ભેસાણ પંથકનો બનાવ:સોશિયલ મીડિયા પર મિત્રતા બાદ સગીરાએ લગ્નની ના પાડતા શખ્સે ફિનાઈલ પીધું
સોશિયલ મીડિયા પર મિત્રતા બાદ ભેસાણ પંથકની એક સગીરાએ લગ્નની ના પાડતા શખ્સે ફિનાઈલ પી લગ્ન માટે દબાણ કર્યાની ફરિયાદ થતા પોલીસે નાકરા ગામના શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ભેસાણ તાલુકાના ગામની સગીરાની ફરિયાદ અનુસાર તેની સાથે માણાવદર તાલુકાના નાકરા ગામના સુખદેવ ચંદુભાઈ કાથડ નામના શખ્સે છ મહિના પહેલા સોશિયલ મીડિયા મારફત વાતચીત કરી લલચાવી ફોસલાવી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. શખ્સે લગ્ન કરવા માટે અવારનવાર કહેતા સગીરાએ લગ્ન કરવાની ના પાડી હતી જેનાથી ઉશ્કેરાઈ જઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લગ્ન માટે દબાણ કર્યું હતું જેથી સગીરાએ શખ્સ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. સગીરા જ્યારે સ્કૂલે અભ્યાસ કરવા જતી ત્યારે અવારનવાર પીછો કરી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં ગત તા. 7 મેના રોજ બપોરના સમયે ઘર પાસે આવી ગાળો બોલી શખ્સે પોતાની ગાડીમાંથી ફિનાઈલની બોટલ કાઢી પી લઈ જાતિય સતામણી કરી હતી. આ અંગે ભેસાણના પીઆઈ એન. એન. તળાવીયાએ બુધવારે સગીરાની ફરિયાદ લઈ સુખદેવ કાથડ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Read Original Article →