સીમકાર્ડ વેચાણનું રજીસ્ટર ન નિભાવતા કાર્યવાહી:મોબાઈલ શોપના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Gujarat5/27/2026, 12:00:00 AM
શહેરના ઝાંઝરડા રોડ પર આવેલી ‘શ્યામ મોબાઈલ’ નામની દુકાનના સંચાલક સામે એસઓજીએ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે ઝાંઝરડા રોડ પર યમુના વાડીની સામે આવેલી શ્યામ મોબાઈલ નામની દુકાનના સંચાલક વિપુલ નટવરલાલ રૂપારેલીયા જુદી-જુદી કંપનીના સીમકાર્ડનું વેચાણ કરતા હોવા છતાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સીમકાર્ડના વેચાણ અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ કોઈ રજીસ્ટર નિભાવતા નથી. બાતમી આધારે પોલીસે તપાસ કરતા એરટેલ અને જીઓ વગેરે કંપનીઓના સીમકાર્ડ વેચવા છતાં વિપુલ રૂપારેલીયાએ સીમ કાર્ડ વેચાણનું રજિસ્ટર નિભાવ્યું ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા વિપુલ રૂપારેલીયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીથી નિયમોનું પાલન ન કરતા અન્ય સીમકાર્ડ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
Read Original Article →