સફાઈ કર્મચારીઓનું કલેક્ટરને ન્યાય માટે આવેદન:ભવનાથમાં સફાઈ કામદારોની હડતાલ, 10 વર્ષથી પૂરું વેતન, પીએફ અને રજાઓ ન મળતા રોષે ભરાયા

Gujarat5/27/2026, 1:27:59 PM
સફાઈ કર્મચારીઓનું કલેક્ટરને ન્યાય માટે આવેદન:ભવનાથમાં સફાઈ કામદારોની હડતાલ, 10 વર્ષથી પૂરું વેતન, પીએફ અને રજાઓ ન મળતા રોષે ભરાયા
​જૂનાગઢના પવિત્ર ભવનાથ વિસ્તારમાં સફાઈ કામગીરી કરતા સફાઈ કર્મચારીઓ સાથે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા મોટાપાયે આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ અન્યાયના વિરોધમાં સફાઈ કામદારો છેલ્લા 2 દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે અને સફાઈ કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. છેલ્લા 10-10 વર્ષથી રાત-દિવસ કાળી મજૂરી કરવા છતાં સરકારી નિયમ મુજબનું પૂરું લઘુતમ વેતન, પીએફ, ઈએસઆઈ કે એરિયર્સ ન મળતા હોવાના આક્ષેપ સાથે સફાઈ કામદારોએ એકત્રિત થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. 12-12 કલાક સુધી કામ કરાવીને પણ ઓવરટાઈમ ભથ્થું આપતા નથી કર્મચારીઓનો મુખ્ય આરોપ છે કે, દર મહિને તેમના પગારમાંથી પીએફના નાણાં કાપી લેવામાં આવે છે પરંતુ, તે તેમના ખાતામાં જમા થતા નથી. આ ઉપરાંત, કર્મચારીઓ સાથે અપમાનજનક વર્તન કરવામાં આવે છે અને 8 કલાકના બદલે 12-12 કલાક સુધી કામ કરાવીને પણ કોઈ વધારાનું ઓવરટાઈમ ભથ્થું આપવામાં આવતું નથી. આ ગંભીર પ્રશ્નોનો જ્યાં સુધી કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી સફાઈ કામગીરીથી દૂર રહીને હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ કામદારોએ ઉચ્ચારી છે. ​અમને પીએફ, એરિયર્સ કે પગાર સ્લિપ જેવી કોઈ સુવિધા આપવામાં આવતી નથી સફાઈ કર્મચારી કોમલબેને જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી ભવનાથ યાત્રાધામમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરીએ છીએ. આમ છતાં, આ લોકો અમને નિયમ મુજબનું લઘુતમ વેતન, એરિયર્સ કે પૂરતો પગાર ચૂકવતા નથી. અહીં અમારું ભારે શોષણ થઈ રહ્યું છે, ત્યારે અમારા જેવા નાના માણસો ન્યાય મેળવવા ક્યાં જાય? આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જ આજે અમે કલેક્ટર સાહેબ સમક્ષ ન્યાયની ગુહાર લગાવવા અને રજૂઆત કરવા આવ્યા છીએ. અમને પીએફ, એરિયર્સ કે પગાર સ્લિપ જેવી કોઈ સુવિધા આપવામાં આવતી નથી. દર મહિને અમારો પગાર કાપીને અધૂરો જ ચૂકવવામાં આવે છે. જો આ મહિને મારા પગારમાંથી ₹2,000 પીએફ પેટે કાપવામાં આવ્યા હોય, તો સામે કોન્ટ્રાક્ટરે પણ તેના હિસ્સાના ₹2,000 ઉમેરીને પીએફ ખાતામાં જમા કરાવવા જોઈએ ને? અમારા પૈસા કાપવા છતાં જો તે ખાતામાં જમા ન થતા હોય, તો તેમને અમારો પીએફ કાપવાનો કોઈ અધિકાર જ નથી. જ્યારે અમે પગાર સ્લિપ માંગીએ છીએ ત્યારે બેજવાબદાર થઈને પૂછે છે કે 'પગાર સ્લિપ વળી શું વસ્તુ છે? એની અમને ખબર નથી.' વધુમાં, સુપરવાઈઝર ગૌરવભાઈ એમ કહે છે કે 'અમારા સફાઈ કામદારોમાં કોઈનામાં મગજ જ નથી.' તો શું અમે પાગલ છીએ કે જેઓ આટલા વર્ષોથી ભવનાથ જેવા પવિત્ર ધામમાં દિવસ-રાત ઝાડુ લગાવીને સફાઈ કરીએ છીએ? અમે ગરીબ અને નાના માણસો છીએ એટલે અમારું આ રીતે અપમાન કરવું કેટલું યોગ્ય છે ? આ લોકો સિસ્ટમની આડમાં અમને સાફ કરી રહ્યા છે ભવનાથમાં મહાશિવરાત્રી જેવા મોટા મેળા દરમિયાન અમે જીવતોડ મહેનત કરીને આખું પરિસર સાફ રાખીએ છીએ, છતાં ગૌરવભાઈએ ક્યારેય ખુશીથી અમને ₹200 કે ₹500 પ્રોત્સાહન ભથ્થું આપ્યું નથી. નિયમ મુજબ 8 કલાકની નોકરી હોવા છતાં અમારી પાસે 12-12 કલાક કામ કરાવવામાં આવે છે, તો અમને આ વધારાના 4 કલાકના ઓવરટાઈમના પૈસા કેમ નથી મળતા? આ બધી જોહુકમી ચલાવતા ગૌરવભાઈ હવે અમને અમારા હેડ તરીકે બિલકુલ મંજૂર નથી. તેમના બદલે અમારા સમાજના જ કોઈ જવાબદાર વ્યક્તિને મૂકવામાં આવે અથવા કોન્ટ્રાક્ટરને વ્યવસ્થિત રીતે કામ ચલાવવા આદેશ આપવામાં આવે, જેથી અમારો 70 થી 80 જણાનો સ્ટાફ રાજીખુશીથી કહી શકે કે 'અમે જે મહેનત કરીએ છીએ, તેનું વળતર અમને પૂરું મળે છે.' અત્યારની પરિસ્થિતિ જોતા એ જ સમજાતું નથી કે અમે ભવનાથને સાફ કરીએ છીએ કે પછી આ લોકો સિસ્ટમ આડમાં અમને સાફ કરી રહ્યા છે. ​લેબર લોના નિયમો મુજબ શ્રમિકોને મળવાપાત્ર રજાઓ પણ આપવામાં આવતી નથી આ મામલે સફાઈ કામદારોના સમર્થનમાં આવેલા વાલ્મિકી સમાજના પ્રમુખ દિનેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, હાલ ભવનાથ યાત્રાધામની અંદર અમારા વાલ્મિકી સમાજના આશરે 70થી 80 જેટલા લોકો કામ કરી રહ્યા છે. આ યાત્રાધામની સફાઈ કે અન્ય કામગીરીનો કોન્ટ્રાક્ટ ડી.જે. નાગરાણી ચલાવે છે. છેલ્લા 8થી 10 વર્ષથી તેઓ આ શ્રમિકોના PF અને ESIના પૈસા નિયમિત જમા કરાવતા નથી અને જો કર્યા પણ હોય તો તે માત્ર બતાવવા પૂરતા જ જમા કર્યા છે. વધુમાં, શ્રમિકો પાસે મહિનાના પૂરા 31 દિવસ કામ કરાવવામાં આવે છે. લેબર અધિકારી અને લેબર લો ના નિયમો મુજબ શ્રમિકોને મળવાપાત્ર રજાઓ પણ આપવામાં આવતી નથી. આમ, ભવનાથમાં કામ કરતા અમારા વાલ્મિકી સમાજના ગરીબ શ્રમિકોનું પૂરેપૂરું શોષણ થઈ રહ્યું છે. આ અન્યાય સામે આજે અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે, અમારા ગરીબ વાલ્મિકી સમાજના લોકોને વહેલામાં વહેલી તકે ન્યાય મળે. આ સાથે જ અમારી વિનંતી છે કે કોન્ટ્રાક્ટર ડી.જે. નાગરાણીની ડિપોઝીટ તેમજ તેમના અન્ય બાકી નીકળતા પેમેન્ટ તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવે અને તેમાંથી આ ગરીબ શ્રમિકોના બાકી પૈસા ચૂકવી દેવામાં આવે.
Read Original Article →