પસવાડામાં અનંત અંબાણીનો જન્મોત્સવ:​અનંત અંબાણીના 31માં જન્મદિવસ નિમિત્તે પસવાડામાં ભવ્ય આયોજન: 8 હજાર લોકોએ લીધો પ્રસાદ, મહિલાઓને વસ્ત્ર સેવા અને રાત્રે લોકડાયરાની જમાવટ.

Gujarat4/13/2026, 7:13:23 AM
પસવાડામાં અનંત અંબાણીનો જન્મોત્સવ:​અનંત અંબાણીના 31માં જન્મદિવસ નિમિત્તે પસવાડામાં ભવ્ય આયોજન: 8 હજાર લોકોએ લીધો પ્રસાદ, મહિલાઓને વસ્ત્ર સેવા અને રાત્રે લોકડાયરાની જમાવટ.
​જૂનાગઢના ભેંસાણ તાલુકાનું પસવાડા ગામ તાજેતરમાં એક ઐતિહાસિક અને યાદગાર પ્રસંગનું સાક્ષી બન્યું છે. રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણીના 31માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે 'અનંત સેવા - નિસ્વાર્થ સેવા'ના સૂત્ર સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પસવાડા સહિત આજુબાજુના પાંચ ગામોના પ્રસાદ સેવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં પસવાડા, સામતપરા, કરિયા, માલિડા, હડમતીયા અને પાટલા જેવા ગામોનો લોકોના જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું . ​દિવસના પ્રારંભે આયોજિત પ્રસાદ સેવામાં અંદાજે 8,000 જેટલા લોકોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભોજનનો લાભ લીધો હતો. અંબાણી પરિવારની ઉદારતાનો પરિચય ત્યારે મળ્યો જ્યારે પ્રસાદ લેવા આવેલી તમામ મહિલાઓને આદરપૂર્વક 'વસ્ત્ર સેવા' તરીકે સાડીઓ અર્પણ કરવામાં આવી હતી. આ ઉમદા કાર્યથી ગ્રામીણ મહિલાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. પસવાડા ગામના સરપંચ જયસિંહ ભાટી એ જણાવ્યું હતું કે અનંત અંબાણીના જન્મદિવસને સેવા અને ભજનના માધ્યમથી ઉજવીને એક નવો રાહ ચીંધવામાં આવ્યો છે.રાત્રિના સમયે આયોજિત રંગારંગ ભવ્ય લોકડાયરાએ ગામની આબોહવાને ભક્તિ અને મનોરંજનથી ભરી દીધી હતી. લોકડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો જેવા કે રાજભા ગઢવી, સાઈરામ દવે, દેવાંગી પટેલ અને વિમલ મહેતાએ પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરી હતી. કલાકારોના સૂરોની લહેરમાં લોકો મોડી રાત સુધી હિલોળા લેતા રહ્યા હતા. આ કાર્યક્રમે સાબિત કરી દીધું કે સેવા અને ભજન જ્યારે એક સાથે મળે ત્યારે વાતાવરણ કેટલું સકારાત્મક બની જાય છે. ​આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે રિલાયન્સ ગ્રુપના ઉચ્ચ અધિકારીઓએ ખડેપગે રહીને ભારે જહેમત ઉઠાવી હતી. અધિકારીઓની ટીમમાં સરવ્યા સાહેબ, રાવ સાહેબ, રાવલ સાહેબ, મોરી સાહેબ અને ભાલિયા સાહેબ સહિતના નામી-અનામી અધિકારીઓએ કાર્યક્રમના સંચાલન અને સુવિધા માટે પ્રશંસનીય કામગીરી કરી હતી. પસવાડા ગામના સરપંચ જયસિંહ ભાટીએ તમામ ગ્રામજનોને સાથે રાખીને આ આયોજનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. ​કાર્યક્રમના અંતે રિલાયન્સ ગ્રુપના અધિકારીઓ અને ગામના સરપંચ દ્વારા સેવા આપવા આવેલા તમામ લોકો તેમજ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આયોજન બદલ સમગ્ર પંથકના લોકોએ અંબાણી પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આમ, પસવાડાના આંગણે યોજાયેલો આ કાર્યક્રમ અનંત અંબાણીના જન્મદિવસને સાર્થક કરતા 'સેવા મહોત્સવ'માં ફેરવાઈ ગયો હતો.
Read Original Article →