અનિરુદ્ધસિંહ જાડેજાની જૂનાગઢ જેલમાંથી અમદાવાદ સાબરમતી જેલમાં બદલી:પૂર્વ MLA પોપટ સોરઠિયા હત્યા કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી

Gujarat4/5/2026, 1:48:45 PM
અનિરુદ્ધસિંહ જાડેજાની જૂનાગઢ જેલમાંથી અમદાવાદ સાબરમતી જેલમાં બદલી:પૂર્વ MLA પોપટ સોરઠિયા હત્યા કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી
રાજકોટના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, જે 1988ના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે, તેમને આજે વહેલી સવારે 7 વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનાગઢ જિલ્લા જેલમાંથી અમદાવાદની હાઈ-સિક્યોરિટી સાબરમતી મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ટ્રાન્સફરને રાજ્ય જેલ વિભાગની અત્યંત ગુપ્ત અને સુરક્ષાત્મક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ અમદાવાદ જેલમાં ટ્રાન્સફર કરાઈ ​જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક નાસીરુદ્દીન લોહારના જણાવ્યા અનુસાર સરકારના નીતિ-નિયમો અને વહીવટી કારણોસર અનિરુદ્ધસિંહ જાડેજાને અમદાવાદ જેલમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત જાપ્તા અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સાબરમતી જેલમાં તેમની સુરક્ષા અને અન્ય કેદીઓ સાથેના સંપર્કને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવશે તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પૂર્વ MLAના હાઈ-પ્રોફાઈલ હત્યા કેસમાં આજીવન કેદની સજા ​આ સમગ્ર મામલાના મૂળ 36 વર્ષ જૂના ગોંડલના ચકચારી હત્યાકાંડમાં રહેલા છે. 15 ઓગસ્ટ 1988ના રોજ જ્યારે આખો દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે ગોંડલ ખાતે ધ્વજવંદનના જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઇ સોરઠિયાની ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ હાઈ-પ્રોફાઈલ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા મુખ્ય આરોપી હતા અને લાંબી કાનૂની લડત બાદ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. એક મહિનાની અંદર સરેન્ડર થવા હાઈકોર્ટનો આદેશ ​વર્ષ 2018માં તત્કાલીન જેલ સત્તાધીશો દ્વારા અનિરુદ્ધસિંહને સારા વર્તનના આધારે સજામાફી આપી જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, આ મુક્તિ વિવાદોના ઘેરામાં રહી હતી. પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના પૌત્રએ આ સજામાફીને પડકારતા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કપી હતી. હાઈકોર્ટે ગત સપ્તાહ દરમિયાન આ મામલે કડક વલણ અપનાવતા જેલ અધિક્ષક ટી.એસ. બિસ્તના સજામાફીના હુકમને ગેરકાયદે ઠરાવી રદ કર્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, અનિરુદ્ધસિંહ જાડેજાએ એક મહિનાની અંદર સરેન્ડર થવું પડશે. આ ઉપરાંત તેમને દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો હતો. હાઈકોર્ટના કડક વલણને પગલે આખરે તેમને જેલના સળિયા પાછળ જવું પડ્યું ​હાઈકોર્ટના આદેશથી બચવા માટે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગત 29 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (ક્રિમિનલ) દાખલ કરી હતી, જે 30 ઓગસ્ટે સુનાવણી માટે લેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જની ખંડપીઠ સમક્ષ આ મામલે દલીલો થઈ હતી. જોકે, કાયદાકીય પકડ મજબૂત બનતા અને હાઈકોર્ટના કડક વલણને પગલે આખરે તેમને જેલના સળિયા પાછળ જવું પડ્યું છે. ​અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ સંડોવણી ​અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ માત્ર જૂના કેસ પૂરતી સીમિત નથી. હાલમાં જ ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અમિત ખૂંટને મરવા માટે મજબૂર કરવાના (દુષ્પ્રેરણા) આરોપમાં ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની ચાર્જશીટ મુજબ અનિરુદ્ધસિંહ લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા. ગોંડલ કોર્ટે ગત 19 ઓગસ્ટના રોજ તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી, જેનાથી તેમની મુશ્કેલીમાં વધારો થયો હતો.
Read Original Article →