષ લાંબા સમયથી સતત કામગીરી કરવા છતાં તેમને પૂરું વેતન આપવામાં આવતું નથી. આ ઉપરાંત તેઓ પીએફ, ઈએસઆઈ અને એરિયર્સ જેવા મૂળભૂત લાભથી પણ વંચિત રહી ગયા હતા. કામદારોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, તેમના માસિક પગારમાંથી પીએફની રકમ નિયમિત કપાતી હોવા છતાં, તે રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવતી ન હતી. આ તમામ અન્યાયી મુદ્દાઓને લઈને સફાઈ કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી અને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ સફાઈ કામગીરીથી તદ્દન દૂર રહેશે. ​બેઠકમાં સુખદ સમાધાન ફોર્મ્યુલા નક્કી થઈ આ પરિસ્થિતિને પગલે જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયર આકાશ કટારાએ તાત્કાલિક મામલામાં હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે સફાઈ કર્મચારીઓ, વાલ્મિકી સમાજના યુનિયનના આગેવાનો તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટ એજન્સી અને જે તે વિભાગના જવાબદાર અધિકારીઓને રૂબરૂ બોલાવીને સકારાત્મક ચર્ચા વિચારણા હાથ ધરી હતી. આ સંયુક્ત બેઠકમાં કામદારોની માંગણીઓ પર ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી હતી અને એક સુખદ સમાધાન ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી, જેના કારણે ત્રણ દિવસથી ચાલી રહેલો ગતિરોધ બાદ કર્મચારીઓ કામ પર પરત ફરવા સહમત થયા હતા. 'માસિક 12,000 રૂપિયા પગાર મળશે' ​મહિલા સફાઈ કર્મચારી કોમલબેન જેઠવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આજે ડેપ્યુટી મેયર અને અન્ય આગેવાનોએ રૂબરૂ અહીં આવીને અમારી સાથે ચર્ચા કરી છે અને અમારા પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવી આપ્યું છે. જેથી તેમણે અમને સફાઈ કામગીરી ફરીથી ચાલુ કરી દેવા માટે જણાવ્યું છે. અમારી મુખ્ય માગણી એવી હતી કે અમને 13,000 રૂપિયા માસિક પગાર મળવો જોઈએ અને તેમાંથી 1,000 રૂપિયા પીએફ તરીકે કપાવા જોઈએ. પરંતુ એજન્સી તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, આ પ્રકારે વ્યવસ્થા કરવી શક્ય નહીં બને. આથી હાલ પૂરતી એવી સમજૂતી થઈ છે કે અમને 12,000 રૂપિયા પગાર મળશે અને તેમાંથી 2,000 રૂપિયા પીએફ તરીકે કાપવામાં આવશે. 'ડી. જી. નાકરાણી નામની જૂની કોન્ટ્રાક્ટ એજન્સી સાથેનો વિવાદ હતો' ​સમગ્ર મામલે જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયર આકાશ કટારાએ જણાવ્યું હતું કે ભવનાથ વિસ્તાર જે પવિત્ર યાત્રાધામ છે અને ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, તેમના માટે ફાળવવામાં આવેલા સફાઈ કર્મચારીઓ પીએફ બાબતના પ્રશ્નોને લીધે છેલ્લા બે-ત્રણ દિવસથી હડતાલ પર ઉતરી ગયા હતા. આ વિવાદ ખાસ કરીને 'ડી. જી. નાકરાણી' નામની જૂની કોન્ટ્રાક્ટ એજન્સી સાથે જોડાયેલો હતો, જેમના સમયમાં સફાઈ કર્મચારીઓને પીએફ મળ્યું ન હતું. આ હડતાલની ગંભીરતાને ધ્યાને લઈને આજે સફાઈ કર્મચારીઓના તમામ આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી હતી. 'હવે કર્મચારીઓને કોઈ તકલીફ નહીં આવે' ​ડેપ્યુટી મેયર આકાશ કટારાએ વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હાલમાં જે નવી એજન્સી કાર્યરત છે, તેના દ્વારા તમામ કર્મચારીઓને રેગ્યુલર પીએમ મળી રહેશે તેવો મજબૂત વિશ્વાસ સમગ્ર સફાઈ કર્મચારીઓને અપાવવામાં આવ્યો છે અને તેના આધારે જ આ હડતાલ સમેટી લેવાઈ છે. નવી એજન્સીમાં હવે કર્મચારીઓને કોઈપણ જાતનો ઇસ્યુ કે તકલીફ નહીં આવે. જૂની એજન્સી 'ડી. જી. નાકરાણી'નો જે પીએફ ન મળવાનો જૂનો વિવાદ હતો, તેનાથી વિપરીત આ નવી એજન્સીએ સત્તાવાર ખાતરી આપી છે કે કર્મચારીઓનું કોઈપણ જાતનું પીએફ કાપીને અટકાવવામાં નહીં આવે અને દર મહિને પૂર્ણ પીએફ જમા કરાવી દેવામાં આવશે. વાલ્મિકી સમાજના યુનિયનના આગેવાનો, એજન્સીના પ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ વચ્ચે થયેલી આ બેઠકના અંતે સુખદ સમાધાન થઈ જતાં, ભવનાથ યાત્રાધામ વિસ્તારનો આ મહત્વનો પ્રશ્ન આજે પૂર્ણ થયો છે અને તમામ કર્મચારીઓએ આજથી જ ઉત્સાહપૂર્વક સફાઈ કામગીરી પુનઃ શરૂ કરી દીધી છે.
Read Original Article →