અમરાપુરમાં સૌની યોજનાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અને વળતરનો વિવાદ.:અમરાપુરમાં સૌની યોજનામાં ભ્રષ્ટાચાર અને વળતર મુદ્દે ખેડૂતોનો ઉગ્ર રોષ; સિંચાઈ વિભાગે આક્ષેપો નકારી ગુણવત્તાનો લુલ્લો બચાવ કર્યો,
એક તરફ સરકાર ખેડૂતોને સમૃદ્ધ બનાવવા અને સિંચાઈની સુવિધા પુરી પાડવા માટે 'સૌની યોજના' જેવી મહત્વકાંક્ષી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે બીજી તરફ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અમરાપુર ગામે આ યોજનાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામ પંચાયતે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા તંત્ર અને કોન્ટ્રાક્ટ એજન્સી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ખેડૂતોની વેદના: "અમારી જમીન બંજર બની, વળતરના ઠેકાણા નથી" અમરાપુર ગામના ખેડૂત વિજયભાઈ ઝણકાટે સરકાર અને તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા ગામમાં અત્યારે સૌની યોજનાની પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે, પણ આ કામમાં અમને ક્યાંય ન્યાય મળતો દેખાતો નથી. પાઈપલાઈન માટે જે 'સર' (ખોદકામ) ગાળવામાં આવી છે, તેના કારણે અમારા ખેતરોની હાલત ખરાબ થઈ ગઈ છે. કામમાં ભારે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે અને તેને લીધે અમારી ફળદ્રુપ જમીન અત્યારે બંજર જેવી બની ગઈ છે. પાઈપલાઈન નાખવાની પ્રક્રિયામાં જે કાળજી લેવી જોઈએ તે લેવાતી નથી, જેનાથી ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તેમણે વધુમાં આર્થિક કટોકટી અંગે વાત કરતા જણાવ્યું હતું કે ચોમાસું હવે ગણતરીના દિવસોમાં જ બેસવાનું છે. અમારી આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી છે અને હવે ખેતરોમાં થયેલા ખોદકામને કારણે અમે સમયસર વાવણી કરી શકીએ તેવી સ્થિતિમાં નથી. અધિકારીઓએ અમને ૮-૧૦ દિવસમાં વળતર આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે ૪ મહિના થવા છતાં કોઈ જ રકમ મળી નથી. અમારી માંગ છે કે વહેલી તકે તપાસ થાય અને અમને ન્યાય મળે. સરપંચના આક્ષેપ: "નિયમ મુજબ કામ નથી થતું, અમરાપુર ગામના સરપંચ ભયલુભાઈ સોલંકીએ કામની ગુણવત્તા પર સવાલો ઉઠાવતા મીડિયાને જણાવ્યું હતું કે, "સાહેબ, મારે મીડિયાના માધ્યમથી સરકાર સુધી આ ખેડૂતોની વેદના પુગાડવી છે. બે મહિના પહેલા અધિકારીઓએ અમને વિશ્વાસ આપ્યો હતો કે કામ શરૂ થયાના આઠ જ દિવસમાં નુકસાનીનું વળતર આપી દેશું, પણ આજે બે મહિના વીતી ગયા છતાં પરિણામ શૂન્ય છે. ચોમાસું માથે છે અને નદીના પેટાળમાં જે રીતે ભળા (ખાડા) ખોદીને ખુલ્લા મૂકી દીધા છે, તેનાથી હજારો વીઘા જમીન ધોવાઈ જવાનો ભય છે. કામમાં થતા ભ્રષ્ટાચાર વિશે તેમણે સનસનીખેજ આક્ષેપ કરતા કહ્યું હતું કે, "પાઈપલાઈન જે ઉંડાઈએ નાખવાની હોય છે, તે ઉંડાઈ પ્રમાણે કામ નથી થયું. તમે રિપોર્ટિંગમાં પણ જોઈ શકો છો કે નીચે જે મટીરીયલ અને ગ્રીપ (ભરડીયો) નાખવો જોઈએ, તેના બદલે માત્ર રેતી નાખીને વેઠ ઉતારવામાં આવી રહી છે. કામ સાવ છીછરું છે. જો ભવિષ્યમાં આ લાઈન તૂટશે તો ખેડૂતોના આખા પાકનું નુકસાન થશે. અધિકારીઓ અને એજન્સીની મિલીભગત સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સિંચાઈ વિભાગની સ્પષ્ટતા: "આક્ષેપો પાયાવિહોણા છે, ખેડૂતોના આ ઉગ્ર આક્ષેપો સામે જૂનાગઢ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર પી.બી. કોઠીયાએ વિભાગનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, "અમરાપુર પાસે સૌની યોજના લિંક 4B પેકેજ-7 હેઠળ પાઈપલાઈન નાખવાની કામગીરી અત્યારે પ્રગતિ પર છે. આ કામ EPC કોન્ટ્રાક્ટ હેઠળ SPML એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. વળતરની પ્રક્રિયા વિશે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, જ્યારે કામ શરૂ થાય ત્યારે અંદાજે 50% વળતર 8 થી 10 દિવસમાં જમા કરવામાં આવે છે અને બાકીનું 50% કામ પૂર્ણ થયા બાદ ખેડૂતના NOC મળ્યા પછી ચૂકવવામાં આવે છે. ગુણવત્તાના મુદ્દે તેમણે ખેડૂતોના આક્ષેપોને નકારતા જણાવ્યું કે, "કામની ગુણવત્તા ચકાસવા માટે અમે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન (TPI) તરીકે SGS કંપનીની નિમણૂક કરી છે, જેમના માણસો સતત સાઈટ પર હાજર રહે છે. અત્યાર સુધી ગુણવત્તામાં કોઈ ખામી જણાઈ નથી. જે ખેડૂતોએ NOC આપી દીધી છે તેમને એક અઠવાડિયામાં પેમેન્ટ મળી જશે. ચોમાસામાં નુકસાન ન થાય તે માટે અમે અત્યારે ખેતરોનું કામ પૂર્ણ કરવા પર પ્રાથમિકતા આપી રહ્યા છીએ અને ત્યારબાદ જ વોકળા કે નદીની કામગીરી હાથ ધરાશે. હાલ તો એક તરફ ખેડૂતો પોતાના પાયમાલ થતા ખેતરો અને ભ્રષ્ટાચારને લઈને આક્રોશમાં છે, ત્યારે બીજી તરફ તંત્ર તમામ કામગીરી નિયમ મુજબ હોવાનો દાવો કરી રહ્યું છે. આગામી ચોમાસામાં આ વિવાદ કેવું સ્વરૂપ લે છે તે જોવું રહ્યું.
Read Original Article →