નરેડી પાસે અકસ્માત:વંથલી-માણાવદર રોડ પર કારની ટક્કરે લ્યુના સવાર ઝાપોદડના વૃદ્ધનું મોત

Gujarat6/3/2026, 12:00:00 AM
વંથલી-માણાવદર રોડ પર કારની ટક્કરે લ્યુના સવાર ઝાપોદડના વૃદ્ધનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. વંથલી તાલુકાના ઝાંપોદડ ગામના જમનભાઈ વાલજીભાઈ વાછાણી સોમવારે સાંજે 5:30 વાગ્યે પોતાની જીજે 11 એસી 1482 નંબરનું લ્યુના મોપેડ લઈને નરેડી ગામ પાસે વંથલી માણાવદર રોડ પર આવેલ દેવ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીને પંપ બહાર નીકળી રહ્યા હતા. તે દરમિયાન માણાવદર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે 26 બીએ 0862 નંબરની અર્ટિકા કારના ચાલકે લ્યુનાને હડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે જમનભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકના પાર્થિવ દેહને પોસ્ટ મોર્ટમ અર્થે વંથલી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વંથલી પોલીસે મૃતકના પૌત્ર બીપીનભાઈ જયસુખભાઈ વાછાણીની ફરિયાદ આધારે કારના ચાલક વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
Read Original Article →